×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જાન્યુઆરી, ૨૦૨૨માં રિટેલ ફુગાવો વધીને ૬.૦૧ ટકા : સાત મહિનાની ટોચે



(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૪

જાન્યુઆરી, ૨૦૨૨માં ખાદ્ય વસ્તુઓ મોંઘી થવાને કારણે રીટેલ ફુગાવો વધીને ૬.૦૧ ટકા રહ્યો છે. જે સાત મહિનાની ઉચ્ચ સપાટી છે. ઉલ્લેખનીય છે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ) આધારિત રીટેલ ફુગાવો ડિસેમ્બર, ૨૦૨૧માં ૫.૬૬ ટકા હતો અને જાન્યુઆરી, ૨૦૨૧માં ૪.૦૬ ટકા હતો. 

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર જાન્યુઆરી, ૨૦૨૨માં ખાદ્ય ફુગાવો ૫.૪૩ ટકા હતો. તેના અગાઉના મહિનામાં આ ફુગાવો ૪.૦૫ ટકા હતો. 

આ દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું છે કે હવે ફુગાવાનું વલણ નીચેની તરફ છે. તેમણે જણાવ્યું હતું કે આરબીઆઇ મૂલ્ય વૃદ્ધિ અને આર્થિક વૃદ્ધિની વચ્ચે એક યોગ્ય સંતુલન જાળવી રાખવાનું ચાલુ રાખશે. 

બીજી તરફ આજે જથ્થાબંધ ફુગાવાના આંકડા પણ જારી કરવામાં આવ્યા હતાં. જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં સળંગ બીજા મહિને ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરી, ૨૦૨૨માં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ(ડબ્લ્યુપીઆઇ) આધારિત ફુગાવો ઘટીને ૧૨.૯૬ ટકા રહ્યો છે. જાન્યુઆરી, ૨૦૨૨માં ખાદ્ય વસ્તુઓના ભાવ વધ્યા હોવા છતાં જથ્થાબંધ આધારિત ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. 

જો કે એપ્રિલ, ૨૦૨૧થી સળંગ દસમા મહિને જથ્થા બંધ ફુગાવો ડબલ ડિજિટમાં રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, ૨૦૨૧માં જથ્થાબંધ ફુગાવો ૧૩.૫૬ ટકા હતો. જ્યારે જાન્યુઆરી, ૨૦૨૧માં આ ફુગાવો ૨.૫૧ ટકા હતો. 

જાન્યુઆરી,. ૨૦૨૨માં ખાદ્ય ફુગાવો ૧૦.૩૩ ટકા રહ્યો છે. જે ડિસેમ્બર, ૨૦૨૧માં ૯.૫૬ ટકા રહ્યો હતો. જાન્યુઆરી, ૨૦૨૨માં શાકભાજીના ભાવમાં ૩૮.૪૫ ટકાનો વધારો થયો છે. જે ડિસેમ્બર, ૨૦૨૧માં ૩૧.૫૬ ટકા હતો. 

વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે મિનરલ ઓઇલ, ક્રૂડ પેટ્રોલિયમ, નેચરલ ગેસ, બેઝિક મેટલ, કેમિકલ, કેમિકલ પ્રોડક્ટ, ફૂડ આર્ટિકલના ભાવ વધવાને કારણે જાન્યુઆરી, ૨૦૨૨માં જથ્થાબંધ ફુગાવામાં વૃદ્ધિ જોવા મળી છે.