×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઝારખંડ વિધાનસભામાં નમાજ માટેના રૂમ મુદ્દે હોબાળો, 'ભજન-કીર્તન' કરવા બેઠા ભાજપના ધારાસભ્ય


- રવિવારે ભાજપના કાર્યકરોએ મુખ્યમંત્રી હેમંત સોરેન અને સ્પીકર રવીન્દ્ર નાથ મહતોનું પૂતળું સળગાવ્યું હતું

નવી દિલ્હી, તા. 06 સપ્ટેમ્બર, 2021, સોમવાર

સોમવારે ઝારખંડ વિધાનસભામાં ભારે હંગામો થયો હતો. વિધાનસભા પરિસરમાં નમાજ માટે અલગ રૂમ ફાળવવામાં આવ્યો તેને લઈ આ પ્રકારે વિવાદ થયો હતો. ભાજપના ધારાસભ્યોએ તેને લઈ ભારે હંગામો કર્યો હતો અને નમાજ માટે ફાળવવામાં આવેલો રૂમ રદ કરવા માગણી કરી હતી. એટલું જ નહીં, ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાં જ ભજન-કીર્તન શરૂ કરી દીધા હતા. 

વિધાનસભામાં સોમવાર સવારથી જ ભક્તિનો માહોલ સર્જાયો હતો અને ભાજપના ધારાસભ્યો ઢોલ-મંજીરા લઈને પહોંચી ગયા હતા. ધારાસભ્યો ત્યાં 'હરે રામા-હરે કૃષ્ણા' ગાઈ રહ્યા હતા તો ઘડીક 'હર હર મહાદેવ' અને 'જય શ્રી રામ'ના નારા લગાવી રહ્યા હતા. દેવઘર ખાતેથી ભાજપના ધારાસભ્ય નારાયણ દાસ તો પુજારીના વેશમાં જ આવી ગયા હતા. ભાજપના ધારાસભ્યોએ એ સ્પષ્ટ કર્યું હતું કે, તેમનો વિરોધ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી નમાજ માટે રૂમ ફાળવવાના આદેશને રદ નહીં કરવામાં આવે અથવા તો અલગ-અલગ ધર્મો માટે પણ રૂમ નહીં આપવામાં આવે. 

વિધાનસભાની બહાર જ નહીં, અંદર પણ ભારે હંગામો થયો હતો. વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ તે સાથે જ ભાજપના ધારાસભ્યો 'જય શ્રી રામ'ના નારા સાથે વેલમાં જતા રહ્યા હતા. ત્યાર બાદ સ્પીકર રવીન્દ્રનાથ મહતોએ ધારાસભ્યોને પાછા જવા વિનંતી કરી હતી. જોકે હંગામો ચાલુ રહ્યો હતો અને આખરે વિધાનસભા સ્થગિત કરવી પડી હતી. 

રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાએ ભાજપના આ હંગામાને ધર્મના નામે ઉન્માદ ફેલાવવાનો પ્રયત્ન ગણાવ્યો હતો અને તે ખોટું છે તેમ કહ્યું હતું. જ્યારે કોંગ્રેસી ધારાસભ્ય ઈરફાન અંસારીએ ભાજપ જનતાને મોંઘવારી અને રોજગારી જેવા જનહિત સાથે સંકળાયેલા મુદ્દાથી ભટકાવવા માગે છે તેવો આરોપ લગાવ્યો હતો. 

ઝારખંડ સરકારના આ નિર્ણયને લઈ રવિવારે પણ ભારે હંગામો મચ્યો હતો અને ભાજપના કાર્યકરોએ મુખ્યમંત્રી હેમંત સોરેન અને સ્પીકર રવીન્દ્ર નાથ મહતોનું પૂતળું સળગાવ્યું હતું.