×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીની સૈનિકો લદ્દાખ મોરચા પર આકરી ઠંડીમાં પરેશાન, 90 ટકા સૈનિકોનુ રોટેશન

નવી દિલ્હી,તા.6 જૂન 2021,રવિવાર

પૂર્વ લદ્દાખ મોરચે ભારતીય સેનાની સામે ચીને તૈનાત કરેલા સૈનિકો માટે આકરી ઠંડી સહન કરવી મુશ્કેલ બની રહી છે. જેના કારણે ચીનની સેનાએ પોતાના 90 ટકા સૈનિકોનુ રોટેશન કર્યુ છે. બીજા શબ્દોમાં કહીએ તો 90 ટકા સૈનિકોને સમયાંતરે હટાવીને તેમની જગ્યાએ નવા સૈનિકો તૈનાત કરવામાં આવી રહ્યા છે.

ગયા વર્ષે એપ્રિલ-મેમાં લદ્દાખ મોરચે ચીને પોતાના 50000 સૈનિકોને સરહદની નજીક તૈનાત કર્યા છે. તો બીજી તરફ ભારતીય સેના પણ સતર્ક છે અને ચીનની તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, છેલ્લા એક વર્ષમાં ચીને 90 ટકા સૈનિકોનુ રોટેશન કર્યુ છે. જેની પાછળનુ કારણ ઉચાંઈવાળા વિસ્તારોમાં પડી રહેલી ઠંડી અને બીજી મુશ્કેલીઓ હોઈ શકે છે.

એવુ મનાય છે કે, અહીંયા ઠંડીના કારણે ચીની સૈનિકો પ્રભાવિત થયા છે. પેંગોગ લેક પાસે પણ જ્યારે ચીની સૈનિકો તૈનાત હતા ત્યારે તેમને ઉંચાઈવાળી ચોકીઓ પર રોજ રોટેટ કરવામાં આવી રહ્યા હતા.

બીજી તરફ ભારતીય સૈનિકોને ઠંડીમાં ફરજ બજાવવાનો ખાસો અનુભવ છે અને તેઓ શારીરિક રીતે પણ એટલા સજ્જ છે. દર વર્ષે ભારત 50 ટકા જેટલા સૈનિકોનુ જ રોટેશન કરે છે  અને આઈટીબીપીના જવાનો તો ક્યારેક બે વર્ષ સુધી પણ પહાડી વિસ્તારોમાં ફરજ બજાવતા હોય છે.

ભારતીય સેના પણ અહીંયા ગયા વર્ષથી તૈનાત છે. તાજેતરમાં જ સેનાના વરિષ્ઠ અધિકારીઓએ અહીંયા મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. ભારતીય સેનાના વડા જનરલ મનોજ નરવણે પણ અવાર નવાર લદ્દાખ સેક્ટરની મુલાકાત લેતા હોય છે.