×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ-કાશ્મીર : બારામુલામાં લશ્કરના 2 આતંકી ઝડપાયા, હથિયારો-દારુગોળો જપ્ત, બનાવ્યો હતો ખતરનાક પ્લાન

શ્રીનગર, તા.02 ઓગસ્ટ-2023, બુધવાર

સુરક્ષા દળોએ બુધવારે જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબાના 2 હાઈબ્રિડ આતંકવાદીઓને દબોચી લીધા છે, તેમ પોલીસે જણાવ્યું છે. બાતમીના આધારે બારામુલા શહેરના આઝાદગંજમાં સુરક્ષા દળોએ વાહનોની તપાસ શરૂ કરી હતી. અધિકારીએ જણાવ્યું કે, પોલીસ તપાસ દરમિયાન 2 શંકાસ્પદ લોકો ભાગવા લાગ્યા હતા.

આતંકીઓ સ્વતંત્રતા દિવસ પહેલા શહેરમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાના હતા

આ દરમિયાન પોલીસે બંને શકમંદોનો પીછો કરી દબોચી લીધા હતા. બંનેની તપાસ દરમિયાન એક પિસ્તોલ, એક મેગેઝીન, 4 કારતૂસ અને 1 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે. બંનેને તાત્કાલિક કસ્ટડીમાં લઈ વધુ પુછપરછ હાથ ધરાઈ છે. અધિકારીએ જણાવ્યું કે બંનેની ઓળખ બારામુલ્લાના રહેવાસી ફૈઝલ મજીદ ગની અને નુરુલ કામરાન ગની તરીકે થઈ છે. અધિકારીએ જણાવ્યું કે, શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ બંને આતંકવાદી છે અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે. આ આતંકીઓ સ્વતંત્રતા દિવસ પહેલા બારામુલ્લા શહેરમાં આતંકવાદી ઘટનાને અંજામ આપવા માટે હથિયારો અને દારૂગોળો એકત્રિત કર્યો હતો.

હાઈબ્રિડ આતંકવાદી એટલે શું ?

હાઈબ્રિડ આતંકવાદીઓની આ ભૂમિકા છેલ્લા 10 મહિનામાં ઉજાગર થઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જે પહેલા ઓવરગ્રાઉન્ડ વર્કર હતા જે સક્રિય આતંકવાદીઓની મદદ કરતા હતા. હવે તેઓ સીધી રીતે આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપી રહ્યા છે. આ બધા વિદેશી અને હાઈબ્રિડ આતંકવાદીઓનું જોડાણ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં એક ડઝન પ્રોક્સી આતંકવાદી સંગઠનો બન્યા છે. આ તમામ સંગઠન વિદેશી આતંકવાદીઓને સતત મદદ કરી રહ્યા છે. આ દ્વારા તેઓ ન માત્ર આતંકવાદી ગતિવિધિઓ ચલાવી રહ્યા છે પરંતુ તેઓ ષડયંત્ર પણ રચી રહ્યા છે.