×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચિત્રકૂટઃ ટિકિટ ન મળવા પર ગુલાબી ગેંગના સંપત પાલે કોંગ્રેસ છોડ્યું, સોનિયા-રાહુલને મળીને કરશે વાત


- સંપત પાલના સંઘર્ષ પર બોલિવુડમાં બનેલી ગુલાબી ગેંગ નામની ફિલ્મમાં માધુરી દીક્ષિતે સંપત પાલની ભૂમિકા ભજવી હતી

નવી દિલ્હી, તા. 16 જાન્યુઆરી, 2022, રવિવાર

માનિકપુર બેઠક પરથી ટિકિટ ન મળવાના કારણે નારાજ થયેલા સંપત પાલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. ગુલાબી ગેંગના કમાન્ડર સંપત 2012 અને 2017માં આ બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા છે. પેટાચૂંટણીમાં તેમના બદલે રંજના બરાતી લાલ પાંડેયને ટિકિટ આપવામાં આવી હતી. સંપતને આ ચૂંટણીમાં ટિકિટ મળશે તેવો સંપૂર્ણ વિશ્વાસ હતો પરંતુ પાર્ટીએ રંજના પર જ વિશ્વાસ મુક્યો છે. 

વર્ષ 2012માં કોંગ્રેસના ઉમેદવાર સંપત પાલ 23,003 મત સાથે ચોથા સ્થાને રહ્યા હતા. 2017માં કોંગ્રેસનું સપા સાથે ગઠબંધન હોવાના કારણે માનિકપુર બેઠક કોંગ્રેસના ખાતામાં ગયેલી અને કોંગ્રેસે ફરી સંપતને જ મેદાનમાં ઉતારેલી. તે 40,524 મત સાથે બીજા નંબરે આવેલ. 2019માં થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસે સંપતના બદલે રંજના બરાતીલાલ પાંડેયને ટિકિટ આપી હતી. રંજનાને માત્ર 8,230 જ મત મળી શક્યા હતા. આ કારણે સંપત પાલને આ ચૂંટણીમાં ટિકિટ મળશે તેવો સંપૂર્ણ વિશ્વાસ હતો. 

સોનિયા, રાહુલથી ફરિયાદ નહીં- સંપત

ટિકિટ ન મળવાના કારણે નારાજ થયેલા સંપતે શનિવારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું. તેમના કહેવા પ્રમાણે તેમણે પ્રદેશ કાર્યાલયમાં રાજીનામુ મોકલી દીધું છે પરંતુ તેઓ સોનિયા અને રાહુલ ગાંધીને મળીને પોતાની વાત રજૂ કરશે. તેમને સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીથી કોઈ જ ફરિયાદ નથી. પ્રદેશ અધ્યક્ષ અને સુપરવાઈઝરે તેમની ટિકિટ કપાવી છે. તેનો મેસેજ આપવા અને પાર્ટીને કેટલાક ચાટુકારોથી બચાવવા માટે રાજીનામુ આપવું પડ્યું છે. આ સાથે જ તેમણે પોતે હાલ કોઈ દળમાં સામેલ નહીં થાય તેમ પણ જણાવ્યું હતું. 

મહિલાઓને સંગઠિત કરીને બનાવ્યું સંગઠન

બાંદા જિલ્લાના બદૌસા ગામના સંપત દેવી પાલે ગ્રામીણ મહિલાઓને સંગઠિત કરીને ગુલાબી ગેંગ નામનું એક મજબૂત સંગઠન ઉભું કર્યું હતું. ગુલાબી સાડીવાળા આ સંગઠનની બુંદેલખંડમાં મજબૂત ધાક છે. મહિલાઓને તેમના અધિકાર અપાવવા માટે આ સંગઠને અનેક સંઘર્ષ કર્યા હતા. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચુકેલા સંપત પાલની કાયદો હાથમાં લેવાના આરોપસર 2010માં માયાવતીના શાસનકાળમાં ધરપકડ થઈ હતી. 

સંપત પર બની ચુકી છે ફિલ્મ

સંપત પાલના સંઘર્ષ પર બોલિવુડમાં એક ફિલ્મ પણ બની છે. ગુલાબી ગેંગ નામની તે ફિલ્મમાં માધુરી દીક્ષિતે સંપત પાલની ભૂમિકા ભજવી હતી. સંપતે પણ જાકો રાખે સાઈયાં નામની ફિલ્મમાં નાનકડો રોલ ભજવેલો છે. આ ઉપરાંત તે ટીવી શો બિગ બોસમાં પણ ભાગ લઈ ચુક્યા છે.