×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જ્યાં સુધી દિલ્હીમાં કોંગ્રેસ આ નહીં કરે ત્યાં સુધી વિપક્ષની બેઠકમાં સામેલ નહીં થઈએ : AAP

નવી દિલ્હી, તા.23 જૂન-2023, શુક્રવાર

આજે પટણામાં 16 પક્ષોના મહાગઠબંધનની એકતા જોવા મળી હતી, જોકે આ દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સામાન્ય વિવાદ પણ સામે આવ્યો હતો. બેઠકમાં આમ આદમી પાર્ટીએ નવો વિવાદ છંછેડી એવી જાહેરાત કરી કે, જ્યાં સુધી કોંગ્રેસ દિલ્હીમાં વહીવટી સેવાઓનું સંચાલન કરતા કેન્દ્ર સરકારના વટહુકમનો જાહેરમાં વિરોધ નહીં કરે, ત્યાં સુધી AAP વિપક્ષી દળોની યોજાનારી આગામી બેઠકમાં ભાગ નહીં લે... આ સાથે જ આમ આદમી પાર્ટીએ એમ પણ કહ્યું કે, કોંગ્રેસે નિર્ણય લેવાની જરૂર છે કે, તેઓ દિલ્હીની પ્રજા સાથે છે કે મોદી સરકારની સાથે...

AAPના મુખ્ય પ્રવક્તાના આરોપો સામે કોંગ્રેસે ઉઠાવ્યો વાંધો

સૂત્રોના જણાવ્યા અનુસાર, પટણામાં યોજાયેલી બેઠકમાં કોંગ્રેસ અને આપ વચ્ચે સામાન્ય બોલાચાલી થયા બાદ AAPએ આ જાહેરાત કરી છે. આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલે વટહુકમ મુદ્દે સૌથી જુની પાર્ટીને તેનું વલણ પુછ્યું છે. આ મામલે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ AAPના મુખ્ય પ્રવક્તા પ્રિયંકા કક્કડના તે આરોપોનો મુદ્દો ઉઠાવ્યો, જેમાં પ્રિયંકાએ કહ્યું હતું કે, ભાજપ સાથેની સમજૂતીને કારણે કોંગ્રેસ કોઈ સ્ટેન્ડ લઈ રહી નથી.

કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વટહુકમ મુદ્દે સહમતિ : પ્રિયંકા કક્કડ

બેઠક શરૂ થયાના થોડી મિનિટે પહેલા પ્રિયંકા કક્કડે મીડિયાને કહ્યું હતું કે, તેમને વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ‘કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સહમતિ છે, જેના કારણે કોંગ્રેસ વટહુકમનો વિરોધ કરી રહી નથી.’ કોંગ્રેસ પણ સતત બોલતી રહી છે કે, મોટી બેઠક આવા મુદ્દાઓ માટે નથી અને તેઓ સંસદ સત્ર પહેલા આવા મુદ્દાઓ પર નિર્ણય લે છે.

આ મુદ્દાનો આટલો બધો પ્રચાર કેમ : ખડગે

મલ્લિકાર્જુન ખડગેએ પટના પહોંચીને કહ્યું હતું કે, આ મુદ્દાનો વિરોધ કે સમર્થન બહાર થતો નથી પણ સંસદમાં થાય છે. સંસદ શરૂ થાય તે પહેલા તમામ પક્ષો નક્કી કરે છે કે, તેમણે કયા મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવું છે. આ મુદ્દાને તેઓ જાણે છે અને તેમના નેતાઓ પણ સર્વપક્ષીય બેઠકોમાં આવે છે. મને ખબર નથી કે, આ મુદ્દાનો બહાર આટલો બધો પ્રચાર કેમ થાય છે.