×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીનની અવળચંડાઈ : યુદ્ધ અભ્યાસના નામે તાઈવાનના પૂર્વ ભાગ પર મિસાઇલ હુમલા


- ચીન યુદ્ધ અભ્યાસ પોતાની હદમાં નહીં કરે તો પોતાના સ્વરંક્ષણ માટે કોઈ પણ ભોગે ચીનને વળતો જવાબ આપવાની તાઈવાનની ચિમકી

નવી દિલ્હી, તા. 04 ઓગષ્ટ 2022, ગુરૂવાર

નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતથી અકળાયેલા ચીને યુદ્ધાભ્યાસ કરવાની જાહેરાત કરી હતી. નેન્સી પેલોસીએ તાઈવાન છોડ્યા બાદ આક્રમક બનેલા ચીને હવે તાઈવાનને સબક શીખવવા અમૂક ભાગોમાં હુમલા શરૂ કર્યા છે. યુદ્ધ અભ્યાસના નામે ચીનની આર્મીએ એકાએક તાઈવાનના પૂર્વ ભાગોમાં હુમલા કર્યા છે. લગભગ 10 ચીની સૈનિકોના જહાજોએ અસ્થાયી રૂપે તાઈવાન સ્ટ્રેટ મીડિયન લાઈનને ઓળંગી ગયા હતા અને બુધવાર રાત્રેથી ગુરૂવાર બપોરના સમય સુધી આ વિસ્તારમાં રહ્યા હતા. ચીની સેનાએ તાઈવાનની સમુદ્ધધુનીમાં નિશ્ચિત સ્થાનોએ નિશાન તાકી મિસાઈલ્સ છોડ્યા છે.

તાઈવાને સામે પક્ષે ચીનને સ્વરક્ષામાં વળતો પ્રહાર કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે. જો ચીન યુદ્ધ અભ્યાસ પોતાની હદમાં નહીં કરે અને જો તાઈવાનની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરશે તો તાઈવાન પોતાના સ્વરંક્ષણ માટે કોઈ પણ ભોગે ચીનને વળતો જવાબ આપશે. 

તાઈવાન અને ચીન વચ્ચેનો જંગ ખૂબ જ લાંબા સમયથી ચાલી આવે છે. 1949માં કોમ્યુનિસ્ટ પાર્ટીએ સિવિલ વોરમાં વિજય મેળવ્યો હતો. ત્યારથી બંને ક્ષેત્રો પોતપોતાને એક દેશ માને છે પરંતુ વિવાદ એ વાતનો છે કે, રાષ્ટ્રીય નેતૃત્વ કઈ સરકાર કરશે. ચીન દ્વારા તાઈવાનને પોતાનો પ્રાંતમ માનવામાં આવે છે. જ્યારે તાઈવાન પોતાને એક આઝાદ દેશ માને છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ બંને વચ્ચે અણબનાવની શરૂઆત થઈ હતી. તે સમયે ચીનના મેનલેન્ડમાં ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી તથા કુઓમિતાંગ વચ્ચે જંગ ચાલતો હતો. 

ચીનની તમામ ધમકીઓની અવગણના કરીને અમેરિકી સ્પીકર નેન્સી પેલોસી આખરે તાઈવાન પહોંચી ગયા હતા. જોકે, તેમના આ પ્રવાસથી અકળાયેલા ચીને હવે તાઈવાન પરની ભીંસ જાળવી રાખવા માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે. આ અગાઉ ચીને તાઈવાનથી આયાત કરવામાં આવતા ખાટાં ફળો, સફેદ ધારવાળી હેયરટેલ માછલી અને ફ્રોઝન હોર્સ મૈકેરલ માછલીની આયાત પર પ્રતિબંધ મુકી દીધો છે. અગાઉ ચીને પોતે ઓગષ્ટ મહિનાથી તાઈવાનને પ્રાકૃતિક રેતીની નિકાસ પર પ્રતિબંધ મુકી દેશે તેમ જણાવ્યું હતું.