×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

છત્તીસગઢ: 28 દિવસ બાદ સિલગેર ખાતે આદિવાસી ગ્રામીણોના પ્રદર્શનનો અંત, CRPF કેમ્પ બનવાથી હતા નારાજ


- 17 મેના રોજ હજારો આદિવાસીઓએ સિલગેર કેમ્પને ઘેરી લીધો હતો અને સુરક્ષા દળોના ફાયરિંગમાં 3 લોકોના મોત થયા હતા

નવી દિલ્હી, તા. 13 જૂન, 2021, રવિવાર

છત્તીસગઢના સિલગેર ખાતે છેલ્લા 28 દિવસથી ચાલી રહેલા આદિવાસી ગ્રામીણોના પ્રદર્શનનો આખરે અંત આવ્યો છે. 12 મેના રોજ તે જગ્યાએ સીઆરપીએફનો કેમ્પ બન્યો હતો જેનો સ્થાનિક ગ્રામીણ આદિવાસીઓએ વિરોધ શરૂ કરી દીધો હતો. આદિવાસી ગ્રામીણોનો આરોપ હતો કે, જે જગ્યાએ કેમ્પ બની રહ્યો છે તે ગ્રામીણોની જમીન છે. 

ગામના લોકોએ કેમ્પ પાસે જ વિરોધ પ્રદર્શન અને ધરણા શરૂ કરી દીધા હતા. આંદોલન દરમિયાન 17 મેના રોજ હજારોની સંખ્યામાં આદિવાસીઓએ સિલગેર કેમ્પને ઘેરી લીધો હતો અને સુરક્ષા દળોના ફાયરિંગમાં 3 લોકોના મોત થયા હતા. આંદોલનકારીઓએ મૃતકોને ગ્રામીણ ગણાવ્યા હતા જ્યારે સુરક્ષા દળોએ તેમની ઓળખ નક્સલીઓ તરીકે કરી હતી. 

નક્સલી ઓળખ જોડાયા બાદ તે આંદોલન વધુ ઉગ્ર બની ગયું હતું. ગામની જમીન પર કેમ્પ બનવાને લઈ શરૂ થયેલું આંદોલન નિર્દોષ ગામલોકોની હત્યા બાદ વધુ તીવ્ર બન્યું હતું. ધરણા ચાલુ રાખવા માટે આદિવાસીઓ રાશન-પાણી લાવીને તે જગ્યાએ જ અડગ બેસી રહ્યા હતા અને ધીરે-ધીરે આંદોલનમાં સામેલ થનારા આદિવાસીઓની સંખ્યા વધીને 10,000એ પહોંચવા આવી હતી.

CMએ દખલ કરવી પડી

આંદોલન પૂરૂ કરાવવા માટે બસ્તરના આઈજી, કમિશનર, કલેક્ટર અને એસપી સ્તરના વરિષ્ઠ અધિકારીઓ પણ સિલગેર પહોંચ્યા હતા પરંતુ કોઈ ઉકેલ નહોતો આવ્યો. ગ્રામીણોને સમજાવવા માટે છત્તીસગઢ સરકારે સાંસદ દીપક બૈજના નેતૃત્વમાં 5 ધારાસભ્યોને પણ મોકલ્યા હતા પરંતુ ગ્રામીણોએ સીધા મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવા માંગણી કરી હતી. આખરે આંદોલનરત ગ્રામીણોના એક ડેલિગેશને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મુખ્યમંત્રી સાથે વાત કરી ત્યાર બાદ આંદોલનનો અંત આવ્યો હતો. 

મેજિસ્ટ્રિયલ તપાસ થશે

આંદોલનને લીડ કરી રહેલા નેતાઓના મતે આંદોલનમાં વધી રહેલા કોરોના કેસ અને વરસાદના કારણે આંદોલનને વિરામ આપવામાં આવ્યો છે. આંદોલનના અંત બાદ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદ પર સ્થિત સિલગેર ખાતે બનેલી ઘટનાને દુર્ભાગ્યજનક ગણાવીને તે પરિસ્થિતિજન્ય ઘટના હતી તેમ કહી તેની મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા હતા.