×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જલિયાંવાલા બાગનાં નવા પરિસરનું PM મોદીએ કર્યું ઉદઘાટન

અમૃતસર, 28 ઓગસ્ટ 2021 શનિવાર

કોરોના અને નવીનીકરણને કારણે છેલ્લા દોઢ વર્ષથી બંધ જલિયાંવાલા બાગ શનિવારે સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. પંજાબ સરકારે જલિયાંવાલા બાગ માટે 20 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ આ કાર્યક્રમમાં જોડાયા. તેમણે જલિયાંવાલા બાગના ઇતિહાસ વિશે માહિતી આપી અને આજનો દિવસ ખુશીનો દિવસ ગણાવ્યો. તે સાથે જ, તેમણે પીએમને વિનંતી કરી કે મહાન શહીદ ઉધમ સિંહની પિસ્તોલ અને વ્યક્તિગત ડાયરી પરત લાવવા માટે બ્રિટિશ સરકાર સાથે વાતચીત કરવી જોઈએ. તેમણે કહ્યું કે વડીલોના બલિદાનને યાદ રાખવું જોઈએ.

આ પછી મોદીએ પોતાના સંબોધનમાં શહીદોને યાદ કર્યા. તેમણે કહ્યું કે જલિયાંવાલા બાગ સ્વાતંત્ર્ય સંગ્રામનું પ્રતીક બની ગયો. 

જ્યારે, આગલી સાંજે, કાર્યક્રમનો વિરોધ કરવા માટે જલિયાવાલા બાગ પહોંચેલા નૌજવાન ભારત સભાના સભ્યો અને અન્ય ખેડૂત જૂથોના પ્રતિનિધિઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો. પોલીસે ત્રીસથી વધુ લોકોની ધરપકડ કરી છે અને તેઓને છેહરટા પોલીસ સ્ટેશન લઈ ગયા. જ્યાં નૌજવાન સભાના પ્રમુખ રૂપિન્દરસિંહના નેતૃત્વમાં દેખાવકારોએ પોલીસ સ્ટેશનની અંદર પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચારો શરૂ કરી દીધા.

જલિયાંવાલા બાગનું નવીનીકરણ ગયા વર્ષે પૂર્ણ થવાનું હતું પરંતુ કોવિડના કારણે કામ અટકી ગયું હતું. પહેલા બગીચો સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ખુલતો હતો પરંતુ હવે મોડી સાંજ સુધી ખુલશે. જલિયાંવાલા બાગની અંદર ખુલ્લા કૂવાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ એ જ કૂવો છે જેમાં લોકોએ બ્રિટિશ સેનાની ગોળીઓથી બચવા માટે મોતની છલાંગ લગાવી હતી.

પ્રવાસીઓ જોશે ડિજિટલ ડોક્યુમેન્ટરી 

જલિયાંવાલા બાગમાં એક થિયેટર બનાવવામાં આવ્યું છે. એક સાથે 80 લોકોની ક્ષમતા ધરાવતા થિયેટરમાં ડિજિટલ ડોક્યુમેન્ટરી બતાવવામાં આવશે. આ માટે જલિયાવાલા બાગ હત્યાકાંડ પર ડિજિટલ ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી છે. જેમાં બ્રિટિશ સેનાના પ્રવેશથી લઈને ગેટથી જલિયાંવાલા બાગમાં બેઠેલા નિર્દોષ લોકો પર ગોળીબાર સુધીની ઘટના કેદ છે. અગાઉ અમિતાભ બચ્ચનનાં અવાજમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓને બતાવવામાં આવતો હતો.