×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'જનતાના પ્રાણ જાય, પણ PMની ટેક્સ વસૂલી ન જાય'- વેક્સિન GST મુદ્દે રાહુલ ગાંધીનો પ્રહાર


- રાજ્યોને કોવિશીલ્ડનો એક ડોઝ 315 રૂપિયામાં અને કોવેક્સિનનો એક ડોઝ 420 રૂપિયામાં પડી રહ્યો છે

નવી દિલ્હી, તા. 8 મે, 2021, શનિવાર

કોરોના વેક્સિનની કિંમતો બાદ હવે તેના પર લગાવવામાં આવેલા ટેક્સને લઈને વિવાદ શરૂ થયો છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે શુક્રવારે નાણાં મંત્રી નિર્મલા સીથારામણને ચિઠ્ઠી લખીને વેક્સિનની ખરીદી પર લાગતા GSTને માફ કરવાની માંગણી કરી હતી. ત્યારે હવે શનિવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ વેક્સિન પર ટેક્સની વસૂલાતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કર્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું હતું કે, 'જનતાના પ્રાણ જાય, પણ PMની ટેક્સ વસૂલી ન જાય' આ ટ્વીટની સાથે તેમણે હેશટેગ જીએસટીનો પણ ઉપયોગ કર્યો હતો. સરકારે વિદેશથી આવતી કોરોના વેક્સિન પરનો જીએસટી હટાવી દીધો છે પરંતુ દેશની અંદર વેક્સિનની ખરીદી પર હજુ પણ જીએસટી લેવાઈ રહ્યો છે. કોરોના વેક્સિન પર કેન્દ્ર સરકાર તરફથી 5 ટકા જીએસટી લેવામાં આવી રહ્યો છે.

સીરમ ઈન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડનો એક ડોઝ રાજ્યોને 300 રૂપિયા અને ભારત બાયોટેકની કોવેક્સિનનો એક ડોઝ 400 રૂપિયામાં મળી રહ્યો છે. તેના પર અલગથી 5 ટકા જીએસટી લાગી રહ્યો છે. આમ રાજ્યોને કોવિશીલ્ડનો એક ડોઝ 315 રૂપિયામાં અને કોવેક્સિનનો એક ડોઝ 420 રૂપિયામાં પડી રહ્યો છે. આમ રાજ્યો પર વધારાના ખર્ચનું ભારણ વધી રહ્યું છે. આ કારણે અનેક રાજ્યો વેક્સિન પર લાગતા જીએસટીમાં છૂટની માંગણી કરી રહ્યા છે. જ્યારે કેન્દ્ર સરકારને બંને વેક્સિનનો એક ડોઝ 150 રૂપિયામાં મળી રહ્યો છે. 

ભારતમાં હાલ 3 વેક્સિનના ઉપયોગને મંજૂરી મળી છે. પહેલી વેક્સિન છે કોવિશીલ્ડ જેને સીરમ ઈન્સ્ટિટ્યુટ બનાવી રહી છે અને બીજી કોવેક્સિન છે જેને આઈસીએમઆર સાથે મળીને ભારત બાયોટેક બનાવી રહી છે. ત્રીજી વેક્સિન છે સ્પુતનિક-V જેને ઈમરજન્સી યુઝની મંજૂરી મળી ગઈ છે. તે રૂસી વેક્સિન છે જેને ભારતની ડૉ. રેડ્ડી લેબ બનાવશે. જો કે, હજુ સ્પુતનિક-Vની કિંમતો નક્કી નથી થઈ.