×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જખૌના દરિયામાંથી રૂ. 200 કરોડનું 40 કિલો હેરોઈન જપ્ત : આઠની ધરપકડ



- મધદરિયે એટીએસ - કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન

- પકડાયેલાઓમાં 6 પાકિસ્તાની : જેલમાંથી મહેરાજ રહેમાની અને નાઇજીરીયનના કહેવાથી પાકિસ્તાની ડ્રગ્સ માફિયા અબદુલ્લાએ ડ્રગ્સ મોકલ્યું હતું

- એટીએસએ 2022ના આઠ જ મહિનામાં રૂ.6640 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું

અમદાવાદ : ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા મંગળવારે રાતના સમયે જખૌના મધદરિયે આઇએમબીએલ ( ઇન્ટરનેશનલ  મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન) પરથી એક પાકિસ્તાની ફીસીંગ બોટને ઝડપીને તેમાંથી રૂપિયા ૨૦૦ કરોડની કિેંમતનું ૪૦ કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. જે અંગે કરાચીમાં રહેતા છ પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં આવ્યા છે. અમૃતસરની જેલમાંથી ભારતના ડ્રગ્સ માફિયાએ પાકિસ્તાનના અબ્દુલ્લા નામના ડ્રગ્સ ડીલરે આ ડ્રગ્સ ભારત મોકલ્યું હતું. આ દરમિયાન એટીએસની એક ટીમ દ્વારા આ ડ્રગ્સની ડીલેવરી લેવા આવેલા બે વ્યક્તિઓને પણ અમદાવાદથી ઝડપી લીધા હતા. જે અંગે કોસ્ટ ગાર્ડની ઇન્વેસ્ટીગેશન વિંગ અને એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત એટીએસના ડીવાયએસપી  કે કે પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે પાકિસ્તાનના કરાચી સ્થિત અબ્દુલ્લા નામના ડ્રગ્સ માફિયાએ કરાચી પોર્ટથી મોેટાપ્રમાણમાં હેરોઇન ડ્રગ્સ જખૌના દરિયાકિનારેથી ગુજરાતમાં ઘુસાડીને ત્યાંથી પંજાબ અને ઉત્તર ભારતમાં મોકલવાનું છે. જે બાતમીને આધારે ડીવાયએસપી કે કે પટેલ અને પોલીસ અધિકારીઓની ટીમ જખૌ બંદર પહોંચી હતી અને કોસ્ટ ગાર્ડના અધિકારીઓ સાથે ટીપ ઓફના આધારે સાથે મળીને જોઇન્ટ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કોસ્ટ ગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટમાં જખૌના મધદરિયે ઇન્ટરનેશનલ મેરીટાઇમ બ્રાઉન્ડ્રી લાઇન પર વોચ રાખવામાં આવી હતી. જેમાં પાકિસ્તાનથી ભારતની જળસીમામાં આવેલી એક શંકાસ્પદ બોટને રોકીને પુછપરછ કરતા તેમાં હાજર લોકોએ ફીંસીગ માટે આવ્યા હોવાનું કહ્યું હતું. જો કે બોટમાં તપાસ કરતા તેમાંથી ૪૦ કિલો હેરોઇન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની આતંરરાષ્ટ્રીય કિંમત ૨૦૦ કરોડ જેટલી અંદાજવામાં આવી હતી.  આ અંગે એટીએસ દ્વારા મોહંમદ સોહેલ, મોહસીન શહેઝાદ, ઝહુર અહેમદ, કામરાન મુસા,  મોહમંદ શફી અને ઇમરાન (તમામ રહે. કરાચી)ને ઝડપીને જખૌ ખાતે લાવવામાં આવ્યા હતા. 

જેમણે કબુલ્યુ હતું કે આ ડ્રગ્સ કરાચીથી અબ્દુલ્લા નામના ડ્રગ્સ માફિયાએ મોકલ્યું હતું અને જખૌ નજીક પહોંચીને દરિયાકાંઠે આ ડ્રગ્સની ડીલેવરી કોડને આધારે કરવાની હતી.   ડીજીપી આશિષ ભાટિયાએ  આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું કે  અમૃતસરની જેલમાં એનડીપીએસના કેસમાં ઝડપાયેલા અની ચીફ ઓબીન્ના ઉર્ફે ચીફ  ના નામે ઓળખાતા નાઇજીરીયન અને કપુરથલ્લા જેલમાંથી મહેરાજ રહેમાની અબ્દુલ સત્તારે (રહે.પશ્ચિમ દિલ્હી) કરાચીમાં અલ્દુલ્લાને હેરોઇન ભારત મોકલવા માટે ઓર્ડર લખાવ્યો હતો. જે ડ્ગ્સની ડીલેવરી લેવા માટે દિલ્હીથી સરતાજ સલીમ  મલીક અને જગ્ગી સિંઘ નામના વ્યક્તિ અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી જખૌ જવાના હતા. જો કે તે બંનેને પણ ઝડપી લેવામાં આવ્યા છે. બંને જણા આ ડ્ગ્સ દિલ્હી ખાતે લઇ જવાના હતા.  જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત એટીએસ દ્વારા વર્ષ ૨૦૧૯થી વર્ષ ૨૦૨૨ દરમિયન જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સ અંગેના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. જેમાં વર્ષ ૨૦૧૯માં  માત્ર એક જ કેસ નોંધાયો હતો. જેમાં ૫૦૦ કરોડની કિંમતનું ૧૦૦ કિલો ડ્રગ્સ જપ્ત કરીને ૧૧ આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓમાં ૯ ઇરાની અને ૧ અફઘાની હતા. જ્યારે વર્ષ ૨૦૨૦માં  ૧૭૫ કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે  પાંચ પાકિસ્તાની ઝડપાયા હતા.  ત્યારબાદ  વર્ષ ૨૦૨૧માં  એટીએસ દ્વારા ડ્રગ્સના ચાર કેસ થયા હતા. જેમાં ૧૪૬૧ કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે સાત ઇરાની,  છ પાકિસ્તાની અને એક નાઇજીરીયન સહિત  ૩૬ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 

જો કે વર્ષ ૨૦૨૨માં માત્ર નવ મહિનામાં થયેલા સાત કેસમાં  ૧૩૨૮ કિલો ડ્રગ્સનો રૂપિયા ૬૬૪૦ કરોડનો જથ્થો એટીએસ દ્વારા જપ્ત કરાયો છે. જેમાં સૌથી વધારે ૨૨ પાકિસ્તાની નાગરિકો ઝડપાયા છે અને ૩ અફઘાની નાગરિકો હતા. 

અમૃતસરની જેલમાંથી કરાચી સુધી ડ્રગ્સનો ઓર્ડર કઇ રીતે અપાયો ?

પાકિસ્તાનથી મોકલવામાં આવતા ડ્ગ્સના અનેક કિસ્સા બહાર આવ્યા છે. જો કે ૨૦૦ કરોડનું હેરોઇન જપ્ત કરવાના કેસમાં પોલીસને મહત્વની લીડ મળી હતી કે હેરોઇનનો ઓર્ડર જેલમાં બંધ ડ્ગ્સ માફિયાઓએ આપ્યો હતો. જે અંગે સુત્રોએ જણાવ્યું હતું કે અમૃતસરની જેલમાં બંધ અની ચીફ અને કપુરથલ્લાની જેલમાં બંધ મહેરાજ રહેમાની જંલધરમાં વર્ષ ૨૦૧૯માં  એક કરોડ રૂપિયાની હેરોઇન સાથે ઝડપાયા હતા. જેમાં ધરપકડ થઇ છે. જો કે બંને જણા જેલમાંથી ડ્રગ્સનું નેટવર્કનું સંચાલન કરે છે. જેલમાં મળવા આવતા તેમના સાગરિતોની મદદથી તે ટીપ આપીને પાકિસ્તાન ખાતે ડ્રગ્સનો ઓર્ડર આપ્યો હતો. આ ઉપરાંત, અની ચીફના કહેવાથી તેમની ગેંગના ચોક્કસ લોકોએ નાણા દુબઇથી હવાલા મારફતે મોકલી આપ્યા હતા.   જે બાદ ડ્ગ્સ ડીલેવરીની તારીખ નક્કી થતા  ડ્ગ્સની ડીલેવરી લેવા માટે કોણ જશે? તે માટે મહેરાજ રહેમાનીએ  બે વ્યક્તિને ગુજરાતથી ડ્રગ્સ લાવવાની કામગીરી સોંપી હતી. જેમાં આ ડ્રગ્સ કોઇ અન્ય ચીજવસ્તુના કન્સાઇન્મેન્ટ સાથે પંજાબમાં લઇ જવાનું હતુ. આમ, જેલમાંથી જ સુવ્યવસ્થિત રીતે સમગ્ર નેટવર્ક તૈયાર કરાયું હતું.  ત્યારે બંનેની પુછપરછમાં વધુ ચોકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

અડવાન્સ પેમેન્ટ બાદ જ અબ્દુલ્લા ડ્રગ્સની ડીલેવરી કરતો હતો

કરાચીમાં રહેતો અબ્દુલ્લાખાન નામનો ડ્રગ્સ માફિયા ભારતમાં અનેકવાર ડ્રગ્સ મોકલી ચુક્યો છે. જેમાં ઘણીવાર તેને પેમેન્ટ બાકી હોય ત્યારે જ ડ્રગ્સ ઝડપાઇ જતુ હતું. જેથી આર્થિક નુકશાન જતુ હતું. જેથી  અબ્દુલ્લા ખાન એડવાન્સમાં પેમેન્ટ લઇને ડ્રગ્સ મોકલતો હતો.  

૪૦કલો હેરોઇન માટે પણ તેણે એડવાન્સ નાણાં હવાલા મારફતે લીધા હતા. જે બાદ તેણે અફઘાનિસ્તાનથી લવાયેલુ હેરોઇન કરાચી પોર્ટથી રવાના કર્યું હતું.

ફીંશિંગ બોટમાં ઝડપાયેલા લોકો પ્રોફેશનલ કેરિયર હોવાની શક્યતા

જખૌના દરિયામાંથી પાકિસ્તાનની ફીસીંગ બોટમાં ઝડપાયેલા છ પાકિસ્તાનીઓની પ્રાથમિક પુછપરછમાં એટીએસ અને કોસ્ટ ગાર્ડને અનેક ચોંકાવનારી વિગતો મળી છે. જેમાં ઝડપાયેલા છ માછીમારો ભારતમાં ડ્રગ્સની ડીલેવરી માટે પ્રોફેશનલ કેરિયર તરીકે કામ કરતા હતા. આ અગાઉ પણ ફીંસીગ બોટની આડમાં મોટાપાયે ડ્રગ્સની ડીલેવરી કરી ચુક્યા હોવાનું પણ તપાસમાં ખુલ્યુ છે. ખાસ કરીને કચ્છના દરિયાકાંઠાં વિસ્તારમાં અગાઉ બિનવારસી મળી આવેલા ચરસના પેકેટ અંગે પણ પુછપરછ કરવામાં આવી રહી છે.