×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ કાશ્મીરઃ તાલિબાન પાસેથી ટ્રેઈનિંગ લઈને જૈશના 38 આતંકવાદીઓના PoKમાં ધામા


- મકાઈના ઉભા પાક વચ્ચે ઘૂસણખોરી બાદ કોઈની નજરમાં આવ્યા વગર લાંબે સુધી આગળ વધવું સરળ હોય છે માટે નિયંત્રણ રેખા પર વધારાની સાવધાની રાખવામાં આવી રહી છે

નવી દિલ્હી, તા. 28 ઓગષ્ટ, 2021, શનિવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ જમ્મુ કાશ્મીરમાં પણ આતંકવાદના મોરચે જોખમ વધ્યું છે. જાણવા મળ્યા મુજબ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 38 આતંકવાદીઓએ તાલિબાની આતંકવાદીઓ પાસેથી પ્રશિક્ષણ મેળવ્યું છે. અત્યાધુનિક હથિયાર ચલાવવા ઉપરાંત ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં પ્રશિક્ષિત આ આતંકવાદીઓ એક સપ્તાહ પહેલા પાક અધિકૃત કાશ્મીર (પીઓકે)ના હજીરા ખાતે આવેલા જૈશના ટ્રેઈનિંગ કેમ્પમાં પહોંચ્યા હતા. પુંછના ચક્કાં દા બાગ સામે હજીરા કેમ્પમાં હલચલ તેજ બની હોવાના પણ ઈનપુટ છે. 

પુંછનો વિસ્તાર સરહદ પારથી આતંકવાદને લઈને ખૂબ જ સંવેદનશીલ છે. જાણવા મળ્યા મુજબ ત્યાં કોટલી, હજીરા, બાગ સહિતના અન્ય વિસ્તારોમાં આતંકવાદીઓના ટ્રેઈનિંગ કેમ્પ ચાલી રહ્યા છે. આ જિલ્લાને અડીને આવેલી એલઓસી પર 20 કરતા વધારે લોન્ચિંગ પેડ સક્રિય હોવાની સૂચના છે. દરેક લોન્ચિંગ પેડ પર 10-12 આતંકવાદીઓને ઘૂસણખોરી માટે તૈયાર રાખવામાં આવ્યા છે. 

પહેલા આ લોન્ચિંગ પેડ પર આતંકવાદીઓની સંખ્યા વધારે હોતી હતી પરંતુ ભારતની એરસ્ટ્રાઈકના ડરથી હવે ઓછી સંખ્યામાં આતંકવાદીઓને રાખવામાં આવે છે. પીઓકેમાં સેનાની ચોકીઓની આજુબાજુ પણ આતંકવાદીઓની મૂવમેન્ટ જોવા મળી રહી છે. ભૌગોલિક પરિસ્થિતિઓના કારણે પુંછનો એલઓસીને અડીને આવેલો વિસ્તાર ખૂબ સંવેદનશીલ છે. 

સુરક્ષા એજન્સી સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે ઈન્ટેલિજન્સ ગ્રિડને વધુ મજબૂત બનાવવામાં આવી છે. સરહદ પાર અને તાલિબાનની ગતિવિધિઓ પર સંપૂર્ણ નજર રાખવામાં આવી રહી છે. એલઓસીને અડીને આવેલા વિસ્તારોમાં મકાઈનો પાક તૈયાર છે. મકાઈના ઉભા પાક વચ્ચે ઘૂસણખોરી બાદ કોઈની નજરમાં આવ્યા વગર લાંબે સુધી આગળ વધવું સરળ હોય છે માટે નિયંત્રણ રેખા પર વધારાની સાવધાની રાખવામાં આવી રહી છે. ગ્રામીણોને પણ શકમંદ દેખાય તો તરત જાણ કરવા કહેવામાં આવ્યું છે.