×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચારે બાજુ પૂરના પાણી વચ્ચે જમીનના ટુકડાઓ પર ફસાઈ છે 12 લાખ ગર્ભવતીઓ


- 70,000થી પણ વધારે ગર્ભવતી મહિલાઓ આગામી એક મહિનાની અંદર પૂરતી ચિકિત્સા સહાય વગર જ બાળકોને જન્મ આપશે

ઈસ્લામાબાદ, તા. 10 સપ્ટેમ્બર, 2022, શનિવાર

પાડોશી દેશમાં હાલ પૂરના કારણે ભારે તારાજી પ્રવર્તી છે અને તે ઈતિહાસના સૌથી ભયંકર પૂરનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનનો એક તૃતિયાંશથી પણ વધારે હિસ્સો જળમગ્ન થઈ ગયો છે અને લાખો એકર પાક નાશ પામ્યો છે. 

સામાન્યથી 10 ગણા વધારે વરસાદના કારણે આર્થિક રીતે કંગાળ થઈ ગયેલું પાકિસ્તાન બરબાદીના આરે આવીને ઉભું છે. પૂરના પાણી ફરી વળવાના કારણે અત્યાર સુધીમાં 1,350 લોકોના મોત થયા છે અને લાખો લોકો બેઘર બન્યા છે. 

આ પણ વાંચોઃ પૂરના કારણે તબાહી વચ્ચે પાકિસ્તાનમાં 20 લાખ બાળકો સ્કૂલ છોડી દે તેવી સ્થિતિ

આ હોનારત દરમિયાન જે બાળકોનો જન્મ થયો છે તેમના જીવ પણ જોખમમાં મુકાયા છે. અનેક મહિલાઓ ભારે વરસાદ અને પૂરના કારણે બેઘર થવાના કારણે પોતાના નવજાત માટે ચિંતિત છે. ત્યારે જે ઘરની મહિલાઓ હાલ ગર્ભવતી છે તેમના પરિવારજનો પણ ચિંતામાં છે. 


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના (WHO) અહેવાલ પ્રમાણે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હેલ્થ સિસ્ટમ ધરાશાયી થઈ ચુકી છે. પૂરના કારણે નવજાત બાળકોનું સ્વાસ્થ્ય જોખમાયું છે અને સાથે જ ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ ચિંતા પ્રવર્તી છે. અસહાય લોકો રાહત શિબિરોમાં જીવ બચી ગયો એ એક હાંશકારા સામે ખરાબ તબિયત, જીવ-જંતુઓના ડર, ઈન્ફેક્શન, દવા-ભોજન વગેરે કઈ રીતે મેળવવા તેની ચિંતામાં સમય કાઢી રહ્યા છે. 

આ પણ વાંચોઃ સ્વાસ્થ્ય સંકટ, ભૂખમરો, પાકિસ્તાનમાં પૂરએ મચાવી તબાહી

WHOના અહેવાલ પ્રમાણે પાકિસ્તાનમાં વિનાશકારી પૂરના કારણે મહિલાઓ અને બાળકો અનપેક્ષિતરૂપે પ્રભાવિત થયા છે. પાકિસ્તાનમાં WHOના પ્રતિનિધિ ડો. પલિતા ગુણરત્ના મહિપાલે દેશની આશરે 10% સ્વાસ્થ્ય સંસ્થાઓ તહેસ-નહેસ થઈ ગઈ હોવાની માહિતી આપી હતી. જોકે સૌથી મોટી ચિંતા એ 12 લાખ ગર્ભવતી મહિલાઓ માટે છે જે હાલ પૂરના કારણે કામચલાઉ કેમ્પ્સમાં રહેવા માટે મજબૂર બની છે. 


એક અહેવાલ પ્રમાણે આશરે 70,000થી પણ વધારે ગર્ભવતી મહિલાઓ આગામી એક મહિનાની અંદર પૂરતી ચિકિત્સા સહાય વગર જ બાળકોને જન્મ આપશે. 

પૂરના કારણે તાવ અને ફ્લુના કેસ વધી રહ્યા છે અને મેલેરિયાનું જોખમ વધ્યું છે. રાહત શિબિરોમાં રહેતા 6.3 લાખ લોકો મહામારી ન ફેલાઈ જાય તે ડરથી ચિંતિત છે. 

આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં ઐતિહાસિક હિંદુ મંદિર સાધુ બેલા પૂરમાં ડૂબી ગયુ