×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ કાશ્મીરના પુંછ ખાતે આતંકવાદીઓ સાથે અથડામણ, JCO સહિત સેનાના 5 જવાન શહીદ


- આતંકવાદીઓ જંગલમાંથી બહાર ન નીકળી શકે તે માટે સમગ્ર વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો

નવી દિલ્હી, તા. 11 ઓક્ટોબર, 2021, સોમવાર

જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જેસીઓ સહિત સેનાના 5 જવાન શહીદ થયા છે. જાણવા મળ્યા મુજબ ચમરેર જંગલમાં સુરક્ષા દળોનું આતંકવાદીઓ વિરૂદ્ધનું ઓપરેશન ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક જેસીઓ અને સેનાના 4 જવાનો ગંભીર રીતે ઘવાયા હતા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ બચાવી નહોતા શકાયા. 

જાણવા મળ્યા મુજબ એજન્સીઓને મુગલ રોડ પાસે ચમરેર દ્વારા આતંકવાદીઓની ઘૂસણખોરીના ઈનપુટ મળ્યા હતા. ત્યાર બાદ સુરક્ષા દળોએ તે વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું હતું. સોમવારે સવારથી જ તે વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી અને તે દરમિયાન 5 જવાન શહીદ થઈ ગયા. સેના દ્વારા એક નિવેદનના માધ્યમથી આ વાતની પૃષ્ટિ કરવામાં આવી છે. 

સેના સાથે સંકળાયેલા અધિકારીઓના કહેવા પ્રમાણે આ આતંકવાદીઓ એલઓસી પાર કરીને ચમરેરના જંગલો સુધી પહોંચી ગયા હતા. તેઓ જંગલમાંથી બહાર ન નીકળી શકે તે માટે સમગ્ર વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો હતો. જંગલમાં 3થી 4 આતંકવાદીઓ સંતાયા હોવાની આશંકા છે. 

આજે સવારથી જ આતંકવાદીઓ વિરૂદ્ધ સેનાનું ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળોએ સવારના સમયે અનંતનાગ અને બાંદીપોરા ખાતે 1-1 આતંકવાદીને ઢેર કરી દીધા હતા.