×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીનના લોકો પર સૌથી વધારે દેવું, પાકિસ્તાનીઓની હાલત પણ ખરાબ…ભારત કરતાં બાંગ્લાદેશ ઉત્તમ!


- ચીનના પ્રત્યેક નાગરિકના માથે 8,971.74 ડોલરનું દેવું, ભારતમાં નાગરિકોનું સરેરાશ માથાદીઠ દેવું 407.14 ડોલરનું 

નવી દિલ્હી, તા. 20 ડિસેમ્બર, 2021, સોમવાર

કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ કારણે એક બાજુ કમાણીમાં ભારે ઘટાડો થયો છે અને બીજી બાજુ હેલ્થ ઈન્ફ્રાને મજબૂત બનાવવા માટેના ખર્ચામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ કારણે સરકારો પર એક્સટર્નલ ડેબ્ટ (બાહ્ય દેવું) વધી ગયું છે. 

ભારત અને પાડોશી દેશોની સરખામણી કરીએ તો ચીન સૌથી વધારે દેવામાં છે જ્યારે બાંગ્લાદેશ ઉપર સૌથી ઓછી ઉધારી છે. પહેલેથી જ બિસ્માર હાલતમાં રહેલા પાકિસ્તાન પરના દેવાએ હાલ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. 

રેકોર્ડ સ્તરે પાકિસ્તાનનું દેવું

સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના આંકડાઓ પ્રમાણે વર્તમાન ઈમરાન ખાન સરકારના કાર્યકાળમાં 20.7 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાની નવી લોન લેવામાં આવી છે. આ કારણે પાકિસ્તાનનું કુલ બાહ્ય દેવું વધીને પહેલી વખત 50.5 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાના સ્તરને પાર કરી ગયું છે. દેવાની આ રકમ ડોલરમાં આશરે 283 અબજ ડોલરની છે. યુનાઈટેડ નેશન્સના વર્લ્ડોમીટરના આંકડાઓ પ્રમાણે પાકિસ્તાનની કુલ જનસંખ્યા હાલ 22,71,41,523 છે. આ કારણે પાકિસ્તાનના પ્રત્યેક નાગરિક પર હાલ આશરે 1230.50 ડોલરની ઉધારી છે. 

પ્રત્યેક ભારતીય પર 407 ડોલરનું દેવું 

ભારતની વાત કરીએ તો કુલ વસ્તીનો તાજેતરનો આંકડો 1,39,97,91,068 છે. માર્ચ 2012માં સમાપ્ત થયેલા ફાઈનાન્સિયલ યર બાદ ભારત પર કુલ બાહ્ય દેવું 570 અબજ ડોલરનું છે. કોરોનાના પ્રકોપ હેઠળના એક ફાઈનાન્સિયલ યર (FY21)માં આ દેવું 11.6 અબજ ડોલર વધ્યું છે. આમ પ્રત્યેક ભારતીયના માથે 407.14 ડોલરનું દેવું બેસે છે. 

ચીનના નાગરિકોના માથે રેકોર્ડ દેવું

દેવા મામલે જીડીપીના આકારના હિસાબથી વિશ્વના બીજા સૌથી મોટા અર્થતંત્ર ચીનની સ્થિતિ સારી નથી. ચીન ઉપર કુલ બાહ્ય દેવું 13,009.03 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે છે. છેલ્લા કેટલાક દશકામાં ચીને આર્થિક રીતે જોરદાર વિકાસ કર્યો છે પરંતુ આ સાથે જ બાહ્ય દેવું પણ મોટા પાયે વધ્યું છે. સરકારના અનેક પ્રયત્નો છતાં તે નિયંત્રિત નથી થઈ રહ્યું. વર્લ્ડોમીટરના હિસાબથી ચીન હાલ 1,44,74,48,228 લોકોની વસ્તી સાથે વિશ્વની સૌથી વધારે જનસંખ્યા ધરાવતો દેશ છે. આ રીતે ચીનના પ્રત્યેક નાગરિકના માથે 8,971.74 ડોલરનું દેવું છે. 

બાંગ્લાદેશની સ્થિતિ ભારત કરતા સારી

કુલ દેણાંની સાથે જ માથાદીઠ દેવા મામલે બાંગ્લાદેશની સ્થિતિ પોતાના પાડોશીઓ કરતા સારી છે. હાલ બાંગ્લાદેશની જનસંખ્યા 16,63,03,498 છે જ્યારે કુલ બાહ્ય દેવું 45 અબજ ડોલર છે. કુલ દેવા અને વસ્તીને જોઈએ તો બાંગ્લાદેશના પ્રત્યેક નાગરિકના માથે માત્ર 264.70 ડોલરનું સરેરાશ દેવું છે જે ચીન અને પાકિસ્તાનની સરખામણીએ ખૂબ જ ઓછું છે. એટલે સુધી કે, તે ભારતની સરખામણીએ પણ લગભગ અડધું છે.