×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીનની 'ઝીરો કોવિડ પોલિસી', સંક્રમિતોને મેટલ બોક્સમાં કેદ કરાયા, લાખો લોકો શિબિરમાં


- કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવવા પર લોકોને 2 સપ્તાહ માટે આ બોક્સમાં કેદ કરી દેવામાં આવે છે

- જો કોઈ વિસ્તારમાં એક વ્યક્તિ પણ સંક્રમિત આવે તો સમગ્ર વિસ્તારના લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે

નવી દિલ્હી, તા. 13 જાન્યુઆરી, 2022, ગુરૂવાર

ચીન પોતાની 'ઝીરો કોવિડ પોલિસી' અંતર્ગત પોતાના જ નાગરિકો સાથે રમત કરી રહ્યું છે. સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલા કેટલાક વીડિયોથી જાણવા મળે છે કે, ત્યાં લાખો લોકોને ક્વોરેન્ટાઈન શિબિરોમાં રાખવામાં આવ્યા છે અને અનેક સંક્રમિત દર્દીઓને મેટલ બોક્સમાં કેદ કરી દેવામાં આવ્યા છે. આગામી મહિને ચીન વિન્ટર ઓલમ્પિકની યજમાની કરવાનું છે જેને ધ્યાનમાં રાખીને સખ્તી વધારી દેવામાં આવી છે. 

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા ચીનના વીડિયો પરથી જાણવા મળે છે કે, ત્યાં આકરા પ્રતિબંધોના નામ પર નાગરિકો સાથે કયા પ્રકારનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તે કોઈ ખરાબ સપનાથી ઓછું નથી. ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને પણ મેટલના આ બોક્સમાં રાખવામાં આવી રહ્યા છે. કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવવા પર લોકોને 2 સપ્તાહ માટે આ બોક્સમાં કેદ કરી દેવામાં આવે છે. તેમાં લાકડાનો પલંગ અને ટોયલેટ બનાવવામાં આવેલા છે. 

અડધી રાતે ઘર છોડી કેમ્પમાં જવા કહે

જાણવા મળ્યા મુજબ જો કોઈ વિસ્તારમાં એક વ્યક્તિ પણ સંક્રમિત આવે તો સમગ્ર વિસ્તારના લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. તેમને બસમાં ભરીને કેમ્પમાં લઈ જવામાં આવે છે. એવું કહેવાય છે કે, સંક્રમિત વ્યક્તિ નોંધાયા બાદ અનેક વિસ્તારના લોકોને અડધી રાતે ઘર છોડીને ક્વોરેન્ટાઈન કેમ્પમાં જવા માટે કહેવામાં આવે છે. ચીનમાં સંક્રમિતો અને તેમના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ મેળવવા માટે પણ આકરી નીતિ છે. તેના અંતર્ગત દરેક વ્યક્તિએ પોતાના ફોનમાં 'ટ્રેક એન્ડ ટ્રેસ' એપ રાખવી ફરજિયાત છે. તેમાં કોઈ વ્યક્તિ સંક્રમિત આવે તો તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને શોધીને ક્વોરેન્ટાઈન કેમ્પમાં મોકલી દેવામાં આવે છે. 

તિયાનજિનમાં હડકંપ

આ તરફ ચીનના તિયાનજિન શહેરમાં ગત રોજ ઓમિક્રોનના કેસ મળ્યા બાદ હડકંપ મચી ગયો છે. લોકોને લોકડાઉનની આશંકા છે અને ડરના માર્યા તેઓ ખાવા-પીવાની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. 

2 કરોડ લોકો ઘરમાં કેદ

ચીનમાં આશરે 2 કરોડ લોકોને ઘરમાં કેદ કરી દેવામાં આવ્યા છે. એટલે સુધી કે, તેમને ખાવા-પીવાની વસ્તુ ખરીદવા માટે પણ ઘરની બહાર નથી જવા દેવાતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે તાજેતરમાં એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલ ન જવા દેવામાં આવી જેથી તેનો ગર્ભપાત થઈ ગયો. ત્યાર બાદ ચીનમાં આકરા કોવિડ નિયમોને લઈ વિવાદ છેડાયો છે. 

શહેર છોડી રહ્યા છે લોકો

ચીનમાં લોકડાઉનને લઈને પણ આકરા નિયમો છે. જો કોઈ શહેરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું તો સમજો મૃત્યુ નિશ્ચિત છે. આ ડરના કારણે જ કેટલાક લોકો શહેર છોડીને ભાગતા જોવા મળી રહ્યા છે. સાંગપિયાંગ નામના એક ચીની નાગરિકે ટ્વિટર પર આકરી કોવિડ નીતિ અને તેના નામે નાગરિકો પર જે પ્રકારે દમન થઈ રહ્યો છે તેનો વીડિયો શેર કર્યો છે. 

2019ના વર્ષમાં કોરોના વાયરસ ચીનમાંથી જ સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. ત્યાર બાદ ચીને ખૂબ જ આકરૂં લોકડાઉન લાગુ કર્યું હતું. તે સમયે પણ ચીનના આકરા કોવિડ નિયમોના વીડિયો સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યા હતા.