×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીનનું અર્થતંત્ર ધડામ : બીજા ત્રિમાસિકગાળામાં GDP માત્ર 0.4%

અમદાવાદ,તા.15 જુલાઈ 2022,શુક્રવાર

વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી ઈકોનોમી અને મેટલ સેક્ટરના માંધાતા ગણાતા ચીનના અર્થતંત્રમાં અગાઉ બેંકિંગ અને રિયલ એસ્ટેટ સેક્ટરની સમસ્યાઓ અને બાદમાં કોરોનાના ઓછાયાને કારણે સ્થિતિ ખરાબ થઈ રહી છે. આજે જાહેર થયેલ ચીનના બીજા ત્રિમાસિકગાળાના વિકાસ દરના આંકડા અનુમાનથી પણ ખૂબ ખરાબ રહ્યાં હતા.

કેલેન્ડર વર્ષના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ચીનનો જીડીપી વૃદ્ધિ દર એક વર્ષ અગાઉની સરખામણીમાં 0.4 ટકા રહ્યો છે. કોરોના વાયરસ અને તેને કારણે લાદવામાં આવેલ પ્રતિબંધોને કારણે અર્થવ્યવસ્થાને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. રોઈટર્સે ચીનના જીડીપી દરમાં બીજા ક્વાર્ટરમાં 1 ટકાના વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો હતો.

ચીનનો આ 0.40%નો જીડીપી દર 1992ની ગણતરીની શરૂઆત બાદનો બીજો સૌથી ખરાબ આંકડો છે. ઈતિહાસનો સૌથી ખરાબ વૃદ્ધિદર 2020ના પ્રથમ કવાર્ટરમાં જોવા મળ્યો હતો કારણે તે સમયે ચીન અને સમગ્ર વિશ્વ કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે થંભી ગયું હતુ અને સૌથી મોટા લોકડાઉનની જાહેરાતો થઈ હતી. ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં ચીનનો જીડીપી આંક 4.8% હતો. જોકે છ મહિના માટે વાર્ષિક 2.5%નો GDP વૃદ્ધિદર નોંધાયો છે.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ચીન અને વિશ્વની સપ્લાય ચેઈન ખોરંભે ચઢતા ચીનનો વિકાસદર રૂંધાયો હોવાનું પણ માર્કેટ એક્સપર્ટસનું માનવું છે. 

જૂનમાં રિટેલ સેલ્સને ઓટો, કોસ્મેટિક્સ અને ફાર્માસ્યુટિકલ્સ સહિતના સેક્ટરમાં ખર્ચ દ્વારા ટેકો મળ્યો હતો. પરંતુ કેટરિંગ, ફર્નિચર અને બાંધકામ સામગ્રી જેવા સેગમેન્ટમાં ઘટાડો જોવા મળ્યો હતો. છૂટક વેચાણમાં ફિઝિકલ ગુડ્સના ઓનલાઈન વેચાણમાં એક વર્ષ અગાઉની સરખામણીએ જૂનમાં 8.3 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી, જે અગાઉના મહિનામાં 14 ટકાની વૃદ્ધિથી ઓછી હતી.

વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ફિક્સ્ડ એસેટ ઈન્વેસ્ટમેન્ટ 6 ટકાના અંદાજની સામે 6.1 ટકા રહ્યું હતું.


રિયલ એસ્ટેટ ક્ષેત્રની ખરાબ હાલત

માસિક ધોરણે કુલ ફિક્સ્ડ એસેટ રોકાણ મેની સરખામણીએ જૂનમાં 0.95 ટકા વધ્યું હતું. જો કે તેના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. તે જ સમયે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગમાં રોકાણની વૃદ્ધિ મે કરતાં મંદ રહી હતી. બીજી તરફ રિયલ એસ્ટેટમાં વૃદ્ધિમાં ઘટાડો નોંધાયો હતો. રિયલ એસ્ટેટમાં રોકાણ એક વર્ષ અગાઉની સરખામણીએ વર્ષના પ્રથમ છ મહિનામાં 5.4 ટકા ઘટ્યું હતું, જે વર્ષના પ્રથમ પાંચ મહિનામાં 4 ટકાના ઘટાડા કરતાં વધુ ખરાબ હતું.

ઔદ્યોગિક ઉત્પાદન પણ અપેક્ષા કરતા ઓછું

બીજી તરફ જૂનમાં ઔદ્યોગિક ઉત્પાદન પણ અપેક્ષા કરતાં ઓછું હતું, જે એક વર્ષ અગાઉની સરખામણીમાં 3.9 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જોકે બજારને 4.1 ટકા વૃદ્ધિની અપેક્ષા હતી.

બીજી બાજુ છૂટક વેચાણમાં 3.1 ટકાનો વધારો થયો હતો. ગત મહિને યોજાયેલા પ્રમોશનલ શોપિંગ ફેસ્ટિવલથી મોટી ઈ-કોમર્સ કંપનીઓને ફાયદો થયો હતો.

ચીનની રાષ્ટ્રીય અને આર્થિક રાજધાની શાંઘાઈ સહિત દેશભરના મુખ્ય શહેરોમાં માર્ચ અને એપ્રિલમાં સંપૂર્ણ અથવા આંશિક લોકડાઉન લદાતા બીજા ક્વાર્ટરમાં શાંઘાઈના જીડીપીમાં વાર્ષિક ધોરણે 13.7%નો ઘટાડો જોવા મળ્યો હતો. સમાન ત્રિમાસિક ગાળામાં રાજધાની બેઇજિંગમાં ઉત્પાદન વાર્ષિક ધોરણે 2.9% ઘટ્યું હતું.