×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ કાશ્મીરમાં 149 વર્ષ જૂની 'દરબાર મૂવ'ની પરંપરાનો અંત, દર વર્ષે ખર્ચાતા હતા 200 કરોડ રૂપિયા


- અધિકારીઓને 21 દિવસની અંદર જમ્મુ અને શ્રીનગર ખાતેના પોત-પોતાના સરકારી ક્વાર્ટર ખાલી કરવા કહેવામાં આવ્યું 

નવી દિલ્હી, તા. 01 જુલાઈ, 2021, ગુરૂવાર

કોરોના વાયરસના કારણે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ (એલજી) મનોજ સિંહાએ 'દરબાર મૂવ'ની 149 વર્ષ જૂની પરંપરાનો અંત લાવવા જાહેરાત કરી હતી. તેના થોડા દિવસો બાદ બુધવારે જમ્મુ કાશ્મીર પ્રશાસને જમ્મુ અને શ્રીનગરની જુડવા રાજધાનીઓમાં સરકારી કર્મચારી અને અધિકારીઓ માટેની આવાસીય સુવિધાની વ્યવસ્થાને રદ્દ કરી દીધી છે. 

એસ્ટેટ વિભાગના કમિશનર સેક્રેટરી એમ રાજૂ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ પ્રમાણે અધિકારીઓને 21 દિવસની અંદર જમ્મુ અને શ્રીનગર ખાતેના પોત-પોતાના સરકારી ક્વાર્ટર ખાલી કરવા કહેવામાં આવ્યું છે. ઉપરાજ્યપાલે 20 જૂનના રોજ જાહેરાત કરી હતી કે, જમ્મુ અને કાશ્મીર પ્રશાસન સંપૂર્ણપણે ઈ-ઓફિસમાં પરિવર્તિત થઈ ગયું છે જેથી વર્ષમાં 2 વખત યોજાતી 'દરબાર મૂવ'ની પરંપરાનો અંત આવ્યો છે. 

તેમણે જણાવ્યું કે, જમ્મુ અને શ્રીનગર બંને સચિવાલય સામાન્યરૂપથી 12 મહિના સુધી કામ કરી શકે છે. તેનાથી સરકારને દર વર્ષે આશરે 200 કરોડ રૂપિયાની બચત થશે જેનો ઉપયોગ વંચિત વર્ગોના કલ્યાણ માટે કરવામાં આવશે. 

શું છે 'દરબાર મૂવ'ની પરંપરા?

'દરબાર મૂવ'ની પરંપરા 1872ના વર્ષથી જમ્મુ કાશ્મીર પ્રશાસનનો એક હિસ્સો રહી છે અને તેને મહારાજા ગુલાબ સિંહે શરૂ કરી હતી. શ્રીનગર એ જમ્મુ અને કાશ્મીરની ગ્રીષ્મકાલીન રાજધાની ગણાતું હતું જ્યારે જમ્મુ શીતકાલીન રાજધાની ગણાતું હતું. પ્રશાસન જમ્મુમાં શિયાળાના 6 મહિના અને શ્રીનગરમાં ઉનાળા દરમિયાન કામ કરતું હતું.  

આ કારણે જમ્મુના કર્મચારીઓને શ્રીનગરમાં તથા શ્રીનગરના કર્મચારીઓને જમ્મુમાં રેસિડેન્સિયલ અકોમોડેશન (આવાસ) ફાળવવામાં આવ્યા હતા. રાજભવન, નાગરિક સચિવાલય અને અન્ય પ્રમુખ કાર્યાલયોને તબક્કાવાર જુડવા શહેરોમાં સ્થાનાંતરિત કરવામાં આવતા હતા જેના પર આશરે 200 કરોડ રૂપિયા ખર્ચ થતા હતા. 

એસ્ટેટ વિભાગના કમિશનર સેક્રેટરી દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, શ્રીનગર અને જમ્મુમાં અધિકારીઓના રેસિડેન્સિયલ અકોમોડેશન (આવાસ)ની ફાળવણી રદ્દ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કર્મચારીઓ અને અધિકારીઓ 21 દિવસની અંદર જુડવા રાજધાની શહેરોમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પોતાના રેસિડેન્સિયલ અકોમોડેશનને ખાલી કરી દે.