×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટેક્સાસના ડેરી ફાર્મમાં આગ, 18,000 ગાયોનાં મોત


- ટેક્સાસના પાટનગર ઓસ્ટિનથી 450 કિ.મી. દૂર કેસ્ટ્રો કાઉન્ટીમાં બનેલી દર્દનાક ઘટના

- ગંભીર રીતે દાઝેલા ફાર્મના કર્મચારીને બચાવાયો : ફાર્મની મશીનરીમાં ગરબડ સર્જાતા ઘાસચારો અને મિથેન ગેસથી આગ ફાટી નીકળ્યાની શક્યતા

- એક ગાયની કિંમત પોણા બે લાખ હતી 

- આગની ઘટનામાં એક સાથે આટલી ગાયોના મોત થવાની પહેલી ઘટના

- અમેરિકામાં ડેરી ફાર્મિંગને આગથી સુરક્ષિત રાખવા કડક નિયમોની માગ ઉઠી 

ઓસ્ટિન : અમેરિકાના ટેક્સાસમાં આવેલા ડેરી ફાર્મમાં ભયાનક આગ લાગતા ૧૮ હજાર કરતાં વધુ ગાયોના દર્દનાક મોત થયા હતા. આટલી મોટી સંખ્યામાં ગાયો ભડથું થઈ ગઈ હોવાની આ પહેલી ઘટના છે. આગ લાગવાના કારણની તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે ડેરી ફાર્મની મશીનરીમાં વિસ્ફોટ થતાં ઘાસચારો અને મિથેન ગેસથી આગ ફાટી નીકળી હોવાની શક્યતા છે. એક ગાયની અંદાજિત કિંમત પોણા બે લાખ રૂપિયા જેવી થતી હતી અને ડેરી ફાર્મ બળીને ખાક થઈ ગયું તેનો અંદાજ માંડવામાં આવે તો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એકાદ હજાર ગાયોને આગમાંથી બચાવવામાં આવી હતી ને ગંભીર રીતે દાઝેલા એક કર્મચારીને પણ રેસ્ક્યૂ ટીમે બચાવ્યો હતો.

અમેરિકાાન ટેક્સાસ રાજ્યના પાટનગર ઓસ્ટિનથી ૪૫૦ કિલોમીટર દૂર આવેલા કેસ્ટ્રો કાઉન્ટીના ડેરી ફાર્મમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. ગાયોને દોહવા માટે વિશાળ ફાર્મમાં એક સાથે બાંધવામાં આવી હતી ત્યારે વિકરાળ આગ ફાટી નીકળી હતી. બાંધેલી ગાયો ભાગી શકી ન હતી અને ૧૮,૦૦૦ કરતાં વધુ ગાયોનું દર્દનાક મૃત્યું થયું હતું. ફાર્મની ૯૦ ટકા ગાયોનું આગમાં મોત થયું હતું. બચેલી એકાદ હજાર ગાયોને રેસ્ક્યૂ ટીમે બચાવી લીધી હતી. એક કર્મચારી ગંભીર રીતે આગમાં સપડાઈને દાઝી ગયો હતો એને પણ બહાર કાઢીને સારવાર આપવામાં આવી હતી. એની સ્થિતિ ગંભીર હોવાનું હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું હતું.

ડેરી ફાર્મ કંપનીએ કોઈ નિવેદન આપ્યું ન હતું. કંપનીનું છે તેને કરોડોનું નુકસાન થયું છે. એક ગાયની કિંમત લગભગ પોણા બે લાખ જેટલી થતી હતી. તે ઉપરાંત આખું ડેરી ફાર્મ રાખ થઈ ગયું છે. મોટાભાગની ગાયો હોલસ્ટીન અને જર્સી પ્રકારની હતી. આગ લાગ્યા બાદ બોમ્બ વિસ્ફોટ થયો હોય એવું દૃશ્ય સર્જાયું હતું. આગની જ્વાળા આકાશને આંબતી હતી. આસપાસનો વિસ્તાર સુરક્ષાના કારણોથી તુરંત બંધ કરી દેવામાં આવ્યો હતો.

 ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. ટેક્સાસ રાજ્યના ગવર્નરે ફાયર સેફ્ટી વિભાગના અધિકારીઓની ટીમ બનાવીને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કાઉન્ટીના નજીકના શહેર ડિમિટના મેયરે કહ્યું હતું કે અમેરિકામાં આગની ઘટનામાં એક સાથે આટલી મોટી સંખ્યામાં મોત થયા હોય એવી આ પહેલી ઘટના છે. આવી દુર્ઘટના અગાઉ ક્યારેય બની હોય એવું જોયું નથી. આ માનવામાં ન આવે એવી વાત છે. પેટાએ ટ્વિટ કરીને આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી અને સવાલ ઉઠાવ્યો હતો કે જો આ ગાયોને ફેક્ટરી ફાર્મિંગમાં ઉછેરવામાં ન આવી હોત આ ઘટના બની ન હોત. ફાર્મિંગની સાથે પ્રોસેસિંગ પણ સાથે હોવાથી આ ઘટના બની હોવાનું કહેવાયું હતું.

સોશિયલ મીડિયામાં આ અંગેની ચર્ચા છેડાઈ હતી. છેલ્લાં એક જ દશકામાં ફાર્મમાં આગ લાગવાથી ૬૫ લાખ કરતાં વધુ સજીવો મૃત્યુ પામ્યા છે. જો ફાર્મિંગને આગથી બચાવવાના કડક નિયમો બને તો આવી ઘટનાઓ ટાળી શકાય, તેથી કડક નિયમો બનાવવાની માગ ઉઠી હતી.

ટેક્સાસમાં કેસ્ટ્રો કાઉન્ટી દૂધ ઉત્પાદનાં બીજા ક્રમે

ટેક્સાસ અમેરિકાનું ચોથા ક્રમનું સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતું રાજ્ય  છે. ટેક્સાસમાં જ ૩૧૯ એ ગ્રેડ ધરાવતી ડેરી છે. કેસ્ટ્રો કાઉન્ટી ટેક્સાસમાં દૂધ પ્રોડક્શનમાં બીજા ક્રમે છે. રાજ્યમાં ૬.૨૫ લાખ ગાયો છે અને તેનાથી વર્ષે આઠ અબજ લીટર દૂધનું ઉત્પાદન થાય છે. કેસ્ટ્રો કાઉન્ટીમાં નાના-મોટા ૧૫ ડેરી ફાર્મ છે અને તેમાંથી મહિને ૮ કરોડ લીટર દૂધનું પ્રોડક્શન થાય છે.

2018 થી 2021 દરમિયાન 30 લાખ ફાર્મ એનિમલ્સ મૃત્યુ પામ્યા

અમેરિકામાં ૨૦૧૩થી આગમાં મૃત્યુ પામતા પ્રાણીઓના આંકડાંનો રેકોર્ડ રાખવામાં આવે છે. ૨૦૧૩થી ૬૫ લાખ પ્રાણીઓ આગમાં મૃત્યુ પામ્યા છ. એમાંથી ૭૩૦૦ ગાયો હતી અને બાકીના મરઘા હતા. ૨૦૧૮થી ૨૦૨૧ દરમિયાન જ ૩૦ લાખ ફાર્મ એનિમલ્સ મૃત્યુ પામ્યા છે. એમાં ૧૭.૬ લાખ મરઘાનો સમાવેશ થાય છે. ૨૦૧૭માં હેરિકેન હાર્વીમાં ડેરી ફાર્મમાં ઠેર-ઠેર પાણી ભરાયું હતું. એ વખતે હજારો ફાર્મ એનિમલ્સના મોત થયા હતા.