×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જાણો કોણ છે લેડી અલ કાયદા જેને મુક્ત કરાવવા માટે આતંકવાદીઓએ અમેરિકામાં 4 નાગરિકોને બનાવ્યા બંધક


- આફિયા કઈ હદે ખૂંખાર આતંકવાદી છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે, તેણે જેલમાં રહીને પણ એક FBI અધિકારીની હત્યા કરવાનું ષડયંત્ર રચી કાઢ્યું હતું

- આફિયા સિદ્દીકી મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીથી ન્યૂરોસાયન્સમાં પીએચડી છે

નવી દિલ્હી, તા. 16 જાન્યુઆરી, 2022, રવિવાર

અમેરિકાના ટેક્સાસ ખાતે એક પાકિસ્તાની આતંકવાદીએ યહૂદી મંદિર પર હુમલો કરીને 4 લોકોને બંધક બનાવી લીધા છે. આ યહૂદીઓના બદલામાં તેણે આફિયા સિદ્દીકીને મુક્ત કરવાની માગણી કરી છે. અમેરિકી સૈન્ય અધિકારીઓ વિરૂદ્ધ ષડયંત્ર રચવાના અને તેમના પર જીવલેણ હુમલો કરવાના આરોપસર આફિયાની ધરપકડ કરવામાં આવી હતી. ન્યૂયોર્ક કોર્ટના નિર્ણય બાદ તેને 86 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. હાલ તે અમેરિકાની જેલમાં જ બંધ છે. 

આખરે કોણ છે આ આફિયા? 

આફિયા સિદ્દીકી... આતંકની દુનિયાનું એ નામ છે જેનાથી અનેક સરકારો કાંપી ઉઠે છે. એક ખૂંખાર આતંકવાદી તરીકે ઓળખાતી આફિયા 'લેડી અલ કાયદા'ના નામથી પણ ઓળખાય છે. પાકિસ્તાની નાગરિક અને વ્યવસાયે ન્યૂરોસાયન્ટિસ્ટ આફિયાએ એક સમયે FBIના નાકમાં દમ કરી દીધો હતો. આફિયા સિદ્દીકી મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીથી ન્યૂરોસાયન્સમાં પીએચડી છે. 

શા માટે કહેવાય છે લેડી અલ કાયદા

આફિયાનું બીજું નામ લેડી અલ કાયદા પણ છે. હકીકતે આફિયા પર અલ કાયદા સાથે સંકળાયેલા હોવાનો આરોપ છે અને તે 1-2 નહીં પણ અનેક મોટી આતંકવાદી ઘટનાઓ પાછળ રહી ચુકી છે. તેના પર અફઘાનિસ્તાનમાં અમેરિકી ગુપ્તચર એજન્ટ, સૈનિકો અને અમેરિકામાં રહેતા પાકિસ્તાનના પૂર્વ એમ્બેસેડર હુસૈન હક્કાનીને મારવાનો આરોપ છે. તે સિવાય 2011માં મેગોગેટ કાંડની મુખ્ય ષડયંત્રકાર પણ આફિયા જ હતી. 

પહેલી વખત ક્યારે સામે આવ્યું નામ

આફિયા સિદ્દીકીનું નામ પહેલી વખત દુનિયા સામે ત્યારે આવ્યું જ્યારે 2018માં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવેલો કે, પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે એક ડીલ થઈ છે. તેમાં પાકિસ્તાને ડો. શકીલ અહમદના બદલામાં આફિયા સિદ્દીકીને પાછી મોકલવાની માગણી કરી છે. ડો. શકીલ અહમદે અલકાયદાના ઓસામા બિન લાદેનને મારવામાં અમેરિકી ગુપ્તચર એજન્સીઓની મદદ કરી હતી. જ્યારે આતંકની દુનિયામાં પહેલી વખત આફિયાનું નામ એ સમયે જોડાયું જ્યારે આતંકવાદી ખાલિદ શેખ મોહમ્મદે FBIને તેના વિશે જણાવેલું. 

જેલમાં રહીને FBI અધિકારીને મારવાનું ષડયંત્ર

આફિયા કઈ હદે ખૂંખાર આતંકવાદી છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે, તેણે જેલમાં રહીને પણ એક FBI અધિકારીની હત્યા કરવાનું ષડયંત્ર રચી કાઢ્યું હતું. હકીકતે 2003માં પ્રથમ વખત આફિયાનું નામ જાણ્યા બાદ અફઘાનિસ્તાનમાં તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેલમાં રહીને જ તેણે અમેરિકી અધિકારીઓને મારવા માટે ષડયંત્ર રચ્યું હતું. આ અંગેની જાણ થતાં જ આફિયાને અમેરિકાની જેલમાં મોકલી દેવામાં આવી હતી.