×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જિતિન પ્રસાદ બાદ સચિન પાયલોટ પણ કોંગ્રેસ છોડશે? તેજ થઈ રહી છે અટકળો

નવી દિલ્હી,તા.10 જૂન 2021,ગુરૂવાર

કોંગ્રેસની યુવા બ્રિગેડમાંથી જ્યોતિરાદિત્ય બાદ યુપીના નેતા જિતિન પ્રસાદની પણ પાર્ટીમાંથી વિદાય થઈ ચુકી છે ત્યારે હવે રાજસ્થાન કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલોટ પણ કોંગ્રેસ છોડશે તેવી અટકળો તેજ બની છે.

સચિન પાયલોટે આજે પોતાની ઘરે આઠ ધારાસભ્યો સાથે બેઠકનુ આયોજન કર્યુ છે. આ બેઠક યોજવા પાછળનુ કારણ તો બહાર આવ્યુ નથી પણ એવુ મનાઈ રહ્યુ છે કે, પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ કોંગ્રેસના હાઈકમાન્ડથી નારાજ છે અને આ બેઠકમાં કદાચ આ બાબતની જ ચર્ચા થઈ હશે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોટ સાથે સચિન પાયલોટને મનમેળ નથી તે તો જગજાહેર છે. દસ મહિના પહેલા પણ પાયલોટે કોંગ્રેસ છોડવાની તૈયારી કરી હતી. જોકે ભારે સમજાવટ બાદ સચિન પાયલોટે પોતાનો નિર્ણય બદલ્યો હતો. જોકે તે વખતે તેમણે ઉઠાવેલા મુદ્દાઓ પર પાર્ટીની કેન્દ્રિય સમિતિએ કોઈ જાતની કાર્યવાહી નહીં કરી હોવાથી પાયલોટ નારાજ છે.

ઉપરાંત મુખ્યમંત્રી અશોક ગહેલોટની સરકારમાં મંત્રીમંડળમાં પણ કોઈ બદલાવ નહીં થયા હોવાથી સચિન પાયલોટના જૂથના ધારાસભ્યો નારાજ છે. તાજેતરમાં જ પાયલોટ સમર્થક કોંગ્રેસના નેતા હેમારામ ચૌધરીએ સરકાર સામે નારાજગી જાહેર કરીને પાર્ટીમાંથી રાજીનામુ આપ્યુ હતુ.

સચિન પાયલોટને લાગી રહ્યુ છે કે, કોંગ્રેસમાં તેમની ઉપેક્ષા થઈ રહી છે. દરમિયાન ભાજપના નેતા રાજેન્દ્ર રાઠોડે કોંગ્રેસમાં વધી રહેલા અસંતોષ પર એક નિવેદન આપ્યુ હતુ. જેના પર સચિન પાયલોટે જવાબ આપ્યો હતો કે, તમે તમારી પાર્ટીના આંતરિક જૂથવાદ પર ધ્યાન આપો. જેના જવાબમાં ભાજપના નેતાએ કહ્યુ હતુ કે, આખરે દિલમાં રહેલુ દર્દ બહાર આવી જ ગયુ છે.