×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ડાયરેક્ટ ટેક્સ કલેક્શન બમ્પર 53% વધીને રૂ. 2.58 લાખ કરોડ : રિપોર્ટ

અમદાવાદ,તા.15 જૂન 2022,બુધવાર

કોરોના મહામારી બાદ આવેલ ઝડપી આર્થિક રિકવરીને કારણે ભારતના જીએસટી કલેક્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. જોકે હવે મળતી માહિતી પ્રમાણે ભારતના પ્રત્યક્ષ કર સંગ્રહમાં વાર્ષિક 50%થી વધુનો વધારો નોંધાયો છે.

મીડિયા અહેવાલ અનુસાર આવકવેરા અને કોર્પોરેટ ટેક્સને સમાવિષ્ટ કરતા પ્રત્યક્ષ કર સંગ્રહ નાણાકીય વર્ષ 2022-23માં 14 જૂન સુધીમાં રૂ. 2.58 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. સરહદી તણાવ અને ફુગાવાની ચિંતાઓના વિક્ષેપ છતા ભારતના નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં વધારો થયો છે.

પ્રથમ ત્રિમાસિકગાળામાં કોર્પોરેટ ટેક્સ અને વ્યક્તિગત આવકવેરાના એડવાન્સ કલેક્શનમાં ગયા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. 1 એપ્રિલથી 14 જૂન સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં એક વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીમાં લગભગ 53.2 ટકાનો વધારો થયો છે. સરકારના અંદાજ અનુસાર પ્રથમ ક્વાર્ટરમાં એડવાન્સ ટેક્સ કલેક્શન ગત વર્ષની સરખામણીમાં લગભગ 50 ટકા વધશે.

પ્રત્યક્ષ કર સંગ્રહમાં કોર્પોરેટ ટેક્સની સાથે સાથે વ્યક્તિગત ટેક્સ એટલેકે ફિક્સ પગાર ધરાવનાર વ્યકતિ દ્વારા ટેક્સની આગોતરી ચૂકવણી સહિતના અન્ય સ્ત્રોતો જેમ કે થાપણોમાંથી વ્યાજ, ભાડાની આવક, કેપિટલ ગેઈન વગેરેમાંથી થતી કમાણી પર એડવાન્સ ટેક્સની ચૂકવણી થાય છે.

એડવાન્સ ટેક્સ નાણાંકીય વર્ષના અંતે નહીં પણ ચાર હપ્તામાં ચૂકવવામાં આવે છે. આ આંકડો દેશની આર્થિક વૃદ્ધિના બેરોમીટર તરીકે ગણવામાં આવે છે. પ્રથમ હપ્તો વાર્ષિક ટેક્સના 15% જેટલો 15 જૂન સુધીમાં, બીજો 15 સપ્ટેમ્બર સુધીમાં ટેક્સના વધુ 30%, ત્રીજો હપ્તિ ડિસેમ્બર 15 સુધીમાં વધુ 30% અને બાકીની રકમ 15 માર્ચ સુધીમાં ચૂકવવાની છે. એડવાન્સ ટેક્સના પ્રથમ હપ્તાની ચુકવણીની છેલ્લી તારીખ દર વર્ષે 15 જૂન છે. આ સમયમર્યાદા આજે મધ્યરાત્રિએ સમાપ્ત થઈ છે.