×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જિન્ના વિવાદઃ સીએમ યોગીનો અખિલેશ પર પ્રહાર- પ્રાથમિક શિક્ષણ યોગ્ય નથી, નાયક-દેશદ્રોહીનો તફાવત નથી ખબર


- યોગી આદિત્યનાથે પાછલી સરકારો દરમિયાન થયેલા દંગાઓને લઈ પણ વિસ્તારપૂર્વક વાત કરી હતી

નવી દિલ્હી, તા. 07 નવેમ્બર, 2021, રવિવાર

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મોહમ્મદ અલી જિન્નાનો ઉલ્લેખ અનેક વખત કરવામાં આવી રહ્યો છે. જિન્નાના કારણે રાજકીય સમીકરણો તો બદલાયા જ છે ઉપરાંત અનેક મુદ્દે વિવાદ પણ સર્જાયો છે. ત્યારે હવે પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સપા પ્રમુખ અખિલેશ યાદવ પર જોરદારનું નિશાન સાધ્યું છે. તેમણે નામ લીધા વગર જ યુપીની જનતાને એક સંદેશો આપી દીધો હતો. 

સીએમ યોગીએ સ્પષ્ટ કરી દીધું છે કે, સરદાર પટેલ અને જિન્નાનું નામ એકસાથે ન લઈ શકાય. જો એકે દેશને જોડવાનું કામ કર્યું હતું તો બીજાએ ભાગલા કરાવ્યા હતા. આ કારણે જ યોગી કહી રહ્યા છે કે, યુપીની જનતાએ આવા શરમજનક નિવેદનોને ફગાવી દેવા જોઈએ. વધુમાં કહ્યું કે, આવા લોકોની માનસિકતા સમજો, આ કેવા લોકો છે જે સરદાર અને જિન્નાને એકસાથે જોડી રહ્યા છે. સરદાર આપણા રાષ્ટ્રનાયક છે, જિન્નાએ તો ભારતના ટુકડા કરી દીધા હતા. 

યોગીના આ પ્રહારને લઈને અખિલેશે તેમને પુસ્તક વાંચવાની અને ઈતિહાસને યોગ્ય રીતે સમજવાની સલાહ આપી દીધી. જોકે સીએમ યોગીએ આનો જવાબ પણ પહેલેથી તૈયાર રાખ્યો હતો. તેમણે કટાક્ષમાં કહ્યું કે, પ્રાથમિક શિક્ષણ યોગ્ય ન મળ્યું હોવાના કારણે લોકોને નાયક અને દેશદ્રોહી વચ્ચેનો તફાવત નથી સમજાતો. આ દિશાહીનતા ત્યારે જ શરૂ થાય છે જ્યારે વ્યક્તિ એક જ ત્રાજવામાં મિત્ર અને શત્રુને તોલવા લાગે છે. 

તે સિવાય યોગી આદિત્યનાથે પાછલી સરકારો દરમિયાન થયેલા દંગાઓને લઈ પણ વિસ્તારપૂર્વક વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, પહેલા તહેવારો દરમિયાન હિંસા થતી હતી, લોકોની આસ્થા સાથે રમવામાં આવતું હતું પરંતુ હવે અપરાધ સામે ઝીરો ટોલરન્સની રણનીતિ અપનાવાય છે.