×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીનમાં વિમાન તૂટી પડતા 132 પ્રવાસીઓનાં મોત


- બોઈંગ-737 વિમાન દક્ષિણ ચીનના કુનમિંગથી ગોન્ઝાઉ જવા ઉડયું હતું  

- 29,100 ફૂટની ઊંચાઈએથી વિમાન માત્ર અઢી મિનિટમાં ઊંધા માથે ખાબક્યું : પ્લેનક્રેશનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ 

- 650 ફાયરફાઈટર્સ અને 23 વાહનોનું દૂર્ગમ પહાડીઓમાં રેસ્કયુ ઓપરેશન 

- ચીનના પ્રમુખ જિનપિંગે દૂર્ઘટના અંગે તપાસપંચની રચના કરી

બેઈજિંગ : ચીનના કુનમિંગ શહેરથી ગુઆનઝોઉ જવા નીકળેલું બોઈંગ-૭૩૭ પેસેન્જર વિમાન ટેન્શિયાન કાઉન્ટીની પહાડીઓમાં તૂટી પડયું હતું. એમાં ૧૨૩ મુસાફરો અને ૯ ક્રુ મેમ્બર્સ સવાર હતા. એ તમામના મોત થયાની આશંકા છે. જે ગતિએ વિમાન ક્રેશ થયું તે જોતાં દૂર્ગમ પહાડીઓ વચ્ચે મુસાફરો જીવતા હોવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ચીનના પ્રમુખ જિનપિંગે ઘટનાના કારણ માટે તપાસપંચની રચના કરી છે.

ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સનું વિમાન બોઈંગ-૭૩૭ દક્ષિણ ચીનના કુનમિંગ શહેરથી ગુઆનઝોઉ જવા માટે નીકળ્યું હતું. એ દરમિયાન વચ્ચે વિમાનમાં કંઈક ખામી સર્જાઈ હોવાની શક્યતા છે. તેના કારણે વિમાન ૨૯,૧૦૦ ફૂટની ઊંચાઈએથી ટેન્શિયાન કાઉન્ટીમાં આવેલી પહાડીઓ વચ્ચે તૂટી પડયું હતું. ૨૯,૧૦૦ ફૂટની ઊંચાઈએથી સામાન્ય રીતે વિમાનને નીચે આવતા ૩૦ મિનિટ જેટલો સમય લાગતો હોય છે. તેના બદલે આ વિમાન માત્ર અઢી મિનિટમાં નીચે ખાબક્યું હતું. એનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એ વીડિયો પરથી જણાય છે કે વિમાન તૂટીને તીવ્ર ગતિએ નીચેની તરફ ખાબક્યું હતું.

ચીનની સરકારે ૬૫૦ ફાયર ફાઈટર્સને પહાડીઓની બંને તરફથી પ્લેનક્રેશની સંભવિત સાઈટ તરફ રવાના કર્યા હતા. જોકે, વિમાન ખૂબ જ દૂર્ગમ પહાડીઓની વચ્ચે તૂટી પડયું હોવાથી તુરંત ત્યાં સુધી પહોંચવાનું ખૂબ જ મુશ્કેલ હોવાનું સ્ટેટ ઈમરજન્સી વિભાગે કહ્યું હતું. આ ફાયર ફાઈટર્સની સાથે ૨૩ વાહનોને પહાડીઓ તરફ મોકલાયા હતા. વિમાન જે પહાડીઓમાં તૂટી પડયું ત્યાં આગ ફાટી નીકળી હોવાનું જણાયું હતું. 

કેટલા લોકોનાં મોત થયા છે તે બાબતે ચીનની સરકારે સત્તાવાર રીતે કોઈ જ આંકડો જાહેર કર્યો ન હતો, પરંતુ વિમાન જે ગતિએ તૂટી પડયું અને એમાં આગ ફાટી નીકળી હતી તેને જોઈને નિષ્ણાતોએ તમામ કમભાગી મુસાફરોના મોત થયાની આશંકા વ્યક્ત કરી હતી.

ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ ચીનની ટોચની ત્રણ એરલાઈન્સ પૈકીની એક છે. વિમાનમાં તે પહેલાં કોઈ ગરબડી હોવાના રીપોર્ટને એરલાઈન્સના અધિકારીઓએ નકાર્યો હતો. ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સનું બોઈંગ-૭૩૭ વિમાન છ વર્ષ જૂનું હતું. આ દૂર્ઘટના પછી ચીની એરલાઈન્સની વેબસાઈટને બ્લેક એન્ડ વ્હાઈટ કરી દેવામાં આવી હતી. 

એવિએશન સેફ્ટી નેટવર્કના કહેવા પ્રમાણે ચીનમાં છેલ્લે ૨૦૧૦માં મોટો વિમાની અકસ્માત નોંધાયો હતો, જેમાં ૪૨ મુસાફરોનાં મોત થયા હતા. એ વિમાનમાં ૯૬ મુસાફરો સવાર હતા. છેલ્લાં એક દશકાથી ચીનમાં એક પણ વિમાનને અકસ્માત નડયો ન હતો. એ પહેલાં ૧૯૯૪માં ગંભીર વિમાની અકસ્માત થયો હતો, જેમાં ૧૬૦ મુસાફરોનાં મોત થયા હતા. એ સિવાય ચીનનો એવિએશન રેકોર્ડ ઉજળો ગણાય છે.

બોઈંગ-737 વિમાનોને સર્વેલન્સમાં રાખવાનો સિવિલ એવિએશનના ડિરેક્ટરનો આદેશ

ચીનમાં બોઈંગ-૭૩૭ વિમાન રહસ્યમય સંજોગોમાં તૂટી પડયું તે પછી ભારતના સિવિલ એવિએશનના ડિરેક્ટર જનરલે આ પ્રકારના વિમાનોને સર્વેલન્સમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

 ભારતમાં બોઈંગ-૭૩૭ પ્રકારના વિમાનો ત્રણ એરલાઈન્સ પાસે છે. સ્પાઈસજેટ, વિસ્તારા એરલાઈન્સ અને એર ઈન્ડિયા એક્સપ્રેસમાં બોઈંગ-૭૩૭ વિમાનો કાર્યરત છે. ચીનમાં થયેલી દૂર્ઘટના પછી સિવિલ એવિએશનના ડિરેક્ટર જનરલ અરૂણ કુમારને ભારતીય એરલાઈન્સમાં વપરાતા આ પ્રકારના વિમાનોની સુરક્ષા બાબતે પૂછવામાં આવ્યું હતું. અરૂણ કુમારે કહ્યું હતું કે ફ્લાઈટ સેફ્ટી ખૂબ જ મહત્વની છે. એમાં કોઈ જ બાંધછોડ થશે નહીં. બધા જ બોઈંગ-૭૩૭ વિમાનોની નિરીક્ષણ કરાશે.