×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જાવેદ અખ્તરને શિવસેનાનો જવાબઃ અમને RSS અને તાલિબાનની તુલના સ્વીકાર્ય નથી


- જાવેદ અખ્તરનું નિવેદન ખોટું છે. અમે ફરિયાદ પણ કરી છે. તેમ છતાં હજુ તેમની ધરપકડ શા માટે નથી થઈ. કોણે રોક્યા છે: ભાજપ

નવી દિલ્હી, તા. 06 સપ્ટેમ્બર, 2021, સોમવાર

જાવેદ અખ્તરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તાલિબાનની તુલના કરી તે મુદ્દે શિવસેનાએ જવાબ આપ્યો છે. પોતાના મુખપત્ર સામનામાં શિવસેનાએ લખ્યું હતું કે, આ તુલના યોગ્ય નથી. આરએસએસ જો તાલિબાની વિચારોવાળું હોત તો 3 તલાક વિરૂદ્ધનો કાયદો ન બન્યો હોત. લાખો મુસ્લિમ મહિલાઓને આઝાદી ન મળેત.

શિવસેનાએ આગળ લખ્યું હતું કે, દેશમાં બહુસંખ્યક હિંદુઓના અવાજને દબાવવામાં ન આવે. આપણા દેશને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો પ્રયત્ન કરનારા જે સંગઠનો છે તેમની હિંદુ રાષ્ટ્ર નિર્માણની અવધારણા સૌમ્ય છે. જાવેદ અખ્તર પોતાના અડગ નિવેદનો માટે ઓળખાય છે. જ્યારે પણ રાષ્ટ્રદોહી વિકૃતિઓ જોરમાં આવે છે ત્યારે જાવેદ અખ્તર તે લોકોના મહોરાં ચીરી નાખે છે. કટ્ટરપંથીઓની પરવા કર્યા વગર તેમણે વંદે માતરમ્ ગાયું છે છતાં પણ સંઘની તાલિબાન સાથેની તુલના અમને અસ્વીકાર્ય છે. 

તાલિબાન માનવ જાતિ માટે મોટું જોખમ

શિવસેનાએ લખ્યું હતું કે, તાલિબાની શાસન સમાજ અને માનવ જાતિ માટે સૌથી મોટું જોખમ છે. પાકિસ્તાન, ચીન જેવા રાષ્ટ્રોએ તેનું સમર્થન કર્યું છે. હિંદુસ્તાનની માનસિકતા એવી નથી. આપણે સહિષ્ણુ છીએ. લોકશાહીના બુરખાની આડમાં કેટલાક લોકો તાનાશાહી લાવવા પ્રયત્ન કરી રહ્યા છે છતાં તેમની એક સીમા છે. માટે આ તુલના યોગ્ય નથી. તાલિબાને અફઘાનિસ્તાનને નર્ક બનાવી દીધું છે. મહિલાઓ પર જુલ્મ થઈ રહ્યા છે. લાખો લોકો દેશ છોડીને ભાગી ગયા છે. આપણું હિંદુસ્તાન એવું નથી. 

ગોળ-ગોળ વાતો ન કરોઃ ભાજપ

સામનામાં શિવસેનાનો લેખ છપાયો ત્યાર બાદ ભાજપ આક્રમક બન્યું છે. ભાજપના ધારાસભ્ય રામ કદમે ટ્વીટમાં લખ્યું હતું કે, જલેબીની જેમ ગોળ ગોળ ભાષા. શિવસેના સ્વીકારી રહી છે કે, જાવેદ અખ્તરનું નિવેદન ખોટું છે. અમે ફરિયાદ પણ કરી છે. તેમ છતાં હજુ તેમની ધરપકડ શા માટે નથી થઈ. કોણે રોક્યા છે.