×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જાણો કોણ છે સુલ્તાન અંસારી , જેણે 10 મિનિટમાં રામ મંદિર ટ્રસ્ટ પાસેથી 16 કરોડની કમાણી કરી


નવી દિલ્હી, તા. 14 જૂન 2021, સોમવાર

અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટ માટે ખરીદવામાં આવેલી જમીન મામલે ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે. બે કરોડ રુપિયામાં ખરીદવામાં આવેલી જમીન માત્ર અમુક મિનિટોમાં જ 18.5 કરોડમાં ટ્રસ્ટે ખરીદી છે. જેને લઇને આમ આદમી પાર્ટી, સપા અને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. અયોધ્યામાં બે કરોડની જમીન પર 16.5 કરોડનો નફો કમાનાર વ્યક્તિના નામ સુલ્તાન અંસારી અને રવિ મોહન તિવારી છે. તેવામાં સવાલ ઉઠે છે કે સુલ્તાન અંસારી કોણ છે, જેની પાસેથી રામ મંદિર ટ્રસ્ટે જમીન ખરીદી છે.

સુલ્તાન અંસારીનું નામ અયોધ્યાના મોટા પ્રોપર્ટી ડીલરોમાં આવે છે. જ્યારે રવિ મોહન તિવારી તેમના પાર્ટનર છે. સુલ્તાન અંસારીના પિતાનું નામ નન્હે મિંયા અંસારી છે. તેઓ યોધ્યાના અસર્ફી ભવન ચોક પાસે કટરા મહોલ્લા સુતૌઠીના રહેવાસી છે. સુલ્તાનના પિતા નન્હે મિંયા અયોધ્યાના જૂના પ્રોપર્ટી ડીલર છે. જેમણે 2000ના વર્ષેમાં જમીન વેચાણ અને ખરીદવાનું કામ શરુ કર્યુ હતું. ત્યાર બાદ સુલ્તાન અંસારી પણ આ જ કામમાં જોડાઇ ગયો.

સુલ્તાન અંસારી ચૂંટણીમાં પણ પોતાની કિસ્મત અજમાવી ચુક્યો છે. 2017ના વર્ષેમાં અયોધ્યા નગર નિગમની ચૂંટણીમાં કટરા વિભીષણ કુંડ વોર્ડથી સપા ઉમેદવાર તરીકે સુલ્તાન અંસારીએ ચૂંટણી લડી હતી. જેમને ભાજપના મહિલા ઉમેદવારે માત આપી હતી. આ સિવાય સુલ્તાન સપાના સંગઠન સાથે પમ જોડાયેલા છે. સુલ્તાન અયોધ્યા સપા લોહિયા વાહિનીના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.

રામ મંદિર ટ્રસ્ટ માટે ખરીદવામાં આવેલી જમીનને લઇને સુલ્તાન અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે. અયોધ્યામાં પ્લોટ નંબર 243,244,246ની જમીન કુસુમ પાઠક ને હરીશ પાઠક પાસેથી 2 કરોડ રુપિયામાં સુલ્તાન અંસારી અને રવિ મોહન તિવારીએ 18 માર્ચે ખરીદી. આ જમીન ખરીદીમાં બે લોકો તેના સાક્ષી બન્યા, એક અનિલ મિશ્ર (રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય) અને બીજા ઋષિકેશ ઉપાધ્યાય (અયોધ્યાના મેયર).

આ જ જમીનને તે જ દિવસે 10 મિનિટ બાદ 18.5 કરોડમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવી. જેના માટે 17 કરોડ રુપિયાનું આરટીજીએસ સુલ્તાન અંસારીના ખાતામાં કરવામાં આવ્યું. આ રીતે સુલ્તાન અંસારીએ માત્ર 10 મિનિટમાં 16 કરોડનો નફો મેળવ્યો.  જો કે સુલ્તાન અંસારીએ આ જમીનની રજીસ્ટ્રી 2011માં કુસુમ પાઠક ને હરીશ પાઠક પાસેથી 2 કરોડમાં કરાવી હતી. જ્યારે તેનું વેચાણ ડીડ 18 માર્ચ 2021ના દિવસે કરાવ્યું. જેના 10 મિનિટ બાદ તેમણે આ જમીનની રજીસ્ટ્રી રામ મંદિરના નામે 18.5 કરોડમાં રજીસ્ટ્રી કરાવી. આ જ કારણે વિપક્ષ આ જમીન ખરીદી પર સવાલ ઉઠાવી રહ્યું છે.