×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઝેલેન્સ્કીનો મોટો નિર્ણય : યુદ્ધ વચ્ચે ભ્રષ્ટાચાર આચરનારા તમામ સેના ભરતી પ્રમુખોને કર્યા સસ્પેન્ડ

કિવ, તા.11 ઓગસ્ટ-2023, શુક્રવાર

યૂક્રેનમાં યુદ્ધ વચ્ચે સેનામાં ભરતી કરાનારા સૈનિકો પાસેથી લાંચ લેવાના મામલાઓ વધવાની ઘટનાઓમાં ધરખમ વધારો થયો છે, જેને લઈને યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ સૈનિકોની ભરતી કરનારા તમામ પ્રમુખોને સસ્પેન્ડ કરી દીધા છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે, સૈન્ય ભરતીમાં થતા ભ્રષ્ટાચારને ખતમ કરવામાં આવશે. તમામ ક્ષેત્રીય ભરતી કેન્દ્રોના પ્રમુખોને સસ્પેન્ડ કરી દેવામાં આવશે અને તેમના સ્થાને બહાદુર યોદ્ધાઓની નિમણૂક કરવામાં આવશે. જેમણે મહત્વના મોરચે ભલે તેમનું સ્વાસ્થ્ય ગુમાવ્યું હોય, પરંતુ તેમની ગરિમા જાળવી રાખવી હોય તેવા યોદ્ધાઓની નિમણૂક કરાશે. ઝેલેન્સ્કીએ આજે એનએસડીસીની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે.

ભ્રષ્ટાચારના 112 કેસોની તપાસ શરૂ, 33 પ્રમુખોને સસ્પેન્ડ કરાયા

જેલેન્સ્કીએ કહ્યું કે, તેઓ દેશના તમામ સૈન્ય ભરતી કેન્દ્રના વડાઓને સસ્પેન્ડ કરી રહ્યા છે અને મોટાપાયે ભ્રષ્ટાચારના મામલાઓ મુદ્દે 112 તપાસો શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે, 33 ભરતી પ્રમુખોને સસ્પેન્ડ કરી દેવાયા છે અને તેમના સ્થાને યુદ્ધનો અનુભવ ધરાવતા સૈનિકોની નિમણૂક કરવામાં આવશે. જેઓ ખરેખર યુદ્ધ શું છે, તે બાબતને જાણે છે, તેવા લોકોના દ્વારા જ આ સિસ્ટમ સંચાલીત કરાશે.

‘દેશ માટે દિલથી લડનારાઓને જ સૈન્ય ભરતી કેન્દ્રના પ્રમુખ બનાવાશે’

યૂક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, જે સૈનિકો યુદ્ધની પરિસ્થિતિમાં પસાર થયા છે અથવા જે સૈનિકો લડવાની સ્થિતિમાં નથી અને સ્વાસ્થ્ય ગુમાવ્યું છે, પોતાના અંગો ખોયા છે, તેમ છતાં પોતાની ગરિમા જાળવી રાખી છે અને શંકાસ્પદ નથી... તેવા લોકો પર જ ભરતી મામલે વિશ્વાસ કરી શકાય છે.

ગત મહિને જ 3 કર્મી દ્વારા બનાવટી દસ્તાવેજ બનાવવાનો મામલો સામે આવ્યો હતો

ઉલ્લેખનિય છે કે, યૂક્રેન તેના સૈનિકોથી ચાર ઘણા વધુ સૈનિકો ધરાવતા રશિયા સામે લડી રહ્યું છે અને યૂક્રેન સૈનિક સંખ્યાને જાળવી રાખવા સંઘર્ષ કરી રહ્યું છે. ઉપરાંત યૂક્રેનમાં સૈન્ય સેવા આપી શકે તેટલી ઉંમરના પુરુષો પર દેશ છોડવા પર પ્રતિબંધ છે. ગત મહિને જ ક્રામાટોરસ્ક જિલ્લામાં એક ભરતી કેન્દ્રમાં ત્રણ કર્મચારીઓ પર બનાવટી દસ્તાવોજ બનાવવાનો આરોપ લાગ્યો હતો. આ ત્રણે કર્મચારીઓ પર ‘સૈનિકોને ડ્યુટી કરવા માટે અયોગ્ય અને યૂક્રેન છોડવા માટે યોગ્ય’ હોવાના  નકલી દસ્તાવેજો બનાવવાનો આરોપ લાગ્યો હતો.

યુદ્ધમાં રશિયાના 1.80 લાખ અને યૂક્રેનના 1 લાખ સૈનિકોના મોત

પશ્ચિમ દેશોના અધિકારીઓનું માનવું છે કે, યુદ્ધમાં રશિયાના 1.80 લાખ અને યૂક્રેનના 1 લાખ સૈનિકોના મોત થયા છે અથવા તો ઈજાગ્રસ્ત થયા છે. બીજીતરફ યૂક્રેને 23 ફેબ્રુઆરી-2023ના રોજ રશિયાના 1,45,850 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો દાવો કર્યો હતો. જોકે યૂક્રેનના કેટલા સૈનિકોના મોત થયા, તેનો ડેટા યૂક્રેને જારી કર્યો નથી.