×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જે કુરબાની ઉત્તરાખંડના હજારો પરિવારોએ આપી તે મારા પરિવારે પણ આપી, મારા દાદી, પિતા દેશ માટે શહીદ થયાઃ રાહુલ ગાંધી


- પાકિસ્તાન પરના ઐતિહાસિક વિજયની 50મી વર્ષગાંઠ પર પૂર્વ સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવારજનોને પ્રિયદર્શીની સૈન્ય સન્માન આપીને સન્માનિત કરવામાં આવ્યા

નવી દિલ્હી, તા. 16 ડિસેમ્બર, 2021, ગુરૂવાર

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરૂવારે પરેડ ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જનસભાને સંબોધિત કરવા માટે દેહરાદૂન પહોંચ્યા હતા. ત્યાં તેમણે જનરલ બિપિન રાવતને પુષ્પ અર્પિત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીએ પૂર્વ સૈનિકોને સ્મૃતિ ચિહ્ન આપીને તેમનું સન્માન કર્યું હતું. 

પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ સૌથી પહેલા સીડીએસ જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તેમણે બિપિન રાવત, તેમના પત્ની અને સેનાના જવાનોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. રાહુલ ગાંધીએ પોતાની યાદો તાજા કરતા જણાવ્યું કે, 'જ્યારે હું નાનો હતો ત્યારે દેહરાદૂનની દૂન સ્કુલમાં ભણતો હતો. હું અહીં 2-3 વર્ષ તમારા સાથે રહ્યો. તે સમયે તમે મને ખૂબ પ્રેમ આપ્યો.'

વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'કદાચ મારા પરિવાર અને ઉત્તરાખંડ વચ્ચે ગાઢ સંબંધ છે. મને એ દિવસ યાદ આવ્યો જ્યારે 31 ઓક્ટોબરના રોજ મારા દાદી દેશ માટે શહીદ થયા હતા. ત્યાર બાદ મને 21 મેનો દિવસ યાદ આવ્યો જ્યારે મારા પિતા આ દેશ માટે શહીદ થઈ ગયા. મારો અને તમારો કુરબાનીનો સંબંધ છે. જે કુરબાની ઉત્તરાખંડના હજારો પરિવારે આપી છે તે જ કુરબાની મારા પરિવારે આપી છે. જેમણે પોતાના લોકોને ગુમાવ્યા છે, તેઓ આ સંબંધને સારી રીતે સમજી શકશે. જે સેનામાં છે તેમને આ વાત ઉંડી રીતે સમજાશે.'

બાંગ્લાદેશ નિર્માણના યુદ્ધમાં ભારતના પાકિસ્તાન પરના ઐતિહાસિક વિજયની 50મી વર્ષગાંઠ પર આયોજિત થનારી આ રેલીમાં પૂર્વ સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવારજનોને પ્રિયદર્શીની સૈન્ય સન્માન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાહુલની રેલીમાં સીડીએસ જનરલ બિપિન રાવતનું કટઆઉટ લગાવવામાં આવ્યું હતું.