×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ કાશ્મીરઃ સૈયદ અલી શાહ ગિલાનીના પૌત્રને સરકારી નોકરીમાંથી ડિસમિસ કરી દેવાયો


- ગિલાનીના અવસાન બાદ ઘાટીમાં મોટા પાયે હિંસા થવાની અટકળો લગાવાઈ રહી હતી

નવી દિલ્હી, તા. 17 ઓક્ટોબર, 2021, રવિવાર

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં તેજી જોવા મળી રહી છે. તે સિવાય કેટલાય સામાન્ય કાશ્મીરી નાગરિકોને પણ મારવામાં આવ્યા છે. આ બધા વચ્ચે જમ્મુ કાશ્મીર પ્રશાસને મહત્વનો નિર્ણય લઈને સૈયદ અલી શાહ ગિલાનીના પૌત્ર અનીસ ઉલ ઈસ્લામને તેની સરકારી નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યો છે. 

અનીસ ઉલ ઈસ્લામ જમ્મુ કાશ્મીરમાં શેર એ કાશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલનમાં રિસર્ચ ઓફિસર તરીકે કામ કરી રહ્યો હતો. જોકે હવે તેને તે સર્વિસમાંથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યો છે. તે સિવાય જમ્મુ કાશ્મીરના ડોડા સ્થિત સ્કુલના એક ટીચર ફારૂક અહમદ ભટ્ટને પણ નોકરીમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેનો ભાઈ મોહમ્મદ અમીન ભટ્ટ એક સક્રિય LeT આતંકવાદી છે જે પાક અધિકૃત કાશ્મીરમાંથી કામ કરી રહ્યો હતો. જાણવા મળ્યા મુજબ ફારૂક પોતાના ભાઈના ઈશારે એક આતંકવાદી હુમલો કરવાનો હતો. 

જાણવા મળ્યા મુજબ જમ્મુ કાશ્મીર પ્રશાસને બંધારણની કલમ 311 અંતર્ગત અનીસ અને ફારૂક બંનેને ડિસમિસ કરી દીધા છે. પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ નથી જણાવવામાં આવ્યું પરંતુ અનીસ અને ફારૂક બંને પર આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહિત કરવાનો આરોપ હતો. આ કારણે જ બંને વિરૂદ્ધ આ આકરા પગલા લેવામાં આવ્યા છે. 

ગત 1 સપ્ટેમ્બરના રોજ અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું અવસાન થયું હતું. ગિલાનીના અવસાન બાદ ઘાટીમાં મોટા પાયે હિંસા થવાની અટકળો લગાવાઈ રહી હતી. જોકે પ્રશાસન અને સેનાની સક્રિયતાને પગલે કોઈ હિંસા પણ ન થઈ અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે હુર્રિયત નેતાને સુપુર્દ-એ-ખાક કરી દેવામાં આવેલ.

તે સમયે તો હિંસા ન થઈ પરંતુ ઓક્ટોબર મહિનાથી સ્થિતિ બદલાઈ છે. આતંકવાદી ગતિવિધિઓમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે અને અનેક સામાન્ય કાશ્મીરીઓની હત્યા કરવામાં આવી છે. તેવામાં ઘાટીની સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ જોવા મળી રહી છે. અલ્પસંખ્યક સમુદાયના અનેક લોકો તો જમ્મુ તરફ પલાયન કરવા માટે પણ મજબૂર બની ગયા છે.