×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચૂંટણી પંચનો ચુકાદો અસલી શિવસેના તો શિંદેની જ


ઉદ્ધવ જૂથને મરણતોલ ફટકોઃ શિવસેના નામ અને ધનુષ બાણનું ચૂંટણી પ્રતીક શિંદે જૂથને જ ફાળવવા નિર્ણય

બાળાસાહેબે સ્થાપેલાા પક્ષમાંથી હવે ઉદ્ધવ ઠાકરે પરિવારની કાયદેસરની બાદબાકીઃ વિધાનસભા પેટાચૂંટણીઓ ઉપરાંત મુંબઈ મહાપાલિકાની ચૂંટણીઓ પહેલાં શિંદે જૂથનો મોટો કાનૂની વિજય 

શિવસેનાનું હાલનું માળખું બિનલોકશાહી છે, એવી ચૂંટણી પંચની ટિપ્પણી, શિંદે જૂથ પાસે 76 ટકા , ઉદ્ધવ પાસે 23 જ ટકા સભ્યો હોવાના દસ્તાવેજોના આધારે નિર્ણય 

મુંબઈ :  મહારાષ્ટ્રના રાજકારણમાં દુરોગામી અસરો સર્જે તેવા એક ચુકાદામાં ભારતીય ચૂંટણી પંચે શિવસેનામાંથી બળવો કરી છૂટા પડેલા એકનાથ શિંદે જૂથને જ અસલી શિવસેના તરીકે પ્રમાણિત કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે શિંદે જૂથને જ શિવસેનાનું નામ અને ધનુષ તથા બાણનું મૂળ ચૂંટણી પ્રતીક પણ મળશે. ગયાં વર્ષે એકનાથ શિંદેએ બગાવત કરતાં ઉદ્ધવ ઠાકરે સરકારનું પતન થયું હતું. તે પછી શિવસેનાના માટાભાગના ધારાસભ્યો જ નહીં પરંતુ સંગઠનના પદાધિકારીઓ પણ એકનાથ શિંદે સાથે જોડાઈ ગયા હતા. જોકે, અસલી શિવસેના કોની તે અંગે બંને જૂથ વચ્ચે ગજગ્રાહ ચાલ્યો હતો. આ અંગે સામસામે દાવા થતાં ચૂંટણી પંચે અગાઉ એક વચગાળાના ચુકાદામાં શિંદે જૂથને શિવસેના બાળાસાહેબ ઠાકરે તથા ઉદ્ધવ જૂથને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે એવાં કામચલાઉ નામ આપ્યાં હતાં. પરંતુ ચૂંટણી પંચના આ ચુકાદા બાદ હવે શિંદે જૂથ જ અસલી શિવસેના તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે અને બાળાસાહેબ ઠાકરેએ સ્થાપેલા પક્ષમાંથી ઉદ્ધવ ઠાકરે તથા આદિત્ય ઠાકરેની બાદબાકી થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને એકનાથ શિંદે જૂથના નેતાઓએ વધાવ્યો હતો. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી હતી. 

મહારાષ્ટ્રની  કસ્બા પેઠ તથા ચિંચવડ વિધાનસભા બેઠકો માટે આગામી તા. ૨૬મી ફેબુ્રઆરીએ મતદાન થવાનું છે. તે પછી હવે મુંબઈ મહાનગરપાલિકા સહિત  રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંણી પણ થવાની  છે. મહાપાલિકામાં  બાળાસાહેબ ઠાકરે તથા હવે ઉદ્ધવના વડપણ હેઠળની શિવસેનાએ અઢી દાયકાથી શાસન ભોગવ્યું છે. પરંતુ, હવે ચૂંટણી પંચના આ ચુકાદા બાદ ઉદ્ધવ જૂથને આ ચૂંટણીઓ પૂર્વે જ બહુ મોટો આંચકો લાગ્યો છે. 

શિવસેનામાં ગત જુન-જુલાઈ માસમાં બળવો થયા બાદ બે જૂથો વચ્ચે તકરાર થતાં ચૂંટણી પંચે ગયા ઓક્ટોબર માસમાં એક ચુકાદો આપી શિવસેનાનાં ધનુષ બાણનાં ઓરિજિનલ પ્રતીકને સ્થગિત કરી દીધું હતું. શિંદે જૂથને તલવાર અને ઢાલ તથા ઉદ્ધવ જૂથને મશાલનું ચૂંટણી ચિહ્ન કામચલાઉ રીતે ફાળવવામાં આવ્યું હતું. જોકે, હવે શિંદેની અસલી શિવસેના ધનુષ બાણનાં અસલી પ્રતીકના ઉપયોગ કરી શકશે જ્યારે ઉદ્ધવ જૂથે મશાલનાં પ્રતીકને જ કાયમ રાખવું કે કેમ તેનો નિર્ણય કરવો પડશે. 

ચૂંટણી પંચમાં કેટલાય સમયથી બંને જૂથો દ્વારા સામસામી દલીલો ચાલી હતી. બંને જૂથ દ્વારા પોતપોતાના ટેકેદારો પાસે લાખો એફિડેવિટ કરાવવામાં આવી હતી. ટ્રકોની ટ્રકો ભરીને દસ્તાવેજો ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે પોતાના ૭૮ પાનાના ચુકાદામાં જણાવ્યું હતું કે વિધાનસભાથી માંડીને સંગઠનમાં પણ બહુમતી શિંદે જૂથ પાસે જ છે. શિવસેનાની ટિકિટ પર ચૂંટાયેલા ૫૫ ધારાસભ્યમાંથી ૪૦ શિંદે જૂથ સાથે છે. પક્ષના કુલ ૪૭,૮૨,૪૦૦માંથી ૭૬ ટકા એટલે કે ૩૬,૫૭,૩૨૭ મતો શિંદે જૂથ પાસે છે. ઉદ્ધવ જૂથ ૧૧,૨૫,૧૧૩ એટલે કે  ૨૩.૫ ટકા સભ્યો તથા ૧૫ જ  ધારાસભ્યોના ટેકાના દસ્તાવેજ રજૂ કરી શક્યું હતું. 

ગત ૩૦મી જૂને એકનાથ શિંદેએ બળવો કર્યો અને શરુઆતમાં ૨૦ અને પછી ક્રમે ક્રમે ૪૦ ધારાસભ્યોને પોાતની સાથે ગુવાહાટી લઈ ગયા ત્યારથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે ઉદ્ધવ ઠાકરે  પક્ષ પરનો કાબુ ગુમાવી ચૂક્યા છે. એક તબક્કો તો એવો આવ્યો  હતો કે ઉદ્ધવ ઠાકરે ખુદ , તેમના પુત્ર આદિત્ય અને બીજા બે પ્રધાનો એમ ચાર લોકોને બાદ કરતાં આખી કેબિનેટ શિંદે ગૂ્રપ સાથે જોડાઈ ગઈ હતી. પક્ષના મોટાભાગના ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ, મુંબઈ મહાનગરપાલિકા તથા થાણે અને કલ્યાણ સહિતની મહાનગરપાલિકાઓના કોર્પોરેટરો પણ શિંદે જૂથમાં જોડાઈ ગયા હતા. મુંબઈ સહિત ઠેર ઠેર આવેલી શિવસેનાની શાખા ઓફિસો પર પણ શિંદે જૂથના પદાધિકારીઓએ કબજો જમાવી દીધો હતો. ગત દશેરાએ બંને જૂથે સમાંતર રેલીઓ યોજી હતી તેમાં પણ શિંદે જૂથે પોતાનું શક્તિ પ્રદર્શન કરી અસલી સંગઠન પોતાની સાથે હોવાનું સ્પષ્ટ રીતે દર્શાવી આપ્યું હતું.