×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'જરૂર પડી તો ફરી કૃષિ કાયદા બનાવી લઈશું', રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રનું નિવેદન


- આ મહિનાના અંતથી સંસદનું સત્ર શરૂ થઈ રહ્યું છે તેમાં કાયદા વાપસી માટેનું બિલ રજૂ કરવામાં આવશે

નવી દિલ્હી, તા. 21 નવેમ્બર, 2021, રવિવાર

રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ કૃષિ કાયદાઓને લઈ ખૂબ જ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. તેમના કહેવા પ્રમાણે જો ભવિષ્યમાં જરૂર પડશે તો ફરી કાયદા બનાવવામાં આવશે. કલરાજ મિશ્રએ ભદોહી ખાતે મીડિયા સાથેની વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ કાયદો પાછો ખેંચવાનું કારણ દર્શાવતા કહ્યું હતું કે, અમે ખેડૂતોને સમજાવી ન શક્યા માટે કાયદા પાછા લઈ રહ્યા છીએ. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિર્ણય બાદ એક તરફ ખેડૂત સંગઠનો અને વિપક્ષી દળ સરકારની નિયત સામે સવાલ કરી રહ્યા છે ત્યારે અમુક જગ્યાએથી આ કાયદાઓને પાછા લાવવાનો અવાજ પણ ઉઠી રહ્યો છે. રાજ્યપાલ કલરાજ મિશ્રના કહેવા પ્રમાણે જરૂર પડશે તો ફરી આવા કાયદા બનાવવામાં આવી શકે છે. કિસાન સંગઠનો પણ આ વાતને લઈ આશંકા વ્યક્ત કરી ચુક્યા છે. માટે જ તેમના કહેવા પ્રમાણે જ્યાં સુધી સંસદમાંથી કાયદા પરત લેવા પર મહોર ન વાગે ત્યાં સુધી આંદોલન ખતમ નહીં થાય.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન કલરાજ મિશ્રએ કાયદા પરત ખેંચવાના નિર્ણયને પ્રશંસનીય પગલું ગણાવ્યું હતું. આ સાથે જ એમ પણ કહ્યું હતું કે, કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં હતા. સરકારે સતત ખેડૂતોને સમજાવવા માટે પ્રયત્ન કર્યો તેમ છતાં ખેડૂતો આંદોલન કરતા રહ્યા અને કાયદા પાછા ખેંચવાની માગ મામલે અડગ રહ્યા. આખરે સરકારને લાગ્યું કે, કાયદા પાછા લેવા જોઈએ. વધુમાં કહ્યું હતું કે, 'પછી આગળ આ સંબંધે કાયદા બનાવવાની જરૂર પડશે તો ફરી બનાવવામાં આવશે. હાલ પૂરતા તેને પરત લેવામાં આવી રહ્યા છે.'

અગાઉ ઉન્નાવ બેઠક પરથી ભાજપના સાંસદ સાક્ષી મહારાજે પણ કહ્યું હતું કે, બિલ બને છે, બગડે છે અને પછી પાછા આવી જાય છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ રાષ્ટ્ર અને બિલમાંથી રાષ્ટ્રને પસંદ કર્યું છે. જ્યારે ફર્રૂખાબાદના બીજેપી સાંસદ મુકેશ રાજપૂતે વડાપ્રધાન મોદીના કાયદો પરત લેવાના નિર્ણય મામલે અસહમતિ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેમણે મજબૂરીવશ આ નિર્ણય લીધો છે. 

આ સત્રમાં જ આવી શકે છે કાયદા વાપસીનું બિલ

વડાપ્રધાન મોદીએ કાયદો પરત ખેંચવાની જાહેરાત કરી દીધી પરંતુ હજુ તેને સંસદમાં પાસ કરાવવી પડશે. જાણવા મળ્યા મુજબ બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે જેમાં કૃષિ કાયદાની વાપસીના પ્રસ્તાવને મંજૂરી અપાઈ શકે છે. ત્યાર બાદ આ મહિનાના અંતથી સંસદનું સત્ર શરૂ થઈ રહ્યું છે તેમાં કાયદા વાપસી માટેનું બિલ રજૂ કરવામાં આવશે.