×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીન માટે જાસૂસીના આરોપી પત્રકાર રાજીવ શર્માની ઇડીએ મની લોન્ડરિંગના કેસમાં કરી ધરપકડ

નવી દિલ્હી, 3 જુલાઇ 2021 શનિવાર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ (પીએમએલએ) હેઠળ દિલ્હી સ્થિત એક ફ્રીલાન્સ પત્રકાર રાજીવ શર્માની ધરપકડ કરી છે. તેમના પર ચાઇનીઝ ગુપ્તચર અધિકારીઓને પૈસાના બદલામાં ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પહોંચાડવાનો આરોપ છે. 

ઇડીનાં પહેલા દિલ્હી પોલીસના વિશેષ સેલે સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી પાસેથી મળેલી માહિતીના આધારે ગત વર્ષે 14 સપ્ટેમ્બરે રાજીવ શર્માની ધરપકડ કરી હતી. તેમની ધરપકડ દરમ્યાન તેમની પાસેથી સંરક્ષણ મંત્રાલયના ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા હતા. પોલીસે પત્રકારની પૂછપરછ કર્યા બાદ એક ચીની મહિલા અને તેના નેપાળી સાથીની પણ ધરપકડ કરી હતી.

રાજીવ શર્માની ધરપકડ બાદ દિલ્હી પોલીસે દાવો કર્યો હતો કે તેમણે ચીનની ગુપ્તચર એજન્સીને મહત્વપૂર્ણ સંરક્ષણ સંબંધિત માહિતી આપીને દોઢ વર્ષમાં 40 લાખ રૂપિયાની કમાણી કરી હતી. રાજીવ શર્મા દરેક માહિતીનાં બદલામાં 1000 ડોલર મેળવતો હતો. સ્પેશિયલ સેલના ડીસીપી સંજીવ કુમાર યાદવે કહ્યું કે રાજીવ શર્મા ચીનના અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ'માં સંરક્ષણ બાબતો પર લેખો લખતો હતો અને વર્ષ 2016 માં ચીની એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. તે ચીનના ગુપ્તચર અધિકારીઓના સંપર્કમાં પણ હતો. 

તે ચીની ગુપ્તચર અધિકારીઓને 2016 થી 2018 સુધી સંવેદનશીલ સંરક્ષણ અને વ્યૂહાત્મક માહિતી પહોંચાડવામાં સામેલ હતો. આ માટે, તે વિવિધ દેશોમાં ઘણા સ્થળોએ ચીની ગુપ્તચર અધિકારીઓને પણ મળતો હતો. આ બેઠકોમાં ભારત-ચીન સરહદના મુદ્દા, સરહદ પર સેનાની તહેનાત અને સરકાર દ્વારા તૈયાર કરાયેલી વ્યૂહરચના અંગે માહિતી આપવામાં આવી હતી.