×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જ્ઞાનવાપીની માફક મથુરા કૃષ્ણ જન્મભૂમિ ખાતે વીડિયોગ્રાફી કરવા કોર્ટનો આદેશ


- મથુરાની જિલ્લા કોર્ટને મનીષ યાદવની અરજી પર 4 મહિનામાં સુનાવણી પૂરી કરીને નિર્ણય સંભળાવવા માટે કહેવામાં આવ્યું

લખનૌ, તા. 29 ઓગષ્ટ 2022, સોમવાર

વારાણસી ખાતે જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં પણ વીડિયોગ્રાફી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ પીયૂષ અગ્રવાલની બેંચે આ આદેશ આપ્યો હતો. આગામી 4 મહિનામાં વીડિયોગ્રાફી કરાવીને તે સર્વેનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવાનો રહેશે. 

વીડિયોગ્રાફી સર્વે માટે એક વરિષ્ઠ એડવોકેટને કમિશનર અને 2 એડવોકેટને સહાયક કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવશે. આ સર્વે કમિશનમાં વાદી અને પ્રતિવાદીની સાથે સક્ષમ અધિકારીઓ પણ સામેલ થશે. 

અરજીકર્તા મનીષ યાદવના કહેવા પ્રમાણે 'મથુરાની જિલ્લા કોર્ટમાં છેલ્લા એક વર્ષથી વિવાદિત માળખાના સર્વે અંગેની સુનાવણી પેન્ડિંગ હતી. આજે હાઈકોર્ટે સ્પષ્ટપણે કહી દીધું કે, 4 મહિનાની અંદર અરજી પર નિર્ણય સંભળાવો અને સર્વે કરાવીને હાઈકોર્ટમાં રિપોર્ટની સોંપણી કરો.'

વીડિયોગ્રાફી સમયે એક એડવોકેટ કમિશનર અને 2 સહાયક ઉપરાંત વાદી-પ્રતિવાદી અને જિલ્લાના તમામ સક્ષમ અધિકારીઓ હાજર રહેશે. 

જાણો શું છે સમગ્ર કેસ

મનીષ યાદવે શક્ય તેટલા ઝડપથી સુનાવણી પૂરી થાય તે માટે થોડા દિવસ પહેલા જ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં હાઈકોર્ટને આ મામલે દખલ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. અરજી અંગેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નીચલી અદાલત પાસેથી અહેવાલ માગ્યો હતો. હાઈકોર્ટે આજ રોજ આ કેસનો નિકાલ કરીને મથુરાની જિલ્લા કોર્ટને મનીષ યાદવની અરજી પર 4 મહિનામાં સુનાવણી પૂરી કરીને નિર્ણય સંભળાવવા માટે કહ્યું છે. 

હવે મથુરાની જિલ્લા કોર્ટે નક્કી કરવાનું રહેશે કે તે મનીષ યાદવની અરજી પર શું નિર્ણય લે છે. જિલ્લા કોર્ટે 4 મહિનામાં પોતાનો નિર્ણય સંભળાવવાનો રહેશે. અરજીમાં મુખ્યત્વે 2 માગણી કરવામાં આવી છે. વિવાદિત પરિસરનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાવવા માટે આદેશ આપવામાં આવ્યો અને સાથે જ સર્વેક્ષણના મોનિટરિંગ માટે કોર્ટ કમિશનર પણ નિયુક્ત કરવામાં આવશે. આ મામલે હાઈકોર્ટમાં અરજીકર્તા મનીષ યાદવ તરફથી તેમના વકીલ રામાનંદ ગુપ્તાએ દલીલો કરી હતી.