×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઝાંસીઃ સિંધિયા રાજવંશ બાઈસાની મદદ કરેત તો આઝાદી એટલી મુશ્કેલ નહોતી…


- જ્યોતિરાદિત્ય સિંધિયાએ શનિવારે ગ્વાલિયર ખાતે રાણી લક્ષ્મીબાઈની સમાધિ પર પહોંચીને તેમની શહાદતને નમન કર્યું હતું

નવી દિલ્હી, તા. 29 ડિસેમ્બર, 2021, બુધવાર

સિંધિયા રાજવંશ 1.5 શતાબ્દી બાદ ગ્વાલિયર ખાતે રાણી લક્ષ્મીબાઈની સમાધિ પર જઈને નમન કરે તેને લઈ ચર્ચાઓ જામી છે. સાહિત્યકાર અને ઈતિહાસકારોએ તેને સકારાત્મક પગલું ગણાવીને જૂની ભૂલોનો પશ્ચાતાપ કહ્યો છે. આ સાથે જ તેમણે જૂના ઈતિહાસને યાદ કરીને એવો અફસોસ વ્યક્ત કર્યો હતો કે, જો સિંધિયા રાજવંશ તે વખતે રાણીની મદદ કરી દેતું તો અંગ્રેજો ક્યારના આ દેશ છોડીને જતા રહ્યા હોતા અને આઝાદી મેળવવા માટે આટલા લાંબા સમય સુધી સંઘર્ષ ન થાત. 

જ્યોતિરાદિત્ય સિંધિયાએ શનિવારે ગ્વાલિયર ખાતે રાણી લક્ષ્મીબાઈની સમાધિ પર પહોંચીને તેમની શહાદતને નમન કર્યું હતું. સોમવારે સવારે તેનો વીડિયો વાયરલ થયો ત્યાર બાદ ચર્ચાઓ જામી છે. પહેલી વખત સિંધિયા રાજવંશનું કોઈ વંશજ રાણીના સમાધિ સ્થળે પહોંચે તે એક આશ્ચર્ય જ કહી શકાય. ઈતિહાસ અને સાહિત્ય સાથે સંકળાયેલા લોકોએ તેની પ્રશંસા કરી હતી. પરંતુ સાથે જ જૂના ઘટનાક્રમને લઈ વાતો શરૂ થઈ ગઈ છે. જોકે સાથે જ સૌએ જૂની વાતો ભૂલીને આગળ વધવાના સંકલ્પ સાથે આ પહેલનું સ્વાગત પણ કર્યું છે. 

તો તલવાર પણ ઝાંસીમાં હોત

ઈતિહાસકાર લોકભૂષણ પન્નાલાલ અસરે જણાવ્યું કે, વર્ષ 1857માં થયેલા સ્વાધીનતા સંગ્રામમાં મોટી સંખ્યામાં બુંદેલે હરબોલોએ ભાગ લીધો હતો. રાણી જ્યારે અંગ્રેજોને માત આપીને ગ્વાલિયર પહોંચ્યા તો સિંધિયા ઘરાણાએ તેમની મદદ ન કરી. તેના કોઈ પણ કારણ હોઈ શકે છે. સાહિત્યકારોએ આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ પણ કર્યો છે. જો રાણી લક્ષ્મીબાઈને સિંધિયાથી થોડી પણ મદદ મળી જાત તો આજે કદાચ સ્થિતિ અલગ હોત. દેશ તે જ વખતે સ્વતંત્ર થઈ જાત અને ઝાંસીની તસવીર પણ કંઈક અલગ હોત. કદાચ રાણીની તલવાર પણ અહીં હોત. હવે જો જ્યોતિરાદિત્યએ રાણીની સમાધિ પર પહોંચીને નમન કર્યા છે તો તેનાથી સ્પષ્ટ થાય છે કે, તેઓ પોતાના પૂર્વજોની ભૂલનો પશ્ચાતાપ કરી રહ્યા છે. તેમની પહેલ સકારાત્મક છે. 

સિંધિયાએ રાણીને લખ્યો હતો પત્ર

ઈતિહાસકાર મુકુંદ મેહરોત્રાના કહેવા પ્રમાણે સિંધિયાએ મદદ ન કરી તેનું કોઈ સ્પષ્ટ પ્રમાણ નથી. પરંતુ સિંધિયાએ રાણીની મદદ કરવાની ના પણ નહોતી પાડી. સિંધિયા પહેલેથી જ અંગ્રેજો સામે 3 વખત હારી ચુક્યા હતા. આ સાથે જ તેમણે થોડા સમય પહેલા રાણીને પત્ર લખ્યો હતો કે, તેમના કેટલાક વિશ્વાસપાત્ર લોકો દગો આપી શકે છે. એ પત્રમાં સિંધિયાએ એમ પણ લખ્યું હતું કે, હું તમારી મદદ નથી કરી શકતો, તો તમને રોકીશ નહીં. રાણીએ તે પત્ર પર ધ્યાન ન આપેલું. બાદમાં તે પત્ર અંગ્રેજો સુધી પહોંચી ગયો હતો. પહેલા તે પત્ર પણ મારા પાસે હતો પરંતુ હવે નથી. અંગ્રેજોએ સિંધિયાને રાજધાની ગ્વાલિયર છોડવા મજબૂર કર્યા હતા. તેમની ભૂલ ફક્ત એટલી હતી કે, રાણી બાદ ઝાંસી તેમને આપી દેવામાં આવ્યું. જોકે સિંધિયા પરિવારે કદી રાણીનો વિરોધ નથી કર્યો. જ્યોતિરાદિત્યની પહેલથી પણ એ જ વાત સ્પષ્ટ થાય છે. 

જ્યોતિરાદિત્યની પહેલ હૃદય પરિવર્તન

બિપિન બિહારી ડિગ્રી કોલેજના પૂર્વ આચાર્ય પ્રો. એમએમ પાંડેયના કહેવા પ્રમાણે જ્યોતિરાદિત્ય સિંધિયાની પહેલથી સ્પષ્ટ થાય છે કે, તેમનું હૃદય પરિવર્તન થયું છે. જો આ જ ભાવ તેમના પૂર્વજોએ દેખાડ્યો હોત તો હિંદુસ્તાનની તસવીર કંઈક અલગ હોત. પૂર્વજો દ્વારા કરવામાં આવેલા કામને જો વંશજ સુધારવા માગે છે તો તે સારી વાત છે. આ પહેલ સાથે દેશમાં સનાતની એકત્રીકરણનું જે અભિયાન ચાલી રહ્યું છે તે ખૂબ સારૂ છે.