×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જહાંગીરપુરી હિંસાના માસ્ટરમાઈન્ડની ધરપકડ, અત્યાર સુધી પોલીસ સાથે જ ફરતો હતો


(ડાબી બાજુથી તબરેજ, અનાબુલ અને જલીલ)

- ક્રાઈમ બ્રાન્ચે શનિવારે 3 લોકોની ધરપકડ કરી હતી જેમાં માસ્ટરમાઈન્ડનો પણ સમાવેશ થાય છે

નવી દિલ્હી, તા. 08 મે 2022, રવિવાર

દિલ્હીમાં હનુમાન જન્મોત્સવ દરમિયાન જહાંગીરપુરી વિસ્તારમાં 2 સમુદાયો વચ્ચે હિંસા ભડકી ઉઠી હતી. ત્યારે જહાંગીરપુરી હિંસાના માસ્ટરમાઈન્ડની પોલીસે ધરપકડ કરી લીધી છે. નવાઈની વાત એ છે કે, આરોપી પોતાની ધરપકડ પહેલા પોલીસની આંખોમાં ધૂળ નાખીને તેમના સાથે જ સમગ્ર વિસ્તારમાં ફરી રહ્યો હતો. 

જાણવા મળ્યા મુજબ માસ્ટરમાઈન્ડ હિંદુ-મુસ્લિમ એકતા માટે યોજવામાં આવેલી તિરંગા યાત્રામાં પણ સામેલ હતો. તિરંગા યાત્રા યોજવામાં તે સૌથી આગળ રહ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે શનિવારે 3 લોકોની ધરપકડ કરી હતી જેમાં માસ્ટરમાઈન્ડનો પણ સમાવેશ થાય છે. 

ધરપકડ કરવામાં આવેલા માસ્ટરમાઈન્ડની ઓળખ તબરેજ તરીકે સામે આવી છે. જાણવા મળ્યા મુજબ હિંસાની ઘટના બાદથી જ તે પોલીસ સાથે ફરી રહ્યો હતો. ઉપરાંત લોકો વચ્ચે જઈને શાંતિ જાળવવાની પણ અપીલ કરતો હતો અને પોલીસને પણ ઢીલ મુકવા કહેતો રહેતો હતો. 


હાલ તબરેજ નગર નિગમની ચૂંટણીની તૈયારીઓમાં લાગ્યો હતો. તબરેજ ઉપરાંત અન્ય બે લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમના નામ અનાબુલ અને જલીલ છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જહાંગીરપુરી ખાતે જે પથ્થરમારો થયો તેમાં તબરેજનો ખૂબ જ એક્ટિવ રોલ હતો. 

DCP ઉષા રંગરાનીએ હિંસા બાદ જહાંગીરપુરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી ત્યારે તબરેજ DCPની બિલકુલ બાજુની ખુરશીમાં બેઠો હતો. તે દરમિયાન તે માઈકમાં સમગ્ર વિસ્તારમાં બધું ઠીકઠાક હોવાનો દાવો કરી રહ્યો હતો. સાથે જ પોલીસને તે વિસ્તારમાંથી ફોર્સ હટાવી લેવા માટે ભલામણ કરી રહ્યો હતો.   

સામે આવેલા એક વીડિયો પ્રમાણે હિંસા બાદ પોલીસ જ્યારે આરોપીઓની ધરપકડ કરીને તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ ત્યારે તબરેજ આરોપીઓના પરિવારજનો સાથે પોલીસ સ્ટેશન બહાર ઉપસ્થિત રહ્યો હતો. બંને સમુદાયના લોકો થાણાની બહાર નારેબાજી કરી રહ્યા હતા તે સમયે તબરેજ એક સમુદાયના પરિવારજનોને ઉશ્કેરી રહ્યો હતો. 

દિલ્હીના તોફાનોમાં સામે આવ્યું નામ

જાણવા મળ્યા મુજબ તબરેજનું નામ અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓમાં સામે આવી ચુક્યું છે. જાણવા મળ્યા મુજબ દિલ્હીના તોફાનામોં પણ તબરેજનું નામ સામે આવ્યું હતું.