×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જોશીમઠના અસ્તિત્વ પર જોખમ : તારાજી રોકવા શંકરાચાર્ય સુપ્રીમમાં


- 'બદ્રીનાથના દ્વાર' જોશીમઠમાં 600થી વધુ મકાનો, રસ્તાઓ પર તિરાડો પડી, શંકરાચાર્યનો આશ્રમ પણ તૂટવાની અણીએ

- ઔદ્યોગીકરણ, શહેરીકરણ યોજનાઓના કારણે લોકોના મોત થતા હોય તો આવો વિકાસ નથી જોઈતો : સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

- 600થી વધુ પરિવારોને સલામત સ્થળે ખસેડવા રાજ્ય સરકારનો આદેશ, સ્થળાંતર માટે હેલિકોપ્ટરો તૈયાર રખાયા 

- અસરગ્રસ્ત પરિવારોને 6 મહિના સુધી માસિક રૂ. 4,000 આપવા સીએમઓના નિર્દેશ

દહેરાદૂન : ઉત્તરાખંડમાં આવેલા પ્રાચીન નગર અને પવિત્ર યાત્રાધામ બદ્રિનાથનું દ્વાર ગણાતા જોશીમઠ પર અસ્તિત્વનું જોખમ સર્જાયું છે. અહીં વર્ષોથી ચાલતા કન્સ્ટ્રક્શન અને વિકાસ કાર્યોના પગલે ભૂસ્ખલન, પોલાણ અને જમીનના ધસી પડવા, જમીન ફાટવાના કારણે ૬૦૦થી વધુ મકાનોમાં તિરાડો પડી ગઈ છે. અહીં આવેલો શંકરાચાર્યનો આશ્રમ જ્યોતિર્મઠ પણ તૂટવાની સ્થિતિએ પહોંચી ગયો છે. આ ઐતિહાસિક શહેરનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે ત્યારે જોશીમઠ અને તેની આજુબાજુ ચાલી રહેલા વિકાસકામો અટકાવી શહેરની તારાજી રોકવા શનિવારે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા જોશીમઠ શહેરમાં ભૂસ્ખલન, જમીન ધસી પડવાના કારણે છેલ્લા કેટલાક દિવસથી જમીનની નીચેથી તેમજ ઘરોમાંથી પાણી નીકળી રહ્યું છે એટલું જ નહીં સ્થિતિ એટલી કથળી છે કે ૬૦૦થી વધુ મકાનોમાં તિરાડો પડી છે. જમીન ફાટી રહી છે.

 શંકરાચાર્યના પૌરાણિક આશ્રમ જ્યોતિર્મઠમાં પણ તિરાડો પડી છે. રાજ્યમાં પુષ્કર સિંહ ધામી સરકારે ૬૦૦ પરિવારોને સલામત સ્થળે ખસેડવા આદેશ આપ્યો છે. તેમને ખસેડવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા પણ કરાઈ છે.

એનટીપીસી, કેન્દ્ર, રાજ્ય, બીઆરઓને પક્ષકાર બનાવાયા 

બીજીબાજુ બદ્રીનાથ તથા હેમકુંડ સાહિબના રસ્તામાં આવતું સમુદ્ર સપાટીથી ૬,૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા જોશીમઠ શહેરમાં ચાલી રહેલા વિકાસકાર્યોને રોકવા માટે જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ શનિવારે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. આ અરજીમાં એનટીપીસી, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, એનડીએમએ, બીઆરઓ અને જોશીમઠના ચમોલી જિલ્લાના જિલ્લા અધિકારીને પક્ષકાર બનાવાયા છે.

જોશીમઠમાં ઘટનાઓને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવા માગ

અરજીમાં જણાવાયું છે કે જોશીમઠમાં ભૂ-સ્ખલન, જમીન ધસી પડવી, જમીન ફાટવાની ઘટનાઓને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવામાં આવે.

 આ સિવાય આ કારણોસર જેમના મકાનોમાં તિરાડો પડી ગઈ છે અને તેમની સંપત્તિ ગુમાવવાનું જોખમ છે તેવા પરિવારોને નાણાકીય મદદ કરવા અને તેમના પુનર્વસન માટે નિર્દેશ આપવા આગ્રહ કરાયો છે.

... તો આવો વિકાસ નથી જોઈતો, રાજ્ય-કેન્દ્ર વિકાસ કામો રોકે

અરજીમાં કહેવાયું છે કે વિકાસના નામે કોઈને લોકોને મોતના મોંમાં ધકેલવાનો અધિકાર નથી. 

કોઈને એ અધિકાર નથી કે તે અઢી હજાર વર્ષ જૂના ધાર્મિક શહેરને વિલુપ્ત કરી દે. 

ઉત્તરાખંડમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ઔદ્યોગીકરણ, શહેરીકરણ યોજનાઓ તથા પ્રાકૃતિક સંશાધનોના વિનાશના કારણે મોટાપાયે પર્યાવરણ, ઈકોલોજી અને ભૂગર્ભીય ગડબડ થઈ છે. માનવ જીવન અને તેના ઈકોલોજી તંત્રની કિંમત પર કોઈપણ વિકાસની જરૂર નથી. આવું કંઈ પણ થઈ રહ્યું હોય તો રાજ્ય અને કેન્દ્ર સરકારે તાત્કાલિક આ કામ યુદ્ધના સ્તરે રોકવા જોઈએ.

ચેતવણીની અવગણનાથી રાજ્ય સરકાર સામે આક્રોશ

દરમિયાન જોશીમઠમાં મોટાપાયે ચાલી રહેલા નિર્માણ અને વિકાસકાર્યોના કારણે મકાનોમાં તિરાડો પડવા સંબંધિત ચેતવણી અપાઈ હોવા છતાં રાજ્ય સરકારે તેની અવગણના કરી હોવાથી લોકોમાં સરકાર વિરુદ્ધ ભારે આક્રોશ છે. સ્થાનિક લોકો આ દુર્ઘટનાઓ માટે મુખ્યત્વે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિ. (એનટીપીસી)ના તપોવન-વિષ્ણુગઢ પ્રોજેક્ટને જવાબદાર ઠેરવી રહ્યા છે.

નવેમ્બર 2021માં 14 પરિવારોના ઘર જોખમમાં મુકાયા હતા

જોશીમઠ બચાઓ સંઘર્ષ સમિતિના સંયોજક અતુલ સતીએ કહ્યું કે, અમે છેલ્લા ૧૪ મહિનાથી અધિકારીઓનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ અમારી વાત પર ધ્યાન આપયું નહીં. હવે વાત હાથમાંથી નીકળી ગઈ એટલે સરકાર નિષ્ણાતોની ટીમ મોકલી રહી છે. સતીએ કહ્યું કે, નવેમ્બર ૨૦૨૧માં જમીન ધસી પડવાના કારણે ૧૪ પરિવારોના ઘર તૂટી પડવાની સ્થિતિમાં આવી ગયા હતા. સ્થાનિક લોકોએ ધરણા-દેખાવો કરી આ પરિવારોના પુનર્વસનની માગણી કરી હતી.

અસરગ્રસ્ત લોકોનું શહેરમાં જ સ્થળાંતર કરાયું છે : ડીએમ

જોશીમઠ બદ્રીનાથ, હેમકુંડ સાહિબ અને આંતરરાષ્ટ્રીય સ્કીઈંગ સ્થળ ઔલી જેવા પ્રખ્યાત સ્થળોનું પ્રવેશ દ્વાર છે. આ સ્થળ આદીગુરુ શંકરાચાર્યની તપોભૂમિ તરીકે પણ ઓળખાય છે. બીજીબાજુ ચમોલી જિલ્લાના ડીએમ હિમાંશુ ખુરાનાએ જણાવ્યું હતું કે, આખા જોશીમઠ શહેરમાં જમીન ધસી પડતી નથી. કેટલાક ભાગમાં જ આ સ્થિતિ છે, જ્યાં પહેલાં પણ કેટલીક તિરાડો હતી. મોટાભાગના જોશીમઠમાં આવું નથી, તેથી શહેરમાં જ લોકોનું સ્થળાંતર કરાઈ રહ્યું છે. અમે લોકોને જોશીમઠમાં જ સ્થિત હોટેલોમાં જગ્યા આપીશું. મોટા આશ્રયસ્થળો માટે જગ્યા શોધવામાં આવી રહી છે. સીએમઓ તરફથી દરેક અસરગ્રસ્ત પરિવારને ૬ મહિના સુધી માસિક ૪,૦૦૦ રૂપિયા અપાશે.

મિશ્રા પંચે 47 વર્ષ પહેલાં ચેતવણી આપી હતી

જોશીમઠના મૂળીયા નબળા, ખોદકામ થશે તો વિનાશ થશે 

- મિશ્રા પંચની ભલામણોની અવગણના કરી સરકારોએ આંખો મીંચી વિકાસ કાર્યો શરૂ કર્યા

ઉત્તરાખંડના પૌરાણિક શહેર જોશીમઠમાં અનેક જગ્યાએથી જમીન ધસી રહી છે. સેંકડો મકાનો તૂટી પડવાની સ્થિતિમાં આવી ગયા છે. જોકે, જોશીમઠ મુદ્દે મિશ્રા પંચે ૧૯૭૬માં કહ્યું હતું કે શહેરના મૂળીયા સાથે ચેડાં કરવાં જોખમી સાબિત થશે અને શહેરમાં ભારે વિનાશ વેરાશે.

જોશીમઠમાં વિકાસકાર્યો શરૂ થયા તે પહેલાં મિશ્રા પંચે ૧૯૭૬માં શહેરનો સરવે કર્યો હતો અને એક રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં જણાવાયું હતું કે, જોશીમઠના મૂળીયા નબળા છે. આ શહેર ગ્લેશિયર સાથે આવેલી માટી પર વસેલું છે. રિપોર્ટમાં જોશીમઠની નીચે આવેલા ખડકો, પથ્થરો સાથે જરા પણ ચેડાં નહીં કરવા જણાવાયું હતું. અહીં નિર્માણ કાર્યો માટે બહુ મર્યાદિત સંભાવના દર્શાવાઈ હતી. પરંતુ મિશ્રા પંચના રિપોર્ટમાં કરાયેલી ભલામણોની અવગણના કરાઈ અને શહેરમાં આંખ મીંચીને વિકાસકાર્યો શરૂ કરી દેવાયા. પરિણામે આજે સ્થિતિ એ છે કે લોકોના ઘરોની નીચેથી પાણીના અવાજ આવી રહ્યા છે અને અનેક ઘરો, રસ્તા પર જમીનમાંથી પાણી નીકળી રહ્યું છે. જોશીમઠમાં ૭૦ના દાયકામાં ચમોલીમાં આવેલા સૌથી ભીષણ બેલાકુચી પૂર પછી સતત ભૂ-સ્ખલનની ઘટનાઓ નોંધાઈ હતી. તે સમયે જોશીમઠ ઉત્તર પ્રદેશનો ભાગ હતું. તે સમયે ઉત્તર પ્રદેશ સરકારે ગઢવાલના કમિશનર મુકેશ મિશ્રાનું પંચ બનાવી શહેરના સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો. ૧૯૭૫માં મિશ્રા પંચમાં ભૂ-વૈજ્ઞાાનિક, એન્જિનિયર, વહીવટીતંત્રના અનેક અધિકારીઓનો સમાવેશ કરાયો હતો. એક વર્ષ પછી પંચે તેનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. રિપોર્ટમાં સ્પષ્ટ કહેવાયું હતું કે, જોશીમઠની તળેટીમાં કોઈ મોટા પ્રોજેક્ટ કરી શકાય તેમ નથી. વિસ્ફોટ, માઈનિંગ શહેર માટે જોખમી બની શકે છે. જોકે, પંચની આ ભલામણો પર વર્ષોથી ધ્યાન અપાયું નથી.