×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જ્હોન્સન પાર્ટી ગેટથી બચ્યા તો ક્રિસ પિંચર કૌભાંડમાં સપડાયા


- પાંચ કૌભાંડે જ્હોન્સનની સમસ્યા વધારી

- પક્ષના કેટલાક સાંસદોના સેક્સ કૌભાંડ, પેટર્સન ઘટના, રિફર્બિશમેન્ટ તપાસથી પણ બદનામ થયા

લંડન : બોરિસ જ્હોન્સને ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે. ક્રિસ પિંચરની કન્ઝર્વેટિવ પક્ષમાં નિમણૂક મુદ્દે જ્હોન્સન પક્ષમાં જ ઘેરાઈ ગયા હતા. જ્હોન્સને પિંચર પરના જાતીય સતામણીના આરોપોનો યોગ્ય જવાબ નહીં આપવા બદલ માફી માગી હતી. જોકે, આ સિવાય પણ અન્ય કેટલાક કૌભાંડોએ બોરિસ જ્હોન્સનનું નામ બદનામ કર્યું હતું.

ક્રિસ પિંચર સેક્સ કૌભાંડ : બોરિસ જ્હોન્સને ફેબ્રુઆરીમાં ક્રિસ પિંચરની કન્ઝર્વેટિવ પાર્ટીમાં ડેપ્યુટી ચીફ વ્હિપ તરીકે નિમણૂક કરી હતી. ક્રિસ પિંચરે કબૂલ્યું હતું કે એક ક્લબમાં દારૂના નશામાં તેણે બે યુવકોને શારીરિક ચેડાં કર્યા હતા. પિંચર પર અગાઉ પણ જાતીય સતામણીના આરોપો મુકાયા હોવાનું સામે આવ્યું હતું. જ્હોન્સનને પિંચર પરના આરોપોની જાણ હતી, પરંતુ તેમણે પક્ષને આ અંગે જાણ કરી નહોતી.

પાર્ટીગેટ કૌભાંડ : બ્રિટનમાં કોરોના મહામારીને પગલે લોકડાઉન સહિત આકરા નિયમો અમલમાં હતા. તેવા સમયમાં બોરિસ જ્હોન્સને બીજે ક્યાંય નહીં પણ પીએમ ઓફિસ ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં જન્મદિનની પાર્ટી આપી હતી. તેમણે કોવિડ-૧૯ લોકડાઉનના નિયમોનો ભંગ કર્યો હતો. આ સિવાય એપ્રિલ ૨૦૨૧માં રાણી એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપનું મોત થયું હતું અને તેમના અંતિમ સંસ્કારની પૂર્વ સંધ્યાએ પણ જ્હોન્સન ડાઉનિંગ સ્ટ્રીટમાં એક પાર્ટીમાં જોડાયા હતા. લોકડાઉનના નિયમોનો ભંગ કરીને ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં સરકારી કર્મચારીઓ અને કન્ઝર્વેટિવ પાર્ટીના કર્મચારીઓએ અનેક પાર્ટીઓ યોજી હતી, જે પાર્ટીગેટ કૌભાંડ તરીકે કુખ્યાત બની. આ પાર્ટીઓ બદલ અનેક સરકારી કર્મચારીઓ, સાંસદોએ પદ પરથી રાજીનામાં આપવા પડયા. આ કૌભાંડો બદલ જ્હોન્સન સામે તાજેતરમાં જ અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી, પરંતુ તેમાં તેઓ બચી ગયા હતા.

અન્ય સેક્સ કૌભાંડો : જ્હોન્સનના કન્ઝર્વેટિવ પક્ષના સાંસદો પર જાતીય સતામણીના અન્ય કેટલાક આરોપો પણ મુકાયા હતા, જેમાં બે આરોપોના કારણે સાંસદોએ રાજીનામા આપવા પડયા હતા. સાંસદ ઈમરાન અહેમદ ખાન ૧૫ વર્ષના યુવકના જાતીય શોષણ માટે દોષિત ઠર્યા હતા. અન્ય એક સાંસદ નીલ પૈરિશે હાઉસ ઓફ કોમેન્સમાં પોતાના ફોનમાં બે વખત પોર્ન ફિલ્મ જોયાની કબૂલાત કરીને રાજીનામું આપ્યું હતું. અન્ય એક સાંસદની બળાત્કાર, જાતીય સતામણી અને અન્ય ગૂનાઓની શંકા હેઠળ ધરપકડ કરાઈ હતી.

ઓવેન પેટર્સન અફેર : ગયા વર્ષે સંસદની સમિતિએ કન્ઝર્વેટિવ સાંસદ અને પૂર્વ મંત્રી ઓવેન પેટર્સનને ૩૦ દિવસ માટે સસ્પેન્ડ કરવા ભલામણ કરી હતી. તેમણે તેમને ચૂકવણી કરનારી કંપનીઓ તરફથી લોબિંગ કર્યું હતું. શરૂઆતમાં કન્ઝર્વેટિવ સાંસદોએ પેટર્સનનું સસ્પેન્શન રોકવા પ્રયત્નો કર્યા હતા અને સાંસદોની તપાસની પ્રક્રિયા બદલવા મતદાન કર્યું હતું. પરંતુ પેટર્સને રાજીનામું આપી દીધું હતું.

રિફર્બિશમેન્ટ પર તપાસ : બોરિસ જ્હોન્સને ડાઉનિંગ સ્ટ્રીટ સ્થિત ફ્લેટનું રિનોવેશન કરાવ્યું હતું. આ સમયે તેમણે સોનાનું વોલપેપર લગાવ્યું હતું. આ બાબત સામે આવ્યા પછી ચૂંટણી પંચને જણાયું કે જ્હોન્સને ચૂકવાયેલા નાણાં અંગે યોગ્ય માહિતી આપી નથી. આ માટે તેમને ૧૭,૮૦૦ પાઉન્ડનો દંડ થયો હતો.