×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ કાશ્મીરઃ સુરક્ષાદળોએ પુલવામા જિલ્લામાં પાંચ આતંકીઓને ઢાળી દીધા, એક જવાન શહીદ

નવી દિલ્હી,તા.2 જુલાઈ 2021,શુક્રવાર

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરૂવારની રાતથી સુરક્ષાદળોએ આતંકીઓ સામે શરૂ કરેલુ એન્કાઉન્ટર આજે પુરૂ થયુ છે. જેમાં પાંચ આતંકીઓને સુરક્ષાદળોએ યમસદન પહોંચાડી દીધા છે. આ અથડામણમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક જવાન પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન શહીદ થયો છે.

પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે પુલવામા જિલ્લાના રાજપોરા વિસ્તારમાં આવેલા એક ગામમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ આ ગામન ઘેરી લઈને ચેકિંગ શરૂ કર્યુ હતુ. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ કર્યુ હતુ અને એ પછી બંને પક્ષો વચ્ચે સામ સામે ગોળીબાર શરૂ થયો હતો. સુરક્ષાદળોએ આપેલા જડબાતોડ જવાબથી આતંકીઓ હતપ્રભ થઈ ગયા હતા. જોકે આ એન્કાઉન્ટર દરમિયાન સેનાના એક જવાનને ગોળી વાગી હતી અને તેનુ સારવાર દરમિયાન શ્રીનગરની હોસ્પિટલમાં મોત થયુ હતુ.

આ પહેલા જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં પણ બુધવારે ત્રણ આતંકીઓને ખાત્મો બોલાવી દેવાયો હતો. જ્યારે સેનાના બે જવાનો પણ ઘાયલ થયા હતા. ભારતીય સેનાનુ કહેવુ છે કે, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ સામેનુ અભિયાન ચાલુ રહેશે, રાજ્યમાં શાંતિ સ્થપાય તે ભારતીય સેનાનુ પહેલેથી જ લક્ષ્ય છે. અમારી પાસે આતંકીઓ સામે અભિયાન ચલાવવા માટે મજબૂત તંત્ર પણ છે. શાંતિ અને વિકાસની પ્રક્રિયામાં વિઘ્ન ઉભુ કરવા માંગતા તત્વોનુ ધ્યાન રાખવાની જરૂર છે.