×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જેક્લિનની 8 કલાક પૂછપરછ: સુકેશ સાથેના સંબંધો સહિત 100થી વધુ સવાલ પૂછાયા


- પિંકી ઈરાનીનો સ્પષ્ટ આરોપ, સુકેશ ખંડણી ઉઘરાવતો હોવાની જેક્લિનને જાણ હતી જ

- સામસામે બેસાડી કરાયેલી પૂછપરછમાં જેક્લિન અને પિંકી ઈરાની એકબીજાને જુઠ્ઠાબોલી કહી વારંવાર ઝઘડી પડતાં પોલીસે વચ્ચે પડવું પડયું

નવીદિલ્હી : બોલીવૂડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝ આજે સવારે દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા સમક્ષ હાજર થતાં આખો દિવસ તેના પર સવાલોની ઝડી વરસાવાઈ હતી. મોટાભાગના સવાલો તેના અને સુકેશ ચન્દ્રશેખરના સંબંધોને લગતા હતા. તેના જવાબોની સમીક્ષા બાદ હવે તેને ફરીથી પૂછપરછ માટે બોલાવવી કે કેમ તે અંગે નિર્ણય લેવાશે. ૨૦૦ કરોડથી વધુના ખંડણી કેસમાં જેક્લિનને ઈડી દ્વારા સહ આરોપી તરીકે દર્શાવવામાં આવી છે. 

આ પૂછપરછમાં સુકેશની સહયોગી પિંકી ઈરાનીએ પોલીસને સ્પષ્ટ જણાવ્યું હતું કે જેક્લિનને સુકેશ ખંડણી ઉઘરાવતો હોવાની પૂરેપૂરી જાણ હતી આમ છતાં તેણે તેની પાસેથી ભેટો સ્વીકારી હતી. જોકે, જેક્લિને આ આરોપો ફગાવ્યા હતા. 

જેક્લિનન અગાઉ તા. ૨૯ ઓગસ્ટ તથા ૧૨ સપ્ટેમ્બર એમ બે વખત સમન્સ અપાયા  હતા. પરંતુ ત્યારે તેણે પોતે વ્યસ્ત હોવાનું બહાનું કાઢી ૧૫ દિવસનો સમય માગ્યો  હતો. જોકે, દિલ્હી પોલીસે માત્ર બે દિવસ બાદ આજની તારીખના સમન્સ ફરીથી મોકલતાં જેક્લિન નાછૂટકે સવારે ૧૧.૩૦ કલાકે દિલ્હીમાં આર્થિક અપરાધ નિવારણ શાખા સમક્ષ હાજર થઈ ગઈ હતી. રાતના લગભગ આઠ વાગ્યે તે પોલીસની ઓફિસની બહાર નીકળી હતી. 

સુત્રોના જણાવ્યા અનુસાર જેક્લિન માટે ૧૦૦થી વધુ સવાલ અગાઉથી જ તૈયાર કરી દેવામાં આવ્યા હતા.  તેમાં તે સુકેશને કેટલી વખત રુબરુ મળી હતી, તેની સાથે ફોન કે ઈન્ટરનેટ પર કેટલી વખત વાતચીત થઈ હતી, આ સંપર્કમાં કોણે મદદ કરી હતી, કઈ બાબતો વિશે વાતચીત થઈ હતી વગેરે તમામ બાબતો આવરી લેવામાં  આવી હતી. 

જેક્લિને અગાઉ દાવો કર્યો હતો કે સુકેશની સહયોગી પિન્કી ઈરાનીએ તેને સુકેશનો પરિચય કરાવ્યો હતો.આ સંદર્ભમાં પોલીસે પિંકીને પહેલાં અલગ અલગ અને બાદમાં જેક્લિનની સામે બેસાડીને પૂછપરછ કરી હતી. આ વખતે પિંકીએ જણાવ્યું હતું કે  જેક્લિનને સુકેશ ખંડણી ઉઘરાવી રહ્યાની પૂરેપૂરી જાણ હતી અને તેમ છતાં તેણે સંબંધો આગળ ધપાવ્યા હતા અને કરોડોની ભેટસોગાદો સ્વીકારી હતી. જેક્લિને આ આરોપો નકાર્યા હતા. આ દરમિયાન  બંને વારંવાર ઝઘડી પડી હતી અને એકમેક પર ખોટું બોલતી હોવાનું આળ મુક્યું હતું. એક તબક્કે તો બંને વચ્ચેનો ઝઘડો એટલી હદે વધી ગયો હતો કે પોલીસે તેમને વચ્ચે પડીને છોડાવવાં પડયાં હતાં.

આ પહેલાં દિલ્હી પોલીસ આ કેસમાં વધુ એક અભિનેત્રી નોરા ફતેહીની પણ પૂછપરછ કરી ચુકી છે. જોકે, નોરાની પૂછપરછ છ કલાક જ ચાલી હતી. 

દિલ્હી પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાના જોઈન્ટ કમિશનલ છાયા શર્મા  તથા સ્પેશ્યલ કમિશનર રવિન્દ્ર યાદવ ઉપરાંત કેટલાક અધિકારીઓની ટીમ દ્વારા જેક્લિનની પૂછપરછ કરવામાં આવી હતી. 

સુકેશ ચન્દ્રશેખરે દિલ્હીના એક વ્યવસાયીની પત્નીને વોઈસ મોડયુલેશન તથા બનાવટી કોલ્સ દ્વારા પોતાની જાળમાં ફસાવી ૨૧૫ કરોડની ખંડણી ઉઘરાવી હતી. સુકેશે પોતાના કેન્દ્ર સરકારમાં ટોચના સંપર્કો છે અન ેતે આ વ્યવસાયીને જામીન અપાવી દેશે એવો વાયદો આપ્યો હતો. 

સુકેશ અને જેક્લિન રિલેશનશિપમાં હોવાની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. તે પછી સુકેશે જેક્લિનને કરોડો રુપિયાની ભેટસોગાદો પણ આપી હોવાની વાત બહાર આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનાં આરોપનામાં અનુસાર જેક્લિનને સુકેશના ગોરખધંધાની પહેલેથી જાણ હતી અને તેણે સુકેશને મની લોન્ડરિંગમાં મદદ કરી હતી. ઈડી દ્વારા જેક્લિનની કેટલીક સંપત્તિ જપ્ત પણ થઈ ચુકી છે.