×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જી-20ની બેઠકનુ શ્રીનગર અને લેહમાં આયોજન, પાકિસ્તાન અને ચીનના પેટમાં તેલ રેડાયુ

નવી દિલ્હી,તા. 12 એપ્રિલ 2023,બુધવાર

પાકિસ્તાન અને ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારત આ વર્ષે જી-20 સમિટની યજમાની કરવા જઈ રહ્યુ છે. 

આ સંદર્ભમાં ભારતમાં વિવિધ પ્રકારના સેમિનાર અને કોન્ફરન્સ યોજાઈ રહ્યા છે. તેમાં પણ ભારતે 26 થી 28 એપ્રિલ વચ્ચે જી-20ની અને 22 થી 24 મે વચ્ચે યુથ-20ની બેઠકનુ શ્રીનગર અને લદ્દાખના લેહમાં આયોજન કરતા જ પાકિસ્તાનના અને ચીનના પેટમાં તેલ રેડાયુ છે. 

પાકિસ્તાને આરોપ મુક્યો છે કે, ભારત એક આંતરરાષ્ટ્રીય સંગઠનનુ સભ્ય હોવાનો ફાયદો ઉઠાવી રહ્યુ છે. પાકિસ્તાનના વિરોધના પગલે તેની પીઠ્ઠુ ચીન આ બેઠકનો બહિષ્કાર કરે તેવી શક્યતા છે. 

આ પહેલા એક બેઠક 26 માર્ચે અરૂણાચલ પ્રદેશના ઈટાનગરમાં યોજાઈ હતી. જેમાં ચીનના પ્રતિનિધિઓ હાજર રહ્યા નહોતા. 

સરકારી અધિકારીઓના કહેવા પ્રમાણે  શ્રીનગરમાં યોજાનારા સંમેલાનમાં 80 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. જોકે અધિકારીઓએ કયા દેશના પ્રતિનિધિ આવવાના છે તે વાતનો ફોડ પાડ્યો નથી. કારણકે જી-20માં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીઝમાં સભ્ય એવા તુર્કી, ઈન્ડોનેશિયા અને સાઉદી અરબ જેવા  કેટલાક મુસ્લિમ દેશો પણ સામેલ છે. આ દેશો શ્રીનગરની બેઠકમાં ભાગ લેશે કે કેમ તે જોવુ રસપ્રદ રહેશે. 

પાકિસ્તાને શ્રીનગરમાં યોજાનારી બેઠક સામે વાંધો ઉઠાવીને કહ્યુ છે કે સાત દાયકાથી જમ્મુ કાશ્મીર વિવાદ યુએનના એજન્ડા પર છે. આ પ્રકારની બેઠકના આયોજનથી ભારત સચ્ચાઈ છુપાવી નહીં શકે. લેહ અને શ્રીનગરમાં યોજાનારી બેઠકો વિવાદસ્પદ છે. ભારતનુ આ પ્રકારનુ બેજવાબદારીપૂર્ણ પગલુ યુએનના તેમજ આંતરરાષ્ટ્રીય કાયદાનુ ઉલ્લંઘન છે. 

પાકિસ્તાને આક્ષેપ મુક્યો છે કે, ભારત શ્રીનગર અને લેહમાં બેઠકોનુ આયોજન કરીને પોતાના એજન્ડાને આગળ વધારી રહ્યુ છે.