×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીનના દેવામાં ડૂબેલું શ્રીલંકા નાદાર થયું 5100 કરોડ ડોલરની લોન ચૂકવવા અક્ષમ


- વિદેશી દેવું ચૂકવવા આઈએમએફ સમક્ષ બેલઆઉટ પેકેજ માગ્યું

- વિદેશી લેણદારો બાકી દેવું વગર વ્યાજે અથવા શ્રીલંકન રૂપિયામાં ચૂકવણીનો વિકલ્પ પસંદ કરવા સ્વતંત્ર : શ્રીલંકા

- શ્રીલંકા પર ચીનના દેવાનો હિસ્સો 15 ટકા, લંકા માટે દેવાની ચૂકવણી કરવી પડકારજનક અને અશક્ય : નાણામંત્રાલય

કોલંબો : કોરોના મહામારીના કારણે આર્થિક સંકટમાં ફસાયેલા શ્રીલંકાએ મંગળવારે વિદેશી દેવું ચૂકવવામાં નાદારી જાહેર કરી દીધી હતી. પ્રવાસન ક્ષેત્ર પર નિર્ભર શ્રીલંકા હાલ આઝાદી પછી સૌથી ભયાનક આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે નાણામંત્રાલયે મંગળવારે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળનું ૫૧૦૦ કરોડ ડોલરનું દેવું ચૂકવવામાં અક્ષમતા જાહેર કરી છે. શ્રીલંકાને વિદેશી દેવા અંગે આઈએમએફમાંથી બેલઆઉટ પેકેજ મળવાની આશા હતી, પરંતુ હજુ સુધી તેને મંજૂરી મળી નથી. શ્રીલંકાના નાણામંત્રાલયે જણાવ્યું કે, ક્રેડિટર્સ મંગળવારે બપોરથી તેમનું બાકી દેવું કોઈપણ વ્યાજની ચૂકવણી વિના અથવા શ્રીલંકન રૂપિયામાં ચૂકવણીનો વિકલ્પ પસંદ કરવા સ્વતંત્ર છે. શ્રીલંકાના કુલ દેવામાં ૪૭ ટકા દેવું તેણે બજારમાંથી લીધું છે, જેમાં ૧૫ ટકા દેવું ચીનનું છે.

શ્રીલંકાએ નાદારીને અત્યંત જરૂરી ચીજવસ્તુઓની આયાત કરવા માટે વિદેશી હૂંડિયામણ અનામત સમાપ્ત થયા પછી આ પગલાંને 'છેલ્લો ઉપાય' ગણાવ્યો હતો. ભયંકર આર્થિક સ્થિતિને કારણે શ્રીલંકાની સેન્ટ્રલ બેંકે ગત સપ્તાહે જ વ્યાજદર બમણા કરતા પણ વધુ વધાર્યા છે અને થાપણના દર પણ ડબલ કર્યા હતા. આર્થિક મંદીની સાથે વીજળીની અછતના કારણે શ્રીલંકનવાસીઓ નિયમિત અંધારપટનો સામનો કરી રહ્યા હતા. વધુમાં આર્થિક કટોકટીના કારણે શ્રીલંકામાં જરૂરી ખાદ્યચીજવસ્તુઓ અને ઇંધણની તીવ્ર અછત સર્જાઈ હતી તેમજ ફળો-શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા હતા.

શ્રીલંકાનું કુલ દેવું એપ્રિલ ૨૦૨૧માં ૩૫૦૦ કરોડ ડોલર હતું, જે માત્ર એક જ વર્ષમાં વધીને ૫૧૦૦ કરોડ ડોલર થઈ ગયું. શ્રીલંકાનું મોટાભાગનું દેવું એવું છે, જે ન ચૂકવવાની સ્થિતિમાં તેણે ભારે કિંમત ચૂકવવી પડશે. શ્રીલંકાના કુલ દેવામાં ૪૭ ટકા દેવું તેણે બજારમાંથી લીધું છે. શ્રીલંકાના દેવામાં ચીન પછી એશિયન ડેવલપમેન્ટ બેન્કનું દેવું ૧૩ ટકા, વર્લ્ડ બેન્કનું ૧૦ ટકા, જાપાનનું ૧૦ ટકા, ભારતનું ૨ ટકા અને અન્ય દેશોનું દેવું ૩ ટકા જેટલું છે. ચીનની ચાલમાં આવી જઈને શ્રીલંકાએ ઊંચી કિંમતે દેવું લઈને જલસા કર્યા, પરંતુ ચૂકવવાનું આવ્યું ત્યારે ખજાનો ખાલી થઈ ગયો છે.

વર્તમાન સરકારની અયોગ્ય નીતિઓના કારણે હાલ જનતા રસ્તા પર છે અને વિપક્ષ પણ તેની સાથે છે. વિપક્ષ આગામી દિવસોમાં રાજાપક્સે સરકાર વિરુદ્ધ આંદોલન તીવ્ર બનાવશે. સરકારી ટોચના અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે ટાપુ દેશ નાદારી ટાળવા માટે વિદેશી દેવાની ચૂકવણીને અસ્થાયી રૂપે સ્થગિત કરવા અંગે વિચાર કરી રહ્યો છે અને ફોરેક્સ રિઝર્વને ખાદ્ય, ઈંધણ અને દવા જેવી આવશ્યક ચીજોની આયાત માટે મર્યાદિત કરશે.

શ્રીલંકાના સેન્ટ્રલ બેંકના ગવર્નર પી નંદલાલ વીરાસિંઘે જણાવ્યું કે દેવાની ચૂકવણી કરવી પડકારજનક અને અશક્ય બને તેવો સમય આવી ગયો. દેવાનું પુનર્ગઠન કરવું અને હાર્ડ ડિફોલ્ટને ટાળવું એ જ એકમાત્ર શ્રેષ્ઠ પગલાં બાકી હતા. માર્ચમાં શ્રીલંકાનું વિદેશી હૂંડિયામણ અનામત ૧૬.૧ ટકા ઘટીને ૧.૯૩ અબજ ડોલરના ઐતિહાસિક તળિયે પહોંચ્યું હતુ. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર આ વર્ષે અંદાજિત ૮.૬ અબજ ડોલરની દેવાની ચૂકવણી કરવાની છે અને ઝડપથી ઘટી રહેલી અનામત સરકારની દેવા ચૂકવણીની ક્ષમતા પર સવાલ ઉભા કરે છે. શ્રીલંકા માટે હવે એકમાત્ર વિકલ્પ આઇએમએફ પાસેનું આર્થિક રાહત પેકેજ છે જેને બેલઆઉટ કહેવાય છે.