×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જગતના તાત' માટે માઠા સમાચાર: રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી



અમદાવાદ, તા. 01 માર્ચ 2023, બુધવાર
ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. દેશભરમાં આજકાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ કાળઝાળ ગરમી પડી રહી છે તો કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી 
ત્યારે હવે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે અન્નદાતાઓમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 4 માર્ચથી 8 માર્ચ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે.   હવામાન વિભાગ દ્વારા કચ્છ, ભાવનગર અને અમરેલી તથા ગીર સોમનાથ જિલ્લામાં માવઠાની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

માર્ચ મહિનાની શરુઆતથી જ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે  
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે માર્ચ મહિનાની શરુઆતથી જ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે આજથી ઉતર ગુજરાતના કચ્છમાં ઉત્તર ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. જ્યારે 4 માર્ચ સુધીમાં ગુજરાતમાં માવઠાની શક્યતા છે. 4થી 8 માર્ચ સુધીમાં ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસી વરસાદ પડવાની શક્યતા છે.

 આ વર્ષે ઉનાળો ખૂબ જ આકરો: હવામાન નિષ્ણાતો
અંબાલાલ પટેલનું અનુમાન છે કે, માર્ચની શરુઆતથી જ વાતાવરણમાં પલટો આવશે અને માવઠાની શકયતા છે. સામાન્ય રીતે શિયાળો પૂર્ણ થઈ જતા માર્ચ મહિનાની શરૂઆતથી જ ઉનાળાની પણ શરૂઆત થઈ જતી હોય છે. જોકે, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પણ ઉનાળાની ગરમીનો અનુભવ થયો હતો. હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે, આ વર્ષે ઉનાળો ખૂબ જ આકરો રહેશે. સામાન્ય રીતે ગુજરાતમાં હોળી બાદ મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાન વધવા લાગે છે.

ઉત્તર પૂર્વમાં પવનોની દિશા બદલાતા ગરમીનું જોર વધશે
આ વર્ષે ઉનાળામાં હિટવેવની સંભાવના વધારે રહેવાનું હવામાનનું અનુમાન છે. ઉત્તર પૂર્વમાં પવનોની દિશા બદલાતા ગરમીનું જોર વધશે. આગામી બે દિવસમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. અત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 35થી 37 ડિગ્રી તાપમાન રહેશે.