×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જામનગરની ફિઝીયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલમાં અડધી રાત્રે 28 વિદ્યાર્થીઓનું રેગિંગ


- સરકારી કોલેજમાં સામૂહિક રેગીંગ નો મામલો સામે આવતાં ભારે હડકંપ

- બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ પોતાની સાથે રેગિંગ થતું હોવાની લેખિત ફરિયાદ કરી

જામનગર, તા. 22 ડિસેમ્બર 2021 બુધવાર

જામનગરની સરકારી ફીઝીયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલમાં સામૂહિક રેગીંગની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતાં હડકંપ મચી ગયો છે. આ મામલે લેખિત ફરિયાદના પગલે એન્ટી રેગિંગ કમિટીની તત્કાલ બેઠક યોજોયા પછી વિધિસર તપાસ શરૂ થતાં દોડધામ સાથે ચકચાર મચી ગઈ છે.

શહેરના શિક્ષણ ક્ષેત્રની સંસ્થાઓમાં ખળભળાટ મચાવી મુકે તેવી રેગીંગની આ ઘટના અંગે સાંપડતી પ્રાથમિક વિગતો મુજબ શહેરમાં જૂની પોલીસ લાઈન પાછળ આવેલી સરકારી ફીઝીયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલના દ્વિતિય વર્ષના 28 જેટલા વિદ્યાર્થીઓએ કોલેજના પ્રિન્સીપાલ સમક્ષ રેગીંગ થતું હોવાની લેખિત ફરિયાદ કરી છે.


આ ફરિયાદમાં બીજા વર્ષના છાત્રોએ જણાવ્યા મુજબ તેઓ પ્રથમ વર્ષના અભ્યાસ માટે આવ્યા ત્યારથી હોસ્ટેલમાં "ઈન્ટ્રો (ઈન્ટ્રોડકશન) ના નામે એકાદ ડઝન વખત ત્રીજા અને ચોથા વર્ષના  હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ માનસિક તણાવ થાય તે રીતની હરકત કરી છે.

ચોંકાવનારી બાબત એ છે કે, આ સામુહિક રજૂઆતમાં જણાવાયા મુજબ સિનિયર છાત્રોના આ પ્રકારના ત્રાસના કારણે ત્રણ-ચાર વિદ્યાર્થીઓને કોલેજ છોડીને જતાં રહેવાની ફરજ પડી છે.


આ રીતે બીજા વર્ષના છાત્રોને માનસિક અને શારિરીક  ત્રાસ આપવાના ત્રીજા અને ચોથા વર્ષના છાત્રોના કૃત્યના  કારણે ભવિષ્યમાં ગંભીર બનાવ બને નહીં તે માટે કાયમી  ઉકેલ આવે તેવા પગલાં લેવાની માંગણી લેખિતમાં કરવામાં આવી છે.

આ ફરિયાદ મળતાં શહેરની સરકારી ફિઝીયોથેરાપી કોલેજના પ્રિન્સીપાલ દ્વારા ત્વરિત રીતે કોલેજની એન્ટી રેગીંગ કમિટિની મીટીંગ બોલાવવામાં આવી હતી. આ મીટીંગમાં વિદ્યાર્થીઓએ કરેલી રેગીંગ અંગેની લેખિત ફરિયાદ અંગે પ્રાથમિક ચર્ચા કરવામાં આવ્યા પછી સમગ્ર  મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિનું ગઠન  કરવામાં આવ્યું છે.


આ સમિતિ 24 કલાકમાં પોતાનો તપાસ અહેવાલ કોલેજની એન્ટી રેગીંગ કમિટિને  આપશે. આ અહેવાલના આધારે પુરાવા તથા નિવેદનોની  ગંભીરતા -સત્યતાનું મૂલ્યાંકન કરી રેગીંગ કરનારા કોલેજના ત્રીજા અને ચોથા વર્ગના વિદ્યાર્થીઓ સામે કાયદાકીય જોગવાઈ હેઠળ કયા શિક્ષાત્મક પગલાં લેવા તેનો નિર્ણય કરવામાં આવશે.  

કોલેજાન સુમાહિતગાર સુત્રોમાંથી સાંપડતી વિગતો મુજબ રેગીંગ મામલે નિયુકત કરાયેલી ડો. કરિશ્મા  જગડ, ડો. જય સાતા તેમજ પત્રકાર  ગિરીશ ગણાત્રાની ત્રણ સભ્યોની તપાસ સમિતિએ તપાસ કાર્ય શરૂ કર્યું છે અને પ્રથમ રેગીંગનો ભોગ બનેલા છાત્રોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. એ પછી જેમની સામે રેગીંગની ફરિયાદ કરવામાં આવી છે તે વિદ્યાર્થીઓને પણ રૂબરૂ બોલાવી  પૂછપરછ કરી નિવેદનો નોંધવામાં આવશે. આ તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તેના આધારે એન્ટી રેગીંગ કમિટિ રેગીંગના દુષણમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે સજાના કેવા પગલાં લેવા તેનો નિર્ણય કરશે.