×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં અવસાન


મુંબઈ, તા. 04 સપ્ટેમ્બર 2022, રવિવાર

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું એક રોડ અકસ્માતમાં અવસાન થયું છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાલઘર પાસે બપોરે 3:30 કલાકે તેમની કારને અકસ્માત નડ્યો હતો અને તેમનું મૃત્યુ થયું હતું. સૂર્યા નદી પુલ પર ડીવાઈડર સાથે અથડાવાના કારણે કારનો અકસ્માત થયો હતો અને પાલઘર પોલીસે સાયરસ મિસ્ત્રીના અવસાનની પુષ્ટિ કરી છે. 

આ અકસ્માતમાં 2 લોકોને ઈજા પહોંચી છે. કારમાં કુલ 4 લોકો સવાર હતા જે પૈકીના 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે અન્ય 2 ઈજાગ્રસ્તોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકના કાસા ગામના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા છે. જ્યારે બાકીના ઈજાગ્રસ્તોને ગુજરાતની હદમાં કોઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સાયરસ મિસ્ત્રી ભારતીય મૂળના સૌથી સફળ અને શક્તિશાળી ઉદ્યોગપતિઓ પૈકીના એક એવા પલોનજી શાપૂરજી મિસ્ત્રીના દીકરા હતા. સાયરસ મિસ્ત્રીનો જન્મ આયરલેન્ડ ખાતે થયો હતો. તેમણે લંડન બિઝનેસ સ્કુલ ખાતે અભ્યાસ કર્યો હતો. તેમણે 1991માં પરિવારના પલોનજી ગ્રુપમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. 

ટાટા ગ્રુપના છઠ્ઠા ગ્રુપ ચેરમેન હતા સાયરસ

સાયરસ મિસ્ત્રી એક ખૂબ જ ધનવાન પરિવારમાં જન્મ્યા હતા અને દેશના ખૂબ જ પ્રખ્યાત ઉદ્યોગપતિ હતા. તેઓ ટાટા ગ્રુપના પ્રમુખ રતન ટાટાના સંબંધી પણ હતા. તેમની એક બહેનના લગ્ન રતન ટાટાના ભાઈ નોએલ ટાટા સાથે થયા હતા. ડિસેમ્બર 2012માં રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદેથી નિવૃત્તિ લીધી હતી. ત્યાર બાદ સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. તેઓ ટાટા સન્સના સૌથી યુવાન ચેરમેન હતા. મિસ્ત્રી પરિવાર ટાટા સન્સમાં 18.4% ભાગીદારી ધરાવે છે. તેઓ ટાટા ટ્રસ્ટ બાદ ટાટા સન્સના બીજા નંબરના સૌથી મોટા શેર હોલ્ડર છે. 

2016માં પદ પરથી દૂર કરાયા હતા

સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા તેના 4 વર્ષની અંદર જ 24 ઓક્ટોબર 2016ના રોજ ટાટા સન્સે તેમને ચેરમેન પદેથી દૂર કરી દીધા હતા અને તેમના સ્થાને રતન ટાટાને વચગાળાના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ 12 જાન્યુઆરી 2017ના રોજ એન ચંદ્રશેખરનને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. તે વિવાદ મામલે ટાટા સન્સ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, મિસ્ત્રીની કામ કરવાની રીત ટાટા સન્સની કામ કરવાની પદ્ધતિ સાથે મેળ નહોતી ખાતી. આ કારણે બોર્ડના સદસ્યોનો મિસ્ત્રી પરનો વિશ્વાસ ઉઠી ગયો હતો. 

ગુમનામ અબજોપતિ હતા સાયરસના પિતા

સાયરસ મિસ્ત્રીના પિતા પલોનજી મિસ્ત્રી વિશ્વના સૌથી ગુમનામ અબજોપતિ તરીકે ઓળખાતા હતા. તેઓ ખૂબ ઓછી સાર્વજનિક જગ્યાઓએ જોવા મળતા હતા.