×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જુલાઇમાં રીટેલ ફુગાવો ઘટીને ૬.૭૧ ટકા: જૂનમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૨.૩ ટકાની વૃદ્ધિ


 

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૨

મોંઘવારી અંગે સારા સમાચાર આવ્યા છે. જુલાઇમાં રીટેલ ફુગાવો ઘટીને ૬.૭૧ ટકા થઇ ગયો છે. છેલ્લા પાંચ મહિનામાં આ સૌથી ઓછો ફુગાવો છે. જો કે સતત સાતમા મહિને રીટેલ ફુગાવો આરબીઆઇના ૬ ટકાના નિર્ધારત લક્ષ્યાંકથી વધારે છે. જૂનમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૨.૩ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. સળંગ બીજા મહિને ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ ડબલ ડિજિટમાં જોવા મળી છે.

જુલાઇમાં ભારતની નિકાસ ૨.૧૪ ટકા ૨.૧૪ ટકા વધીને ૩૬.૨૭ અબજ ડોલર રહી છે. જુલાઇમાં આયાત ૪૩.૬૧ ટકા વધીને ૬૬.૨૭ અબજ ડોલર રહી છે. વેપાર ખાધ ત્રણ ગણી વધીને ૩૦ અબજ ડોલર થઇ ગઇ છે. આયાતમાં ૪૩.૬૧ ટકાનો વધારો જુલાઇ, ૨૦૨૧ની  સરખામણીમાં થયો છે. જુલાઇ, ૨૦૨૧માં વેપાર ખાધ ૧૦.૬૩ અબજ ડોલર હતી.

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જૂન, ૨૦૨૨માં રીટેલ ફુગાવો ૭.૦૧ ટકા હતો. જ્યારે જુલાઇ, ૨૦૨૧માં રીટેલ ફુગાવો ૫.૫૯ ટકા હતો.

જુલાઇમાં ખાદ્ય ફુગાવો ઘટીને ૬.૭૫ ટકા રહ્યો છે. જ્યારે જૂનમાં ખાદ્ય ફુગાવો ૭.૭૫ ટકા હતો. જો કે રીટેલ ફુગાવો હજુ પણ આરબીઆઇના નિર્ધારિત લક્ષ્યાંક ૬ ટકાથી વધારે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા સાત મહિનાથી રીટેલ ફુગાવો ૬ ટકાથી વધારે છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ  મહિના ફુગાવો સાત ટકાથી વધારે રહ્યો છે. ચાલુ વર્ષે માર્ચમાં રીટેલ ફુગાવો ૬.૯૫ ટકા હતો. જે વધીને એપ્રિલમાં ૭.૭૯ ટકા થઇ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે મે, ૨૦૨૨માં ઓદ્યોગિક ઉત્પાદનમાં ૧૯.૬ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. એપ્રિલ, ૨૦૨૨માં આ વૃદ્ધિ ૬.૭ ટકા હતી.

જૂન, ૨૦૨૧માં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી) આધારિત ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૩.૮ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જૂન, ૨૦૨૨માં મેન્યુફેકચરિંગ સેક્ટરમાં ૧૨.૫ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. પાવર સેક્ટરમાં ૧૬.૪ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે માઇનિંગ સેક્ટરમાં ૭.૫ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.