×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટેન્શન વધ્યું : રશિયા પાસેથી ખરીદેલા હથિયારોની ચૂકવણી કરવામાં ભારત અસમર્થ

નવી દિલ્હી, તા.08 ફેબ્રુઆરી-2023, બુધવાર

ભારતને રશિયા પાસેથી રૂ.28 હજાર કરોડના હથિયારો ખરીદ્યા છે. જોકે ગત વર્ષે ફેબ્રુઆરીમાં યૂક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ રશિયા પર કડક પ્રતિબંધો લદાયા છે, જેના કારણે ભારત હજુ સુધી આ રકમની ચુકવણી કરી શક્યું નથી. યૂક્રેન સાથે યુદ્ધના કારણે પશ્ચિમી દેશો અને અમેરિકા તરફથી સતત આર્થિક પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયાને ભારત પોતાની બાકી રકમ ચૂકવવાનો વિકલ્પ શોધી રહ્યો છે. ભારત મોટાભાગના સૈન્ય હથિયારો અને હાર્ડવેર રશિયા પાસેથી ખરીદે છે, આવી સ્થિતિમાં સરકારને ચિંતા છે કે, ચુકવણીમાં વધુ વિલંબથી મહત્વના સ્પેરપાર્ટ્સ અને ઉપકરણોની ડિલીવરીમાં મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. ભારત રશિયા સાથે કરાર હેઠળ લાંબા અંતરની જમીનથી હવામાં પ્રહાર કરતી S-400 મિસાઈલ, રશિયામાં બનાવાયેલી ટુશિલ ક્લાસના જહાજ, મલ્ટીપલ રૉકેટ લોન્ચર Smerch, રૉકેટ પ્રોજેક્ટાઈલ્સ અને X-31 મિસાઈલો ખરીદે છે. આ ઉપરાંત અન્ય ઘણી મિસાઈલો અને સેનાના હથિયારો તેમજ ઉપકરણો પણ સામેલ છે.

ચુકવણી માટે 3 વિકલ્પો પર ચર્ચા

ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને હથિયારો ખરીદે છે. સમાચાર એજન્સી રૉયટર્સે શનિવારે એક રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહ્યું છે કે, ભારતીય રિફાઈનરી કંપનીઓએ અમેરિકી ડોલરના બદલે દુબઈ સ્થિત વેપારીઓ દ્વારા યુએઈની કરન્સી દિરહામમાં ચૂકવણી કરવાનું શરૂ કરી દીધુ છે. અંગ્રેજી અખબાર ધ ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ટોચના અધિકારીએ જણાવ્યું કે, રશિયાને બાકી રકમ ચૂકવવા માટે ભારત 3 વિકલ્પો પર વિચાર કરી રહ્યો છે. આમાંથી એક વિકલ્પ ચીની યુઆન અને યૂએઈ દિરહામમાં રૂબલ ચૂકવણી કરવાનો છે.

સૂત્રો અનુસાર આ મામલે ગત વર્ષે પણ રશિયા ઉપરાંત સંરક્ષણ અને નાણાં મંત્રાલયના અધિકારીઓ વચ્ચે આંતરિક ચર્ચા થઈ હતી, જેમાં નિર્ણય લેવાયો હતો કે, ભારતીય રિઝર્વ બેંક સાથે બાકી રકમની ચૂકવણીના વિકલ્પ અંગે ચર્ચા કરવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે, ભારત ભલે કોઈ ત્રીજા દેશની વિદેશી ચલણથી ચૂકવણી કરવાનો વિકલ્પ શોધી રહ્યો હોય, પરંતુ મોટાભાગની સંરક્ષણ ડીલની ‘સંવેદનશીલ’ બાબતોના કારણે ભારત શંકાશીલ છે. તે સમયે એક અધિકારીએ કહ્યું કે, અમે દિરહામ અને યુઆનને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છીએ, જોકે યુઆનથી ચૂકવણી કરવા અમે સંપૂર્ણપણે તૈયાર નથી.

સરકાર દ્વારા સોવરેન બોન્ડ જારી થવાની સંભાવના

ઉપરાંત ભારત સરકાર સોવરેન બોન્ડ દ્વારા હાઈબ્રિડ પેમેન્ટ્સ થકી બાકી રકમ ચૂકવવાનો વિકલ્પ પણ શોધી રહી છે. તે દરમિયાન એક અધિકારીએ ચર્ચા કરી કે, ભારતના એક જુદા એકાઉન્ટમાંથી રશિયાને બાકી રકમની ચૂકવણી કરી શકાય છે. આમાં સરકાર જમા રકમ પર સોવરેન ગેરેન્ટી જારી કરી શકે છે. અધિકારીએ એમ પણ કહ્યું કે, આને હાઈબ્રિડ વિકલ્પ કહેવામાં આવી રહ્યું છે, કારણ કે સામાન્ય રીતે બાકી રકમ ચૂકવણી માટે સોવરેન બોન્ડનો ઉપયોગ કરવામાં આવતો નથી.

2018માં પણ રશિયાને ચૂકવણી કરવામાં ભારત મુશ્કેલીમાં મુકાયું હતું

અગાઉ પણ ભારતે રશિયાને બાકી રકમની ચૂકવણી કરવા સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2018માં જ્યારે ભારતે રશિયા સાથે S-400 મિસાઈલ ડીલના કરાર કર્યા હતા, તે સમયે પણ ભારતે આવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. 2018માં પણ અમેરિકાએ પોતાના વિરોધીઓને ઘેરવા પ્રતિબંધ એક્ટ CAATSAનો ઉપયોગ કરી રશિયા પર પ્રતિબંધ લાદ્યા હતા. જોકે તે સમયે ભારતે બે રશિયન બેંક VTB અને Sberbankની ભારતીય બ્રાન્ચો દ્વારા સંરક્ષણને લગતી બાકી રકમની ચૂકવણી કરી દીધી હતી. સરકારે રશિયાને ડૉલરની સરખામણીએ ભારતીય રૂપિયામાં ચૂકવણી કરી હતી. જોકે રશિયા-યૂક્રેન યુદ્ધ બાદ રશિયા પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોને કારણે આ બેંકો પર પ્રતિબંધ લદાયો છે.