×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટ્વિટરે ન હટાવ્યો બેન, ડોનાલ્ડ ટ્રમ્પ લોન્ચ કરશે પોતાનું સોશિયલ મીડિયા નેટવર્ક 'ટ્રુથ સોશિયલ'


- આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં ટ્વિટર પર તાલિબાનની મોટા પાયે ઉપસ્થિતિ છે પરંતુ તમારા મનગમતા અમેરિકી રાષ્ટ્રપતિના અવાજને દબાવી દેવામાં આવ્યો છેઃ ટ્રમ્પ

નવી દિલ્હી, તા. 21 ઓક્ટોબર, 2021, ગુરૂવાર

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર અને ફેસબુક દ્વારા પ્રતિબંધ ન હટાવાતા પોતાનું આગવું સોશિયલ મીડિયા નેટવર્ક બનાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે તેને TRUTH Social (ટ્રુથ સોશિયલ) એવું નામ આપ્યું છે. તેમણે જણાવ્યું કે, 2022ના વર્ષની શરૂઆતમાં તેને લોન્ચ કરવામાં આવશે. ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી દ્વારા તેનું નિર્માણ કરવામાં આવશે. 

ગ્રુપના કહેવા પ્રમાણે તેઓ વર્તમાન લિબરલ મીડિયા સંઘના વિરોધી સોશિયલ મીડિયા નેટવર્કની તૈયારી કરશે અને સિલિકોન વેલીની દિગ્ગજ ટેક કંપનીઓનો મુકાબલો કરશે. 

ગ્રુપે આરોપ લગાવ્યો હતો કે, સિલિકોન વેલીની કંપનીઓ અમેરિકામાં વિરોધી અવાજોને દબાવવા માટે પોતાની એકતરફી શક્તિઓનો ઉપયોગ કરી રહી છે. ટ્રમ્પને આ ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા છે. આ જાહેરાત મુદ્દે ટ્રમ્પે કહ્યું કે, 'મેં દિગ્ગજ કંપનીઓના અત્યાચાર સામે ઉભા રહેવા માટે ટ્રુથ સોશિયલ અને ટીએમટીજીની રચના કરી છે. આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં ટ્વિટર પર તાલિબાનની મોટા પાયે ઉપસ્થિતિ છે પરંતુ તમારા મનગમતા અમેરિકી રાષ્ટ્રપતિના અવાજને દબાવી દેવામાં આવ્યો છે.'

વધુમાં જણાવ્યું કે, 'આ અસ્વીકાર્ય છે અને હું બહુ જલ્દી જ ટ્રુથ સોશિયલ પર પહેલી ટ્રુથ પોસ્ટ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજીની રચના બધાને અવાજ આપવાના મિશનથી થઈ છે. હું બહુ જલ્દી ટ્રુથ સોશિયલ પર મારા વિચારો શેર કરવા અને દિગ્ગજ ટેક કંપનીઓ સામેનો જંગ ફરી શરૂ કરવાને લઈ ઉત્સાહિત છું. બધા મને સવાલ કરી રહ્યા હતા કે, હું દિગ્ગજ ટેક કંપનીઓ સામે કેમ ઉભો નથી થઈ રહ્યો? અમે જલ્દી જ એ કરીશું.'