×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બીલ સંસદમાં પાસ, હવે દેશના દરેક કાયદાનો અમલ


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૧૩

લોકસભામાં શનિવારે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બીલ ૨૦૨૧ પાસ થઈ ગયું હતું. હવે આ કેન્દ્રશાસિત પ્રદેશમાં દેશના દરેક કાયદાનો અમલ થશે. આ બીલ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારા) વટહૂકમનું સ્થાન લેશે. કેન્દ્ર સરકારે ગયા મહિને આ વટહુકમ લાગુ કર્યો હતો. આ બીલ રાજ્યસભામાં અગાઉ પસાર થઈ ગયું છે. લોકસભામાં આ બીલ પરની ચર્ચા વખતે ગૃહમંત્રી અમિત શાહે ભારપૂર્વક કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ રદ કર્યા પછી પેઢીઓથી આ વિસ્તાર પર શાસન કરનારાઓ કરતાં વિકાસના ઘણાં કામ કર્યા છે અને યોગ્ય સમયે કેન્દ્રશાસિત પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.

જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બીલ લોકસભામાં ધ્વની મતથી પસાર કરવામાં આવ્યું હતું. આ બીલ અમલમાં આવતાં જમ્મુ-કાશ્મીરની વર્તમાન કેડરનો ભારતીય વહીવટી સેવા, ભારતીય પોલીસ સેવા અને ભારતીય વન સેવાના અધિકારીઓને અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશોની કેડરમાં વિલય થઈ જશે. આ બીલ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારા) વટહૂકમનું સ્થાન લેશે. કેન્દ્ર સરકારે ગયા મહિને આ વટહુકમ લાગુ કર્યો હતો.

આ કાયદો અમલમાં આવતાં વર્તમાન જમ્મુ-કાશ્મીર કેડરના અધિકારીઓ કેન્દ્રશાસિત પ્રદેશોની કેડરનો ભાગ હશે. એટલું જ નહીં ભવિષ્યમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે અધિકારીઓની બધી જ ફાળળણી અરૃણાચલ પ્રદેશ, મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશોના કેડર મુજબ થશે અને આ અધિકારીઓ કેન્દ્રના નિયમો હેઠળ કામ કરશે. આ કાયદો લાવવાના કારણમાં જણાવાયું છે કે જમ્મુ-કાશ્મીરમાં અખિલ ભારતીય સેવાઓના અધિકારીઓની ભારે અછત છે, જેથી કેન્દ્ર તરફથી ચલાવાઈ રહેલી યોજનાઓ પર વિપરિત અસર પડે છે. આથી આ કેડરના અધિકારીઓના અરૃણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ, કેન્દ્ર શાસિત પ્રદેશોની કેડરના અધિકારીઓમાં વિલય કરવાની જરૃર છે. તેનાથી અન્ય અધિકારીઓને જમ્મુ-કાશ્મીરમાં નિયુક્ત કરવામાં સરળતા રહેશે. સાથે જ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં અધિકારીઓની અછત દૂર કરવામાં મદદ મળશે.

જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બીલ પરની ચર્ચામાં જવાબ આપતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૂચિત કાયદાથી જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવાની આશાઓ પૂરી થઈ જશે તેવા વિપક્ષના દાવાઓની ઝાટકણી કાઢી હતી. શાહે કહ્યું કે આ બીલને જમ્મુ-કાશ્મીરના પૂર્ણ રાજ્યના દરજ્જા સાથે કોઈ લેવા દેવા નથી. જમ્મુ-કાશ્મીરને યોગ્ય સમયે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.

કોંગ્રેસ અને અન્ય પક્ષોની ઝાટકણી કાઢતાં શાહે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ ૩૭૦ કામચલાઉ જોગવાઈ હતી, પરંતુ મોદી સરકારે ઓગસ્ટ ૨૦૧૯માં તે ઉઠાવી લીધી પહેલાં ૭૦ વર્ષ સુધી તે ચાલુ રહી. ૨૦૧૪માં સત્તા પર આવ્યા પછીથી મોદી સરકારે જમ્મુ-કાશ્મીર પર વિશેષ ભાર મૂક્યો છે. છેલ્લા ૭૦ વર્ષમાં જમ્મુ-કાશ્મીર પર પેઢીઓથી શાસન કરનારાઓ કરતાં વર્તમાન મોદી સરકારે જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે ઘણા કામ કર્યા છે. જમ્મુ-કાશ્મીરના લોકોને ખાતરી આપતાં ગૃહમંત્રીએ કહ્યું કે, તેમની જમીન કોઈ લઈ નથી લેવાનું. જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે સરકાર પાસે પર્યાપ્ત જમીન છે.  આ બીલ પસાર કરવા સાથે લોકસભામાં શનિવારે બજેટ સત્રનો પહેલો તબક્કો પૂરો થયો હતો. બીજો તબક્કો ૮મી માર્ચે શરૃ થશે.