×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુમાં સીઆઈએસએફના કાફલા પર હુમલો, જવાન શહિદ, બે આતંકી ઠાર

જમ્મુ, તા. ૨૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાશ્મીર પ્રવાસ પહેલાં આત્મઘાતી હુમલો કરવાનો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો પ્રયાસ શુક્રવારે નિષ્ફળ બનાવી દેવાયો છે. આ સાથે સુરક્ષા દળોએ જમ્મુના સુજવાં મિલિટ્રી સ્ટેશન પર એક અથડામણમાં બે શકમંદ પાકિસ્તાની આતંકીઓને ફૂંકી માર્યા હતા. જોકે, આ અથડામણમાં સીઆઈએસએફના એક અધિકારી પણ શહીદ થઈ ગયા હતા અને અન્ય નવ અધિકારીઓને ઈજા પહોંચી હતી. પીએમ મોદી ૨૪મી એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજના પ્રસંગે સામ્બ જિલ્લાની મુલાકાત લેવાના છે તેવા સમયે જનતાને તેમના સંબોધનના સ્થળથી હુમલાનું સ્થળ ૧૭ કિ.મી. દૂર હતું.
ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલાં આ હુમલાને વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનું કાવતરું ગણાવ્યું હતું. જમ્મુના બહારના વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે ૪.૨૫ વાગ્યે સીઆઈએસએફના કેમ્પ નજીક અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. સુંજવાંમાં આ અથડામણ એવા સમયે થઈ છે જ્યારે સાંબ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી યોજાવાની છે. વડાપ્રધાનના સૂચિત પ્રવાસને ધ્યાનમાં રાખતાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા આકરી બનાવી દેવાઈ છે.
અધિકારીઓએ જણાવ્યું કે, તંત્રે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવા ઉપરાંત તકેદારીના ભાગરૂપે વિસ્તારમાં તથા તેની આજુબાજના ક્ષેત્રોમાં બધી જ ખાનગી અને સરકારી સ્કૂલોને બંધ કરી દેવાઈ છે. એડીજીપી મુકેશ સિંહે કહ્યું કે, બે સશસ્ત્ર આતંકીઓને ફૂંકી મારવાની સાથે જમ્મુમાં એક મોટો આત્મઘાતી હુમલો ટાળવામાં આવ્યો છે.
આ પહેલાં સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ પોલીસ ફોર્સ (સીઆઈએસએફ)ના અધિકારીઓએ જણાવ્યું કે, ૧૫ કર્મચારીઓને સવારની ડયુટી માટે લઈ જઈ રહેલી બસ પર ચઢ્ઢા કેમ્પ વિસ્તાર નજીક સવારે ૪.૨૫ વાગ્યે હુમલો કરાયો હતો. અર્ધલશ્કરી દળોના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આતંકીઓએ બસ પર ગોળીઓ ચલાવી હતી અને ગ્રેનેડ ફેંક્યા હતા, જેમાં એક સહાયક સબ-ઈન્સ્પેક્ટર (એએસઆઈ) એસ.પી. પાટીલ શહીદ થઈ ગયા હતા અને બસમાં બેઠેલા અન્ય નવ જવાનોને ઈજા પહોંચી હતી.
બીજીબાજુ સીઆઈએસએફે ટ્વીટ કરી કે જવાનોની એક ટીમ આ વિસ્તારમાં ઘેરાબંદી કરવા અને સર્ચ ઓપરેશન કરી રહી હતી ત્યારે તેમના પર હુમલો કરાયો હતો. આ અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. તેમની પાસેથી ભારે પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યા હતા. તેના પરથી ખ્યલા આવે છે કે તેઓ આત્મઘાતી હુમલો કરવા આવ્યા હતા. આ સિવાય તેમની પાસેથી બે એકે-૪૭ રાઈફલ, એક અન્ડર બેરલ ગ્રેનેડ લોન્ચર અને એક સેટેલાઈટ ફોન જપ્ત કરાયો હતો.
આતંકીઓ ક્યાં હુમલો કરવાના હતા તે તપાસનો વિષય છે. અધિકારીઓએ જણાવ્યું કે, માર્યા ગયેલા આતંકીઓ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા હોવાનું મનાય છે. સીઆઈએસએફની ચેકપોસ્ટ પર વહેલી સવારે શિફ્ટ બદલાઈ રહી હતી તેવા સમયે આતંકીઓએ સીઆઈએસએફ પર હુમલો કર્યો હતો.