×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીનમાં કોરોનાના વેરીઅન્ટ એક્સબીબીનો ખોફ : જુનમાં 6.5 કરોડ કેસ નોંધાશે


- ચીનમાં કોરોનાની બે નવી રસીઓને મંજૂરી

- ચીનના ટોચના શ્વસનતંત્ર નિષ્ણાત ઝોંગ નાનશાનની આગાહીથી ચિંતાનો માહોલ  

બિજિંગ : ચીનમાં ફરીએકવાર કોરોના મહામારી નવા સ્વરૂપે ફેલાવાના એંધાણથી લોકોના જીવ પડીકે બંધાયા છે. ચીનના ટોચના શ્વસનતંત્રના રોગોના નિષ્ણાત ઝોંગ નાનશાને ગુઆંગઝુમાં એક બાયોટેક કોન્ફરન્સમાં ચિંતાજનક આગાહી કરતાં જણાવ્યું હતું કે ચીનમાં કોરોનાના ચેપના નવા મોજા આવી રહ્યા છે. કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટ એક્સબીબીનો ચેપ ફલાવાથી જુનના અંત સુધીમાં દર અઠવાડિયે સાડા છ કરોડ કોરોનાના કેસો નોંધાવાની સંભાવના છે. એપ્રિલના અંતભાગથી આ નવો વરિઅન્ટ એક્સબીબી ચીનમાં નવેસરથી કોરોનાનો ચેપ ફેલાવી રહ્યો હોવાનું જણાયું છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ એક્સબીબી વેરિઅન્ટ સામે રસી વિકસાવવા તાકીદ કરી 

બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર એક્સબીબી વેરિઅન્ટને કારણે મે મહિનાના અંત સુધીમાં દર અઠવાડિયે કોરોનાના નવા ચાર કરોડ કેસ નોંધાશે. જે એક મહિના પછી સાડા છ કરોડ કેસની ટોચે પહોંચશે. ૧.૪ અબજની વસ્તી ધરાવતાં ચીને બિજિંગમાં લગભગ છ મહિના અગાઉ ઝીરો કોવિડ નિયંત્રણોનો અંત આણ્યો તે સાથે ચાઇનીઝ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન  દ્વારા આ મહિનાની શરૂઆતથી કોરોનાના ચેપના અઠવાડિક આંકડા જારી કરવાનું બંધ કરી દેવામાં આવ્યું હોઇ ચીનમાં કોરોનાની સાચી સ્થિતિ શું છે તેની કોઇને ખબર નથી. 

ઝોંગના અંદાજ અનુસાર કોરોનાના ચેપનું નવું મોજું ગયા વર્ષે જાન્યુઆરીમાંઆવેલા કોરોનાના મોજાની સરખામણીમાં વધારે વિનાશકારી હશે. એ સમયે ઓમિક્રોનના વિવિધ વેરિઅન્ટના રોજ સાડા ત્રણ કરોડ કરતાં વધારે કેસો નોંધાયા હતા. જેને કારણે હોસ્પિટલો અને સ્મશાનગૃહો ઉભરાઇ ગયા હતા. ચીને કોરોનાના આ નવા મોજાનો સામનો કરવા માટે બે નવી રસીઓને વિકસાવવા માટે પ્રાથમિક મંજૂરીઓ આપી દીધી છે. બીજી ચાર રસીઓને પણ ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવશે. ઝોંગે જણાવ્યું હતું કે આપણે વધારે અસરકારક રસીઓને વિક્સાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે મોખરે રહીશું. ઝોંગે જણાવ્યું હતું કે ચીનમાં કોરોનાના નવા વેરિઅન્ટનું મોજું એપ્રિલના મધ્યમાં શરૂ થયું હતું જે જુનના અંતમાં પરકાષ્ટાએ પહોંચીને દર અઠવાડિયે સાડા છ કરોડ કેસે પહોંચશે. ઝોંગે જણાવ્યું હતું કે તેની આગાહી ડેટા મોડેલ પર આધારિત છે જે ચોકસાઇપૂર્ણ ન પણ હોય. 

વિશ્વ આરોગ્ય સંસ્થા-હૂની તાજેતરમાં બહાર પડાયેલી એડવાઇઝરીમાં પણ આ વર્ષે કોરોનાના બૂસ્ટર શોટને એક્સબીબી વેરિઅન્ટને લક્ષ્ય બનાવવાની ભલામણ કરવામા ંઆવી હતી. એક્સબીબી ૧.૫ અથવા એક્સબીબી ૧.૬ વેરિઅન્ટ્સના ચેપના પ્રતિભાવમાં એન્ટીબોડીઝ પેદાં થાય તેવા નવા ફોર્મ્યુલેશન્સ બનાવવા પર ભાર મુકવામાં આવ્યો છે. આ એડવાઇઝરી જૂથે ભાવિ રસીઓમાં કોરોનાના મૂળ સ્ટ્રેઇનને સામેલ ન કરવા સૂચવ્યું છે. કેમ કે આ સ્ટ્રેઇન હવે માણસોમાં પ્રસરેલો નથી.